ચોમાસામાં આંખોનું ઈન્ફેક્શન વધતાં ડોક્ટરની ચેતવણી: જાણો કઈ સ્થિતિમાં તરત જવું હોસ્પિટલ
ચોમાસાની ઋતુ શરૂ થતાં જ આંખોના ઈન્ફેક્શન (ચેપ) અને એલર્જીની સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આ દિવસોમાં આંખો લાલ થવી, બળતરા થવી, સોજો આવવો, સતત પાણી પડવું કે ચીકાશ થવી જેવી ફરિયાદો સામાન્ય બની જતી હોય છે. ઘણા લોકો તેને સામાન્ય ગણીને તબીબી સલાહ વિના મેડિકલ સ્ટોર પરથી આઈ ડ્રોપ્સ (આંખના ટીપાં) ખરીદીને વાપરવા લાગે છે અથવા તો પોતાની મેળે જ ઈન્ફેક્શન ઠીક થવાની રાહ જુએ છે.

અગ્રવાલ આઈ હોસ્પિટલના મોતિંદો અને રિફ્રેક્ટિવ સર્જન, ડો. ભવાથારિણી એમ જણાવે છે કે, દરેક વખતે આ રીતે જાતે ઈલાજ કરવો સુરક્ષિત નથી હોતો. કેટલાક કિસ્સાઓમાં આ પ્રારંભિક લક્ષણો આંખોના કોઈ ગંભીર ચેપ અથવા કોર્નિયાના નુકસાનના સંકેત પણ હોઈ શકે છે.
ચોમાસામાં આંખોની સમસ્યાઓ કેમ વધી જાય છે?
ચોમાસા દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જેના કારણે બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ (ફૂગ) ખૂબ જ ઝડપથી પાંગરે છે. આ ઉપરાંત હવામાં રહેલા ધૂળ-માટીના કણો, પ્રદૂષણ અને એલર્જન પણ આંખો પર નકારાત્મક અસર કરે છે. આ જ કારણ છે કે ચોમાસામાં વાયરલ કંજંકટીવાઈટિસ (આંખો આવવી), એલર્જિક પ્રતિક્રિયાઓ અને કોર્નિયાના ચેપના કિસ્સાઓ ઝડપથી વધવા લાગે છે.
કોન્ટેક્ટ લેન્સ વાપરનારા લોકો માટે ખાસ સાવચેતી
જે લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે, તેમના માટે ચોમાસામાં બેદરકારી ખૂબ ભારે પડી શકે છે. લેન્સનો અયોગ્ય ઉપયોગ આંખોના ચેપનું જોખમ અનેક ગણું વધારી દે છે:
અસ્વચ્છ હાથ: ગંદા કે અસ્વચ્છ હાથે લેન્સ પહેરવા કે ઉતારવા.
વધુ સમય સુધી ઉપયોગ: નિયત સમય કરતાં વધુ કલાક સુધી લેન્સ પહેરી રાખવા.
જૂનું સોલ્યુશન: લેન્સ સાફ કરવા માટે વારંવાર એક જ જૂના સોલ્યુશનનો ઉપયોગ કરવો.
લેન્સ સાથે ઊંઘવું: લેન્સ પહેરીને સૂઈ જવાથી કોર્નિયામાં ગંભીર ઈન્ફેક્શન થઈ શકે છે.
જો લેન્સ પહેર્યા પછી આંખોમાં અસહ્ય દુખાવો, લાલાશ કે ઝાંખપ અનુભવાય, તો તરત જ લેન્સ કાઢી નાખવા જોઈએ અને વિલંબ કર્યા વગર નેત્ર ચિકિત્સક (ઓપ્થેલ્મોલોજિસ્ટ) ની સલાહ લેવી જોઈએ.
આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો
આંખોમાં નીચે મુજબના લક્ષણો જણાય તો તેને સામાન્ય ગણીને અવગણવા ન જોઈએ:
આંખોમાં તીવ્ર અને અસહ્ય દુખાવો થવો
અચાનક દ્રષ્ટિમાં ઝાંખપ આવી જવી
પ્રકાશ કે રોશની સામે જોવામાં તકલીફ અથવા ખૂંચ અનુભવવી
પોપચાં અથવા આખી આંખ પર વધુ પડતો સોજો આવવો
આંખોમાંથી પીળો કે લીલો ચીકણો પરાવ (સ્ત્રાવ) નીકળવો
આંખોમાંથી સતત પાણી વહેવું
કોન્ટેક્ટ લેન્સ કાઢ્યા પછી પણ તકલીફ સતત વધવી

ચોમાસામાં આંખોના બચાવ માટેના સરળ ઉપાયો
ચોમાસામાં થોડીક સાવચેતી રાખીને આંખોના ચેપથી બચી શકાય છે:
હાથની સફાઈ: ગંદા હાથે આંખોને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો.
વસ્તુઓની વહેંચણી ન કરવી: ટુવાલ, રૂમાલ, આઈ મેકઅપ કે આઈ ડ્રોપ્સ અન્ય કોઈ સાથે શેર ન કરો.
લેન્સની કાળજી: લેન્સની સફાઈ નિયમિત સોલ્યુશનથી કરો અને તેની એક્સપાયરી તારીખ મુજબ બદલી દો.
સ્ટેરોઈડ આઈ ડ્રોપ્સથી બચો: ડોક્ટરની લેખિત સલાહ વગર ક્યારેય પણ સ્ટેરોઈડ યુક્ત ટીપાં ન નાખો. તેનાથી ચેપ છુપાઈ શકે છે અને સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
ચોમાસામાં આંખોની દરેક તકલીફ સામાન્ય નથી હોતી. યોગ્ય સમયે તપાસ અને સાચો ઈલાજ કરાવવાથી મોટાભાગના ઈન્ફેક્શન સંપૂર્ણપણે ઠીક થઈ જાય છે, જ્યારે બેદરકારી કાયમી નુકસાન પહોંચાડી શકે છે.
