FSSAI Notice: ખાદ્ય સુરક્ષાના નિયમોના લીરેલીરા: Swiggy પર વાસી ભોજન અને દૂષિત ઈંડા વેચવાનો આરોપ, કાનૂની કાર્યવાહીની તૈયારી
ઓનલાઈન ફૂડ અને ગ્રોસરી ડિલિવરી ક્ષેત્રની અગ્રણી કંપની ‘સ્વિગી’ (Swiggy Instamart) ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ ના કથિત ઉલ્લંઘન બદલ સ્વિગી ઇન્સ્ટામાર્ટને એકસાથે ૯ કારણદર્શક નોટિસ ફટકારી છે. ગ્રાહકો દ્વારા સતત કરવામાં આવેલી ગંભીર ફરિયાદોના આધારે ફૂડ રેગ્યુલેટરે આ કડક વલણ અપનાવ્યું છે. આરોપ છે કે કંપની દ્વારા લોકોને વાસી, સડેલો, દૂષિત અને માનવ વપરાશ માટે બિલકુલ અયોગ્ય ખોરાક ડિલિવર કરવામાં આવી રહ્યો હતો.

ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં: કઈ ફરિયાદો પર લેવાઈ એક્શન?
FSSAI દ્વારા જારી કરાયેલી નોટિસમાં ગ્રાહકોની અસંખ્ય ફરિયાદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, સ્વિગી ઇન્સ્ટામાર્ટ પરથી ઓર્ડર કરાયેલી ગ્રોસરી અને ખાદ્ય સામગ્રીમાં ગંભીર ખામીઓ જોવા મળી હતી. ગ્રાહકોએ પુરાવા સાથે ફરિયાદ કરી હતી કે તેમને એક્સપાયરી ડેટ (વપરાશની અંતિમ તારીખ) વીતી ગઈ હોય તેવો સામાન મોકલાયો હતો. દૂષિત ઈંડા, ખાટી થઈ ગયેલી દૂધની પ્રોડક્ટ્સ અને ફાટેલા કે ક્ષતિગ્રસ્ત પેકિંગવાળો ખોરાક ગ્રાહકોના ઘર સુધી પહોંચતો હોવાની વિગતો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કંપની તરફથી કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા ન હતા.
લિસ્ટમાં કઈ પ્રોડક્ટ્સ સામેલ? પ્રોટીન પાવડરથી લઈને નવજાત શિશુના આહાર સુધી બેદરકારી
રેગ્યુલેટરી તપાસમાં કેટલીક ચોક્કસ બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સના નામ પણ સામે આવ્યા છે જેમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી:
હેલ્થ સપ્લીમેન્ટ્સ: ‘Healthify 100% Whey Protein’ (1 કિલો) અને ‘Noice Home Style Madras Mixture with Peanuts’ જેવી પ્રોડક્ટ્સ તેની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હોવા છતાં ગ્રાહકોને વેચવામાં આવી હતી.
અક્ષયકલ્પ ઓર્ગેનિક એગ્સ: આ બ્રાન્ડના ઈંડા સડેલા, અત્યંત બદબૂદાર અને દૂષિત હાલતમાં ડિલિવર થયા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેનાથી ગંભીર ફૂડ પોઈઝનિંગનું જોખમ વધી જાય છે.
કાકે દા પરાઠા: તૈયાર ખોરાકની કેટેગરીમાં આ પ્રોડક્ટ તદ્દન બગડેલી અને ખાવા અયોગ્ય હાલતમાં મોકલવામાં આવી હતી.
નવજાત શિશુનો આહાર (Infant Food): બાળકો માટેના અત્યંત સંવેદનશીલ ફૂડ ફોર્મ્યુલેશનમાં પણ ખામી જોવા મળી હતી. આશ્ચર્યની વાત એ છે કે ગ્રાહકે આ દૂષિત પ્રોડક્ટ પરત કરી, તો કંપનીએ તેના બદલામાં ફરીથી એવો જ ખરાબ સામાન મોકલી આપ્યો!

લાયસન્સના નામે ગોલમાલ: અમાન્ય નંબરોનો ઉપયોગ
ફૂડ સેફ્ટી વિભાગની તપાસમાં માત્ર ખરાબ ખોરાક જ નહીં, પરંતુ કાયદાકીય દસ્તાવેજોમાં પણ મોટી ગેરરીતિઓ પકડાઈ છે. નોટિસ અનુસાર, ‘નોઈસ એગ્સ’ (Noice Eggs) જેવી પ્રોડક્ટ્સ એવા બ્રાન્ડ નેમ હેઠળ વેચાઈ રહી હતી જે સ્વિગીના વર્તમાન FSSAI લાયસન્સની માન્ય કેટેગરીમાં સામેલ જ નહોતી. ઓથોરિટીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જ્યાં સુધી નવું લાયસન્સ કે સુધારો ન થાય ત્યાં સુધી આ પ્રોડક્ટનું વેચાણ તાત્કાલિક બંધ કરવામાં આવે. આ ઉપરાંત, કેટલાક કિસ્સાઓમાં ખોટા અથવા અમાન્ય FSSAI લાયસન્સ નંબરનો ઉપયોગ થતો હોવાનું અને રજિસ્ટ્રેશન વગરની ફૂડ એન્ટિટીઝ લિસ્ટ થયેલી હોવાનું પણ સામે આવ્યું છે.
માત્ર રિફંડ આપીને કેસ બંધ! FSSAI એ માંગી વિગતવાર રીપોર્ટ
ગ્રાહકોનો મોટો આક્ષેપ છે કે જ્યારે પણ ખરાબ કે ઝેરી ખોરાકની ફરિયાદ કરવામાં આવતી, ત્યારે સ્વિગી ઇન્સ્ટામાર્ટ માત્ર પૈસા રિફંડ (Refund) આપીને કેસ રફા-દફા કરી દેતી હતી. ખાદ્ય સુરક્ષાના મૂળભૂત મુદ્દા કે ક્વોલિટી કંટ્રોલ પર કોઈ ધ્યાન અપાતું નહોતું.
હવે FSSAI એ કંપનીના સેલર ઓન-બોર્ડિંગ, ક્વોલિટી મોનિટરિંગ અને ગ્રાહક ફરિયાદ નિવારણ સિસ્ટમ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રેગ્યુલેટરે સ્વિગી પાસે તમામ આરોપો પર દસ્તાવેજો સાથે વિગતવાર ખુલાસો માંગ્યો છે. કંપનીએ સ્ટોક રોટેશન, સ્ટોરેજ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને ગુણવત્તા નિયંત્રણ માટે શું પગલાં લીધાં છે તેની સંપૂર્ણ વિગતો આપવી પડશે. આ સાથે જ દરેક ઘટના પાછળનું સાચું कारण (Root Cause Analysis) અને ભવિષ્યમાં આવી ભૂલો રોકવા માટેનો કલેક્ટિવ પ્લાન સબમિટ કરવા જણાવાયું છે. જો નિયત સમયમાં સંતોષકારક જવાબ નહીં મળે, તો કંપની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
