Yoga Benefits: ગર્ભાવસ્થામાં પ્રીનેટલ યોગના અદભૂત ફાયદા: તણાવમુક્ત પ્રસૂતિ માટે નિષ્ણાતોની ખાસ સલાહ
ગર્ભાવસ્થા (Pregnancy) એ સ્ત્રીના જીવનનો એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ તબક્કો છે. આ દરમિયાન શરીર અને મન બંનેમાં અનેક પરિવર્તનો આવે છે. વધતું વજન, કમરનો દુખાવો, સતત થાક અને હોર્મોનલ ફેરફારોને કારણે ઘણી સગર્ભા મહિલાઓને પૂરતી અને સારી ઊંઘ લેવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યાઓના સમાધાન તરીકે, નિષ્ણાતો ‘પ્રીનેટલ યોગ’ (Prenatal Yoga) ને એક અત્યંત અસરકારક અને સલામત માધ્યમ માને છે.

પ્રીનેટલ યોગ: શા માટે છે જરૂરી?
ડૉ. નેહા શુક્લાના જણાવ્યા અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ સક્રિય રહેવું ખૂબ જરૂરી છે. પ્રીનેટલ યોગ માત્ર શારીરિક કસરત જ નથી, પરંતુ તે એક એવી પદ્ધતિ છે જે સગર્ભા મહિલાઓને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવે છે. આ યોગમાં હળવી સ્ટ્રેચિંગ, નિયંત્રિત શ્વાસ લેવાની ક્રિયા (પ્રાણાયામ) અને રિલૅક્સેશન તકનીકોનો સમાવેશ થાય છે, જે શરીરને આરામ આપે છે અને સ્નાયુઓને લવચીક બનાવે છે.
માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સંતુલન
ગર્ભાવસ્થામાં માત્ર શરીર જ નહીં, મન પણ અનેક બદલાવોમાંથી પસાર થાય છે. પ્રવસની ચિંતા, બાળકના સ્વાસ્થ્ય અંગેનો ડર અને ભવિષ્યની જવાબદારીઓને કારણે મહિલાઓમાં ઘણીવાર તણાવ (Stress) અને બેચેની જોવા મળે છે. યોગ અને ધ્યાન (Meditation) મનને શાંત કરવામાં અને નકારાત્મક વિચારોને દૂર કરવામાં મદદ કરે છે. નિયમિત યોગાભ્યાસથી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે છે અને ગર્ભાવસ્થા દરમિયાન આવતા મૂડ સ્વિંગ્સ (Mood Swings) ને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

શ્વાસ લેવાની તકનીક: સમયની તૈયારી
પ્રાણાયામ એ પ્રીનેટલ યોગનો સૌથી મુખ્ય ભાગ છે. ગર્ભાવસ્થા દરમિયાન ઊંડા શ્વાસ લેવાની કસરતો શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, જે માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે. આ તકનીકો (Labor) દરમિયાન ખૂબ જ મદદગાર સાબિત થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે, યોગ્ય રીતે શ્વાસ લેવાની ટેવ ધરાવતી મહિલાઓ પ્રસૂતિ સમયે વધુ શાંત અને કેન્દ્રિત રહી શકે છે, જેનાથી પ્રસૂતિની પીડા સહન કરવાની ક્ષમતામાં સુધારો થાય છે.
શારીરિક સમસ્યાઓથી રાહત
જેમ જેમ ગર્ભાવસ્થાના મહિનાઓ વધે છે, તેમ તેમ શરીરમાં વજનનો ભાર વધવા લાગે છે. આનાથી કમર, પીઠ અને થાપાના ભાગે દબાણ અનુભવાય છે. કેટલીક વિશિષ્ટ યોગ અભ્યાસથી આ સ્નાયુઓને મજબૂતી મળે છે અને શરીરનું પોસ્ચર સુધરે છે. યોગ કરવાથી રક્ત પરિભ્રમણ (Blood Flow) સુધરે છે, જે સોજા (Edema) અને શરીરમાં આવતી જકડન જેવી સમસ્યાઓ ઘટાડવામાં નોંધપાત્ર યોગદાન આપે છે.
