Tax Refund Status: શા માટે અટકે છે ટેક્સ રિફંડના પૈસા? જાણો 4 મુખ્ય કારણો અને ઓનલાઇન સુધારવાની પ્રક્રિયા
જો તમે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) સમયસર ભરી દીધું છે અને ટેક્સની ગણતરી પણ બિલકુલ સાચી કરી હતી, છતાં પણ તમારા બેંક ખાતામાં રિફંડના પૈસા જમા થયા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. દર વર્ષે દેશના લાખો કરદાતાઓ (Taxpayers) નો રિફંડ કેટલીક નાની-નાની ભૂલો અથવા કાનૂની પ્રક્રિયાઓને કારણે અટકી જતો હોય છે.

ટેક્સ રિફંડ સમયસર ન મળવાનો અર્થ એવો બિલકુલ નથી કે તમારા પૈસા ડૂબી ગયા છે. વાસ્તવમાં, ઈન્કમ ટેક્સ વિભાગની ઓટોમેટેડ સિસ્ટમ તમારી ફાઇલની સંપૂર્ણ પ્રોસેસિંગ કર્યા પછી જ રિફંડ જારી કરતી હોય છે. ૪ એવા મુખ્ય કારણો છે જેના લીધે આ સિસ્ટમ રિફંડની રકમ રોકી લે છે. ચાલો વિગતવાર જાણીએ કે બધું સાચું હોવા છતાં રિફંડ શા માટે અટકે છે અને તેને કેવી રીતે સુધારી શકાય છે.
ટેક્સ રિફંડ અટકી જવાના 4 સૌથી મોટા કારણો
૧. બેંક એકાઉન્ટ વેલિડેટ (Pre-validate) ન હોવું
ઈન્કમ ટેક્સ વિભાગ માત્ર એવા જ બેંક ખાતામાં રિફંડ ટ્રાન્સફર કરે છે જે તમારા ઈ-ફાઈલિંગ પ્રોફાઈલ પર પૂર્વ-સત્યાપિત (Pre-validated) હોય અને તેમાં EVC (ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ) ઈનેબલ થયેલું હોય. જો તમારું બેંક ખાતું પોર્ટલ પર લિંક ન હોય, વેલિડેશન બાકી હોય કે બેંક ખાતાનું નામ અને પાન કાર્ડનું નામ મેચ ન થતું હોય, તો રિફંડની રકમ અટકી જશે.
૨. પાન અને આધાર કાર્ડ લિંક ન હોવું
આજકાલ પાન અને આધાર લિંક હોવું અત્યંત ફરજિયાત છે. જો તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ પરસ્પર લિંક ન હોય અથવા સમયસર લિંક ન કરવાને કારણે પાન કાર્ડ ‘Inoperative’ (નિષ્ક્રિય) થઈ ગયું હોય, તો આવકવેરા વિભાગ નિયમ મુજબ તમારું રિફંડ રોકી દે છે.
૩. ITR નું e-Verification પૂર્ણ ન થવું
ઘણા કરદાતાઓ સમયસર ITR સબમિટ તો કરી દે છે, પરંતુ તેને ૩૦ દિવસની નિર્ધારિત મર્યાદામાં ઈ-વેરિફાય (e-Verify) કરવાનું ભૂલી જાય છે. ચકાસણી (Verification) વગર સબમિટ કરેલું રિટર્ન રદબાતલ ગણાય છે. જ્યાં સુધી વેરિફિકેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી વિભાગ દ્વારા રિટર્ન પ્રોસેસ થતું નથી અને રિફંડ જારી કરવામાં આવતું નથી.
૪. ભૂતકાળની કોઈ ટેક્સ બાકી નીકળતી હોય (Outstanding Demand)
જો અગાઉના કોઈ નાણાકીય વર્ષનો તમારો કોઈ ટેક્સ બાકી નીકળતો હોય, તો આવકવેરા વિભાગ તમારા નવા રિફંડમાંથી તે જૂની બાકી રકમ એડજસ્ટ (કાપી) કરવા માટે રિફંડ હોલ્ડ પર મૂકી દે છે. આ અંગેની જાણકારી વિભાગ દ્વારા તમને સેક્શન ૨૪૫ (Section 245) ની નોટિસ મોકલીને આપવામાં આવે છે.

અટકેલું રિફંડ પાછું મેળવવા માટે તાત્કાલિક કરો આ કામ
જો તમારું રિફંડ બેંક વિગતોની ખામી કે કોઈ અન્ય ટેકનિકલ કારણોસર ફેલ (Refund Failed) થઈ ગયું હોય, તો તમે ઘરે બેઠા જ ઈન્કમ ટેક્સ પોર્ટલ પરથી તેને સુધારી શકો છો:
૧. સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ incometax.gov.in પર જાઓ અને તમારો યુઝર ID (PAN) તથા પાસવર્ડ નાખીને લોગઈન કરો.
૨. હોમપેજ પર દર્શાવેલા સર્વિસિસ મેનૂમાંથી ‘Refund Re-issue’ ના વિકલ્પ પર કલિક કરો.
૩. ત્યારબાદ એક નવું ફોર્મ ખુલશે, જ્યાં તમે જે વેલિડેટ થયેલા બેંક ખાતામાં રિફંડ મેળવવા માંગતા હોવ તેને સિલેક્ટ કરો.
૪. મોબાઈલ પર આવતા OTP મારફતે ઓનલાઈન વેરિફિકેશન કરીને રિક્વેસ્ટ સબમિટ કરી દો.
સફળતાપૂર્વક રિક્વેસ્ટ સબમિટ થયા બાદ સામાન્ય રીતે ૨ થી ૩ અઠવાડિયાની અંદર રિફંડના પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થઈ જાય છે.
