સામાન્ય માથાનો દુખાવો કે માઇગ્રેન? મહિલાઓમાં લક્ષણો, ટ્રિગર્સ અને તેનાથી રાહત મેળવવાના ઉપાયો
ઘણા લોકો માઇગ્રેનને સામાન્ય માથાનો દુખાવો સમજીને અવગણવાની ભૂલ કરે છે, પરંતુ જેને માઇગ્રેન હોય છે તે જ આ અસહ્ય પીડાની વાસ્તવિકતા સમજી શકે છે. માઇગ્રેનમાં માથાના દુખાવાની સાથે સાથે ઉલટી થવી, તીવ્ર પ્રકાશથી પરેશાની થવી, મોટો અવાજ સહન ન થવો, ભારે થાક લાગવો અને કોઈ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડવી જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે. અભ્યાસ અનુસાર, પુરુષોની સરખામણીએ મહિલાઓમાં માઇગ્રેનની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેનું એક મુખ્ય કારણ શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો છે.

માસિક સ્રાવ (પીરિયડ્સ) અને માઇગ્રેન વચ્ચેનો સંબંધ
કેટલીક મહિલાઓમાં પીરિયડ્સ શરૂ થવાના અમુક દિવસો પહેલા અથવા દરમિયાન માઇગ્રેનનો હુમલો (Migraine Attack) આવે છે. આનું મુખ્ય કારણ પીરિયડ્સ પહેલા શરીરમાં ખાસ કરીને એસ્ટ્રોજન (Estrogen) હોર્મોનના સ્તરમાં આવતો ઝડપી ઘટાડો છે. આ સમયગાળા દરમિયાન થતો માઇગ્રેનનો દુખાવો સામાન્ય માથાના દુખાવા કરતા વધુ તીવ્ર અને અસહ્ય હોઈ શકે છે, જેને નિયંત્રિત કરવો પણ મુશ્કેલ બની જાય છે.
જોકે, માત્ર હોર્મોન્સ જ આ માટે જવાબદાર નથી. આજના વ્યસ્ત અને દોડધામભર્યા જીવનમાં અપૂરતી ઊંઘ, વધુ પડતો માનસિક તણાવ, સમયસર ભોજન ન લેવું અને ઓછું પાણી પીવું જેવા પરિબળો માઇગ્રેનને તાત્કાલિક ટ્રિગર કરી શકે છે. ખાસ કરીને જે મહિલાઓ ઘર, પરિવાર અને નોકરી વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે, તેમનામાં આ પરિબળોથી માઇગ્રેનનો હુમલો આવવાની શક્યતા વધી જાય છે.
માઇગ્રેનની પેટર્ન નોંધવા માટે ‘હેડેક ડાયરી’ રાખો
વારંવાર માઇગ્રેનની તકલીફથી પીડાતી મહિલાઓ માટે ડૉ. પંડિતા ડાયરી રાખવાની સલાહ આપે છે. આ ડાયરીમાં માથાના દુખાવાની તારીખ, પીરિયડ્સ સાયકલ, ઊંઘના કલાકો, ખાનપાન, તણાવનું સ્તર અને દિનચર્યામાં થયેલા ફેરફારોની વિગતો નોંધી શકાય છે. આ તમામ બાબતોનું એકસાથે વિશ્લેષણ કરવાથી માઇગ્રેન કયા ચોક્કસ કારણે ટ્રિગર થાય છે તેની પેટર્ન સમજવામાં સરળતા રહે છે.

શું માઇગ્રેનની તીવ્રતામાં ફેરફાર થઈ શકે છે?
મહિલાના સમગ્ર જીવન દરમિયાન માઇગ્રેનની સમસ્યા એકસરખી રહેતી નથી. ગર્ભાવસ્થા (Pregnancy) દરમિયાન કેટલીક મહિલાઓને માઇગ્રેનમાં મોટી રાહત મળે છે, જ્યારે કેટલીક માટે સ્થિતિ વધુ જટિલ બની શકે છે. બાળક જન્મ્યા પછી હોર્મોનલ બદલાવ, પૂરતી ઊંઘ ન મળવી અને શિશુની સંભાળની જવાબદારીઓને કારણે માઇગ્રેનને મેનેજ કરવું પડકારજનક બને છે. તે જ રીતે મેનોપોઝ (રજોનિવૃત્તિ) ના સમયે પણ કેટલાંક કિસ્સાઓમાં દુખાવો ઘટે છે તો કેટલાંકમાં વધી શકે છે.
વારંવાર થતા માથાના દુખાવાને સામાન્ય ન ગણો
દરેક માથાનો દુખાવો માઇગ્રેન નથી હોતો, પરંતુ જો વારંવાર થતો દુખાવો તમારા દૈનિક કામ, ઊંઘ અને જીવનશૈલીને પ્રભાવિત કરતો હોય તો તેને સામાન્ય સમજીને સહન ન કરવો જોઈએ. જો માથાના તીવ્ર દુખાવાની સાથે સાથે ચક્કર આવવા, નબળાઈ અનુભવવી, બોલવામાં કે જોવામાં તકલીફ થવી, માનસિક અસ્વસ્થતા કે બભાનતા જેવા લક્ષણો દેખાય તો તરત જ ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે.
