WhatsApp: ભારત સરકારની મેટા (Meta) ને કડક નોટિસ, 3 દિવસમાં જવાબ ન આપ્યો તો વોટ્સએપના આ ફીચરનું આવી બનશે
વોટ્સએપ (WhatsApp) નું નવું યુઝરનેમ (Username) ફીચર સત્તાવાર રીતે લોન્ચ થાય તે પહેલાં જ ભારે વિવાદોમાં સપડાયું છે. એક તરફ દુનિયાભરના યુઝર્સ એવી ફરિયાદ કરી રહ્યા હતા કે તેમના નામનું યુઝરનેમ કોઈ બીજા વ્યક્તિએ પહેલેથી જ રિઝર્વ (બુક) કરી લીધું છે, તો બીજી તરફ હવે ભારત સરકાર પણ આ મામલે એક્શનમાં આવી ગઈ છે. સરકારે વોટ્સએપની પેરેન્ટ કંપની ‘મેટા’ (Meta) ને આકરી નોટિસ મોકલીને ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે. એટલું જ નહીં, સુરક્ષાના કારણોસર ભારતમાં આ ફીચરના રોલઆઉટ પર હાલ પૂરતો પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો છે.

શું છે વોટ્સએપનું યુઝરનેમ ફીચર?
હાલમાં વોટ્સએપ પર કોઈની પણ સાથે ચેટ કરવા, મેસેજ મોકલવા કે કોલ કરવા માટે સામે વાળા વ્યક્તિનો મોબાઈલ નંબર હોવો અનિવાર્ય છે. આ વ્યવસ્થા બદલવા માટે કંપની આ નવું ફીચર લાવી રહી છે. આ ફીચર આવ્યા પછી યુઝર્સ મોબાઈલ નંબર શેર કર્યા વિના માત્ર પોતાના યુઝરનેમ (જેમ કે ઇન્સ્ટાગ્રામ કે ટેલિગ્રામમાં હોય છે) ની મદદથી જ એકબીજા સાથે કનેક્ટ થઈ શકશે.
જોકે, નવું એકાઉન્ટ બનાવવા કે વેરિફિકેશન માટે મોબાઈલ નંબર જરૂરી રહેશે, પરંતુ પ્રોફાઈલમાં તે અન્યોને દેખાશે નહીં. ટેલિગ્રામ એપ્લિકેશનમાં આ સુવિધા વર્ષોથી ઉપલબ્ધ છે. વોટ્સએપ આ ફીચરને પ્રાઇવસી માટે ઉત્તમ ગણાવી રહ્યું છે, કારણ કે આનાથી અજાણ્યા લોકો પાસે તમારો નંબર જતો અટકશે.
સરકાર અને નિષ્ણાતોને કઈ બાબતની ચિંતા છે?
વોટ્સએપ ભલે આને પ્રાઇવસી ફીચર ગણાવે, પરંતુ રિયલ ગ્રાઉન્ડ પર આનાથી સુરક્ષાના ગંભીર જોખમો ઊભા થઈ શકે તેમ છે. સૌથી મોટી ચિંતા એ છે કે આ ફીચરથી ગુનેગારોને પોતાની અસલી ઓળખ છુપાવીને છેતરપિંડી કરવાનો મોકો મળી જશે.
સરકારના મતે આ ફીચરના કારણે નીચે મુજબની ગંભીર સમસ્યાઓ વધી શકે છે:
સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ: ઓળખ છુપાવીને થતા ઓનલાઇન કૌભાંડો, ફિશિંગ એટેક અને બ્લેકમેલિંગ (ડિજિટલ અરેસ્ટ) ના કિસ્સાઓ રોકેટ ગતિએ વધી શકે છે.
ખોટી ઓળખ (Impersonation): જો કોઈ વ્યક્તિ કોઈ પ્રખ્યાત સેલિબ્રિટી, બેંક અધિકારી કે સરકારી વિભાગના નામ સાથે મળતું આવતું યુઝરનેમ બનાવી લે, તો સામાન્ય નાગરિકો માટે અસલી અને નકલી વચ્ચેનો તફાવત સમજવો અશક્ય બની જશે. આનાથી લોકો સરળતાથી છેતરાઈ જશે.

તપાસ એજન્સીઓ માટે કાનૂની પડકાર
આ ફીચર માત્ર સામાન્ય લોકો માટે જ નહીં, પરંતુ દેશની કાનૂની તપાસ એજન્સીઓ અને પોલીસ માટે પણ માથાનો દુખાવો બની શકે છે. આઈપીએસ (IPS) અધિકારી અરુણ બોથરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, વોટ્સએપનું આ યુઝરનેમ આધારિત આઇડેન્ટિટી ફીચર કાનૂની એજન્સીઓ માટે બહુ મોટો પડકાર બનશે.
તેમણે દાખલો આપતા કહ્યું કે, ટેલિગ્રામમાં આ ફીચર હોવાને કારણે જ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, ફેક આઇડેન્ટિટી અને સાયબર ક્રાઇમના અસંખ્ય ગુનાઓ આચરવામાં આવે છે અને ગુનેગારો પકડાતા નથી. વોટ્સએપના ભારતમાં અબજો યુઝર્સ છે, તેથી એપ્લિકેશનની ડિઝાઇનમાં કરવામાં આવેલો આવો એક નાનો ફેરફાર પણ જાહેર સુરક્ષા (Public Safety) પર બહુ મોટી નકારાત્મક અસર કરી શકે છે. સાયબર એક્સપર્ટ્સનું પણ માનવું છે કે મોબાઈલ નંબરના આધારે ગુનેગારનું લોકેશન કે હિસ્ટ્રી ટ્રેક કરવી સરળ હોય છે, જ્યારે માત્ર યુઝરનેમના આધારે તપાસ કરવી અત્યંત જટિલ બની જાય છે.
