RBI: આરબીઆઈ ગવર્નરને દર મહિને કેટલો પગાર અને કઈ ખાસ સુવિધાઓ મળે છે? જાણો વર્તમાન ગવર્નર સંજય મલ્હોત્રા વિશે
ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશની સર્વોચ્ચ અને સૌથી મોટી બેંકિંગ સંસ્થા છે, જેને ‘બેંકોની બેંક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશમાં ચલણી નોટોની નવી છાપકામ કરવાની હોય, નાણાકીય નીતિ (Monetary Policy) ઘડવાની હોય, તમામ સરકારી અને ખાનગી બેંકો પર કડક દેખરેખ રાખવાની હોય કે આર્થિક કટોકટીનું સંચાલન કરવાનું હોય, આ દરેક બાબતમાં આરબીઆઈની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ સમગ્ર વહીવટની કમાન આરબીઆઈના વડાના હાથમાં હોય છે. આવા સમયે સામાન્ય નાગરિકોના મનમાં ઘણીવાર પ્રશ્ન થાય છે કે આરબીઆઈના વડાને ‘ગવર્નર’ (Governor) કેમ કહેવામાં આવે છે, ચેરમેન કે પ્રેસિડેન્ટ કેમ નહીં? આવો જાણીએ આ વૈભવી પદ અને તેની પાછળના રોચક તથ્યો વિશે વિગતવાર…

આરબીઆઈના વડાને ‘ગવર્નર’ જ કેમ કહેવામાં આવે છે?
ગવર્નર પદ પાછળનું મુખ્ય કારણ આ સંસ્થાની પ્રકૃતિ અને તેનો અદભુત કાર્યક્ષેત્ર છે. રિઝર્વ બેંક માત્ર એક સામાન્ય વ્યાપારી સંસ્થા કે બોર્ડ નથી, પરંતુ તે દેશની સમગ્ર નાણાકીય અને બેંકિંગ વ્યવસ્થાની મુખ્ય નિયમનકાર (Regulator) છે. આરબીઆઈ દેશની અર્થવ્યવસ્થાને ગવર્ન એટલે કે સંચાલિત કરે છે. તે રૂપિયાની સ્થિરતા જાળવી રાખવા અને દેશમાં મોંઘવારીને નિયંત્રણમાં રાખવા જેવા અત્યંત સંવેદનશીલ નિર્ણયો લે છે. કાયદાકીય અને બંધારણીય દ્રષ્ટિએ આટલી મોટી જવાબદારી સંભાળતી હોવાથી જ તેના સર્વોચ્ચ અધિકારીને ‘ગવર્નર’ જેવું ગૌરવશાળી નામ આપવામાં આવ્યું છે.
બીજી તરફ, ‘ચેયરમેન’ (Chairman) શબ્દ સામાન્ય રીતે કોઈ ચોક્કસ ખાનગી કે સરકારી કંપની, કોઈ કમિટી અથવા લિમિટેડ બોર્ડના વડા માટે વાપરવામાં આવે છે, જેમનું કામ માત્ર પોતાની કંપની પૂરતું મર્યાદિત હોય છે. જ્યારે આરબીઆઈ ગવર્નરનો દાયરો અને સત્તાઓ કોઈ કંપની કરતા હજારો ગણી મોટી હોય છે. તેઓ દેશના સમગ્ર આર્થિક માળખાને દિશા આપે છે.
કેટલી હોય છે આરબીઆઈ ગવર્નરની સેલરી?
દેશના આટલા મોટા પદ પર બિરાજમાન આરબીઆઈ ગવર્નરની સેલરી અંગે પણ લોકોમાં ભારે ઉત્સુકતા હોય છે. સત્તાવાર માહિતી અનુસાર:
બેઝિક સેલરી: આરબીઆઈ ગવર્નરને દર મહિને આશરે રૂપિયા ૨.૫૦ લાખ ની બેઝિક સેલરી (મૂળ પગાર) મળે છે.
ભથ્થાં અને કુલ પગાર: આ મૂળ પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું (DA), ગ્રેડ એલાઉન્સ અને અન્ય નિયત સરકારી ભથ્થાઓ ઉમેર્યા પછી તેમનો કુલ માસિક પગાર આશરે રૂપિયા ૨.૮૦ લાખ ની આસપાસ પહોંચે છે.
ગવર્નરને મળતી ખાસ ભવ્ય સુવિધાઓ
સેલરી સિવાય પણ ભારત સરકાર અને આરબીઆઈ તરફથી ગવર્નરને અત્યંત પ્રતિષ્ઠિત અને વૈભવી સવલતો પૂરી પાડવામાં આવે છે, જે નીચે મુજબ છે:
આલીશાન નિવાસસ્થાન: મુંબઈના પોશ વિસ્તારમાં રહેવા માટે તમામ સુવિધાઓથી સજ્જ વિશાળ સરકારી બંગલો (ગવર્નર હાઉસ) મળે છે. ચોપર અને સત્તાવાર વાહન: ઓફિશિયલ મુસાફરી માટે ખાસ સુરક્ષા સુવિધા ધરાવતી સત્તાવાર ગાડી અને અંગત ડ્રાઈવરની સુવિધા આપવામાં આવે છે. તબીબી અને અન્ય ભથ્થાં: ગવર્નર અને તેમના પરિવાર માટે સંપૂર્ણ મેડિકલ ઈન્સ્યોરન્સ અને શ્રેષ્ઠ તબીબી સેવાઓ મફત હોય છે. આ ઉપરાંત ગ્રેડ એલાઉન્સ અને જરૂરી સરકારી સ્ટાફ પણ તૈનાત રહે છે.

કોણ છે વર્તમાન આરબીઆઈ ગવર્નર?
ભારતીય રિઝર્વ બેંકના વર્તમાન અને ૨૬મા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રા (Sanjay Malhotra) કાર્યરત છે. તેઓ ૧૯૯૦ની બેચના રાજસ્થાન કેડરના અત્યંત વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા (IAS) ના અધિકારી છે.
આરબીઆઈના ગવર્નર તરીકે નિયુક્ત થતાં પહેલાં સંજય મલ્હોત્રા કેન્દ્ર સરકારમાં મહેસૂલ સચિવ (Revenue Secretary) જેવા દેશના અતિ મહત્વના પદ પર પોતાની સફળ સેવાઓ આપી ચૂક્યા છે. તેમણે પોતાની લાંબી વહીવટી કારકિર્દી દરમિયાન ભારત સરકાર તેમજ રાજસ્થાન સરકારના વિવિધ મંત્રાલયોમાં અનેક ઉચ્ચ અને કપરા હોદ્દાઓ સંભાળ્યા છે. હાલમાં તેઓ આરબીઆઈ ગવર્નર તરીકે દેશની આર્થિક નીતિઓ, વ્યાજ દરો અને બેંકિંગ ક્ષેત્રના સુધારા અંગેના તમામ મોટા અને દૂરોગામી નિર્ણયો ખૂબ જ કુશળતાપૂર્વક લઈ રહ્યા છે.
