વોકિંગ દરમિયાન પાણી પીવાની સાચી રીત શું છે? જાણો અહીં
બ્રિસ્ક વોકિંગ શરીર માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. તે માત્ર વજન ઘટાડવામાં જ મદદરૂપ નથી બનતું, પરંતુ હાર્ટ હેલ્થને પણ મજબૂત બનાવે છે. છતાં ઘણા લોકો વોકિંગ કરતી વખતે યોગ્ય રીતનું પાલન કરતા નથી, જેના કારણે પૂરતો ફાયદો મળતો નથી. ખાસ કરીને ઘણા લોકો ચાલતા ચાલતા એકસાથે વધુ પાણી પી લે છે, જે હંમેશા યોગ્ય નથી.
વોકિંગ દરમિયાન પાણી પીવું સંપૂર્ણપણે ખોટું નથી, પરંતુ તેની માત્રા અને સમય મહત્વપૂર્ણ છે. જો તમે 30 મિનિટથી વધુ સમય સુધી વોકિંગ કરી રહ્યા છો, તો થોડું પાણી પીવું યોગ્ય રહે છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે નાના ઘૂંટમાં પાણી પીવું જોઈએ, ખાસ કરીને ઉનાળામાં દર 15-20 મિનિટે થોડું પાણી પીવાથી થાક ઓછો થાય છે. પરંતુ એક સાથે વધુ પાણી પીવાથી પેટમાં અસ્વસ્થતા થઈ શકે છે.
વોક પર જવાના પહેલા 10 થી 20 મિનિટ અગાઉ એક ગ્લાસ પાણી પીવું સારું ગણાય છે. વોક પૂરી થયા બાદ તરત જ વધારે પાણી પીવાના બદલે થોડો આરામ કરીને પછી પાણી પીવું વધુ ફાયદાકારક રહે છે. જો વોકિંગ દરમિયાન વધુ પરસેવો આવે તો તે શરીરને પાણીની જરૂરિયાત દર્શાવે છે. લાંબા સમય સુધી વોકિંગ કરવામાં આવે તો લીંબુ પાણી અથવા ઇલેક્ટ્રોલાઇટ પણ લઈ શકાય.
વોકિંગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. શરૂઆતમાં થોડું વોર્મ-અપ કરવાથી શરીર તૈયાર થાય છે અને અંતે સ્ટ્રેચિંગ કરવાથી માંસપેશીઓમાં ખેંચાવ ટળે છે. આરામદાયક અને યોગ્ય સાઇઝના શૂઝ પહેરવાથી ચાલવામાં સરળતા રહે છે. ખાવા પછી તરત જ વોકિંગ કરવું ટાળવું જોઈએ અને ઓછામાં ઓછું 20-30 મિનિટનો ગાળો રાખવો જોઈએ. ચાલતી વખતે શરીરની સ્થિતિ સીધી રાખવી, ખભા ઢીલા રાખવા અને આગળ જોઈને ચાલવું વધુ યોગ્ય છે.
આ રીતે યોગ્ય રીતથી બ્રિસ્ક વોકિંગ કરવામાં આવે તો તેનો પૂરો લાભ મળે છે અને શરીર વધુ સ્વસ્થ રહે છે.
