Glowing Skin Tips: મોંઘા ફેસિયલ છોડો! વિજ્ઞાન આધારિત આ ૫ સ્કિન કેર આદતોથી ચહેરા પર લાવો કુદરતી ગ્લો
આખો અઠવાડિયો કામનો થાક, માનસિક સ્ટ્રેસ, રસ્તા પરની ધૂળ-માટી, આકરો તડકો અને કલાકો સુધી લેપટોપ કે મોબાઈલની સ્ક્રીન સામે બેસી રહેવાની સીધી નકારાત્મક અસર આપણા ચહેરા પર દેખાય છે. ઘણીવાર અરીસામાં જોતી વખતે અનુભવાય છે કે ત્વચાનો બધો જ ગ્લો ગાયબ થઈ ગયો છે. ખાસ કરીને ભારત જેવા ગરમ અને પ્રદૂષણયુક્ત દેશમાં ત્વચા ખૂબ જ ઝડપથી નિર્જીવ અને કરમાયેલી દેખાવા લાગે છે. પરંતુ, ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે હંમેશા મોંઘા બ્યુટી પાર્લર કે ટ્રીટમેન્ટ્સની જરૂર નથી હોતી. વિજ્ઞાન આધારિત (Science-backed) કેટલીક સરળ સ્કિન કેર આદતો અપનાવીને ચહેરાની ખોવાયેલી ચમક પાછી લાવી શકાય છે.

૧. ચહેરાને સ્ક્રબથી ઘસવાનું બંધ કરો (કેમિકલ એક્સફોલિયેશન અપનાવો)
મોટાભાગના લોકો ચહેરાની સુષ્કતા કે કાળાશ દૂર કરવા માટે બજારમાં મળતા કઠણ દાણાદાર સ્ક્રબથી ચહેરો ઘસતા હોય છે. આનાથી ત્વચાના ઉપરના પડને (Skin Barrier) ભારે નુકસાન થાય છે. ત્વચા નિષ્ણાતો હવે ફિઝિકલ સ્ક્રબના બદલે કેમિકલ એક્સફોલિયન્ટ્સ જેવા કે AHA (આલ્ફા હાઈડ્રોક્સી એસિડ) અને BHA (બીટા હાઈડ્રોક્સી એસિડ) નો ઉપયોગ કરવાની સલાહ આપે છે. ગ્લાયકોલિક એસિડ, લેક્ટિક એસિડ અને સેલિસિલિક એસિડ જેવા ઘટકો ત્વચાના મૃત કોષોને (Dead Skin Cells) ઘસ્યા વગર ધીમેથી ઓગાળી દે છે. આજકાલ વૈશ્વિક સ્તરે ‘સ્કિન સાયકલિંગ’ (Skin Cycling) નો ટ્રેન્ડ ખૂબ લોકપ્રિય છે, જેમાં એક રાત્રે એક્ટિવ એસિડ સીરમનો ઉપયોગ થાય છે અને બીજી રાત્રે સ્કિનને માત્ર હાઇડ્રેટ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
૨. નેચરલ ગ્લો માટે એન્ટીઓક્સીડેન્ટ્સ છે રામબાણ
જો તમારે ત્વચાનો ટોન સુધારવો હોય તો એન્ટીઓક્સીડેન્ટ્સ અનિવાર્ય છે. વિટામિન સી (Vitamin C) સીરમને સ્કિન બ્રાઈટનિંગ માટે સૌથી અસરકારક માનવામાં આવે છે. તે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો અને પ્રદૂષણથી પેદા થતા ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે, જે આપણા શરીરમાં રહેલા કોલેજન (ત્વચાને ટાઈટ રાખતું પ્રોટીન) ને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત, રાઈસ વોટર (ચોખાનું પાણી) અને ટ્રાનેક્સેમિક એસિડ જેવા આધુનિક ઘટકો કાળા ડાઘ (Dark Spots) દૂર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.
૩. ત્વચામાં ખેંચાણ અને સુષ્કતા દૂર કરવા મોઇશ્ચર લોક કરો
જ્યારે ત્વચા ડિહાઇડ્રેટ થઈ જાય છે, ત્યારે ચહેરો એકદમ બેજાન અને ખેંચાયેલો દેખાય છે. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે સેરામાઈડ્સ (Ceramides), હાયલ્યુરોનિક એસિડ (Hyaluronic Acid) અને નિયાસિનામાઈડ (Niacinamide) યુક્ત ક્રીમ કે ટોનરનો ઉપયોગ કરવો જોઈએ. તે સ્કિનના માઇક્રોબાયોમને હેલ્ધી રાખે છે અને ભેજને ત્વચાની અંદર જ લોક કરી દે છે.
૪. બ્યુટી સ્લીપ (પૂરતી ઊંઘ) પણ છે એટલી જ જરૂરી
અપૂરતી ઊંઘની સીધી અસર બીજા જ દિવસે આંખોની નીચે અને ચહેરા પર સોજા કે કાળાશ સ્વરૂપે દેખાય છે. જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ અથવા ઓછું ઊંઘીએ છીએ, ત્યારે શરીરમાં ‘કોર્ટિસોલ’ (Cortisol) નામનો સ્ટ્રેસ હોર્મોન વધે છે, જે લોહીના પ્રવાહને પ્રભાવિત કરે છે અને ચહેરો ફીકો દેખાવા લાગે છે. રાત્રે સૂતી વખતે આપણું શરીર કોષોના સમારકામનું (Cell Repair) કામ બમણી ઝડપે કરે છે, તેથી રાત્રે સૂતા પહેલા નાઈટ ક્રીમ અથવા રીપેરેટિવ સીરમ ચોક્કસ લગાવવું જોઈએ.

૫. સનસ્ક્રીન ક્યારેય સ્કીપ ના કરો
ભલે આકાશમાં વાદળો હોય કે તમે ઘરમાં હોવ, હળવો તડકો પણ ત્વચાના કોલેજનને તોડી નાખે છે અને પિગમેન્ટેશન (ઝાંય) વધારે છે. નિષ્ણાતો દરરોજ SPF 30+ અથવા તેનાથી વધુ ક્ષમતાવાળું બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન લગાવવાની ભારપૂર્વક ભલામણ કરે છે.
યાદ રાખો, સ્કિનનો ગ્લો કોઈ જાદુ નથી કે જે એક દિવસમાં આવી જાય. યોગ્ય પ્રોડક્ટ્સની પસંદગી, નિયમિતતા, પૂરતી ઊંઘ અને હેલ્ધી લાઈફસ્ટાઈલથી ધીમે-ધીમે તમારા ચહેરાની કુદરતી ચમક કાયમ માટે પાછી આવી જશે.
