Pregnancy Safety Tips: પ્રીક્લેમ્પસિયા એટલે કે હાઈ બીપી: પ્રેગ્નન્સીમાં સાયલન્ટ કિલર સાબિત થઈ શકે છે આ બીમારી, જાણો લક્ષણો
ગર્ભાવસ્થા (Pregnancy) દરમિયાન અવારનવાર પૌષ્ટિક આહાર, પૂરતો આરામ અને બાળકના વિકાસ પર જ આખું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પરંતુ આ બધાની વચ્ચે એક નાનકડી તપાસ ઘણીવાર ચૂકી જવાય છે. ડોક્ટરોના મતે, આ ચેકઅપ માત્ર બે મિનિટમાં જ થઈ જાય છે, પરંતુ તે માતા અને ગર્ભસ્થ શિશુ બંનેનો જીવ બચાવી શકે છે. અહીં વાત થઈ રહી છે બ્લડ પ્રેશર (BP) ટેસ્ટની, જેને મોટાભાગની મહિલાઓ ગંભીરતાથી લેતી નથી કારણ કે શરૂઆતમાં તેમને કોઈ તકલીફ અનુભવાતી નથી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના રિપોર્ટ અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા, ખાસ કરીને પ્રીક્લેમ્પસિયા (Preeclampsia), દુનિયાભરમાં સગર્ભા માતાઓના મોતના મુખ્ય કારણોમાંનું એક છે. આ બીમારીની સૌથી ખતરનાક બાબત એ છે કે તે કોઈપણ દેખીતા લક્ષણો વગર શરીરમાં ધીમે-ધીમે વધે છે. ઘણીવાર મહિલા સંપૂર્ણપણે સામાન્ય અને સ્વસ્થ અનુભવતી હોય છે, પરંતુ અંદર જ અંદર બ્લડ પ્રેશર શરીરના મહત્વના અંગો પર દબાણ વધારી રહ્યું હોય છે.
૨ મિનિટથી પણ ઓછો સમય લેતી તપાસ
આર્ટેમિસ હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગના ચેરપર્સન ડો. રેનુ રૈના સેહગલ જણાવે છે કે ડિજિટલ કે મેન્યુઅલ બીપી મોનિટર દ્વારા સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક પ્રેશર માપવામાં આવે છે. આ પ્રક્રિયામાં બે મિનિટથી પણ ઓછો સમય લાગે છે, પરંતુ તેનાથી ડોક્ટરોને ચોક્કસ ખ્યાલ આવે છે કે ગર્ભાવસ્થાના તણાવ વચ્ચે મહિલાનું શરીર કેવી રીતે એડજસ્ટ થઈ રહ્યું છે.
‘રોલ-ઓવર ટેસ્ટ’ અને જોખમના સંકેતો
ગર્ભાવસ્થાના ૨૮ થી ૩૨મા અઠવાડિયાની વચ્ચે ડોક્ટરો ઘણીવાર એક ખાસ ‘રોલ-ઓવર ટેસ્ટ’ કરે છે. ગાયનેકોલોજિસ્ટ ડો. વિનતી મનિયારના જણાવ્યા અનુસાર, આ ટેસ્ટમાં ગર્ભવતી મહિલાને પહેલા ડાબા પડખે સુવડાવવામાં આવે છે અને ત્યારબાદ પીઠના સવારે સીધી સુવડાવીને બીપી માપવામાં આવે છે. જો આ સ્થિતિ બદલાતી વખતે ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર 20 mmHg કે તેથી વધુ વધી જાય, તો તે આવનારા જોખમનો સંકેત હોઈ શકે છે. આનાથી ખબર પડે છે કે લોહીની નસો (Blood Vessels) યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં.
હાઈ બીપી ગર્ભમાં રહેલા બાળક માટે કેવી રીતે ખતરનાક બને?
ગર્ભાવસ્થામાં હાઈ બીપી માત્ર માતા માટે જ નહીં, પણ બાળકના વિકાસ માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે:
ઓક્સિજનની કમી: જો સમયસર હાઈ બીપી પકડાતું નથી, તો પ્લેસેન્ટા (ગર્ભનાળ) સુધી લોહીનો પ્રવાહ ઘટી જાય છે.
પોષણમાં અવરોધ: લોહીનો પ્રવાહ ઘટવાથી બાળક સુધી પૂરતો ઓક્સિજન અને જરૂરી પોષક તત્વો પહોંચતા નથી.
ગંભીર પરિણામો: આના કારણે બાળકનું વજન ઓછું આવવું (Low Birth Weight), અધૂરા મહિને ડિલિવરી થવી (Premature Delivery) કે પ્રસૂતિ દરમિયાન માતાને આંચકી (Seizures) આવવા જેવા ગંભીર કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) ના સંશોધન મુજબ, નિયમિત મોનિટરિંગ જ આનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
માત્ર બીપી નહીં, આ ટેસ્ટનું ‘એસેન્શિયલ ટ્રાયો’ પણ છે જરૂરી
ડોક્ટરો માત્ર બ્લડ પ્રેશર માપીને જ અટકી જતા નથી. ડો. વિનતી મનિયાર તેને ‘એસેન્શિયલ ટ્રાયો’ (આવશ્યક ત્રિપુટી) કહે છે, જેમાં નીચેના ટેસ્ટ સામેલ છે:
૧. યુરિન એલ્બ્યુમિન ટેસ્ટ (Urine Albumin): પેશાબમાં પ્રોટીનની માત્રા જાણવા માટે.
૨. કિડની માર્કર્સ (Uric Acid & Creatinine): કિડની બરાબર કામ કરે છે કે નહીં તેની તપાસ.
૩. પ્લેટલેટ કાઉન્ટ (Platelet Count): લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા સામાન્ય રાખવા માટે.
આ ટેસ્ટ્સથી સ્પષ્ટ થાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના આંતરિક અંગો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં. તેથી, ગર્ભવતી મહિલાઓ માટે દર મહિને થતો આ બે મિનિટનો બીપી ટેસ્ટ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ માતા અને આવનારા બાળકની સુરક્ષાનું અગ્રેસર કવચ છે.
