રિલાયન્સ અને બેંક ઓફ અમેરિકાની મોટી ભાગીદારી, જાણો સામાન્ય ગ્રાહકોને શું થશે ફાયદો
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (JFSL)ની ધિરાણ આપતી ઉપકંપની જિયો ક્રેડિટ લિમિટેડ (Jio Credit Limited – JCL) માં વૈશ્વિક બેંકિંગ જાયન્ટ બેંક ઓફ અમેરિકા (BofA) એ ૧.૯ અબજ ડોલર (આશરે ₹૧૮,૨૬૮ કરોડ)નું ભવ્ય રોકાણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ વિશાળ સોદા હેઠળ બેંક ઓફ અમેરિકા, જિયો ક્રેડિટમાં ૪૯.૯% જેટલી મોટી ભાગીદારી ખરીદવા જઈ રહી છે. આ કરારથી ભારતના ડિજિટલ ધિરાણ (Digital Lending) ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થશે.

બે તબક્કામાં પૂર્ણ થશે આ મેગા ડીલ
બેંક ઓફ અમેરિકા દ્વારા આ હિસ્સેદારી ઇક્વિટી શેરો અને વોરન્ટ્સના પ્રેફરેન્શિયલ એલોટમેન્ટ દ્વારા બે અલગ-અલગ તબક્કામાં સંપાદિત કરવામાં આવશે:
પ્રથમ તબક્કો: શરૂઆતના તબક્કામાં BofA ₹૬,૬૧૩ કરોડનું પ્રત્યક્ષ રોકાણ કરીને જિયો ક્રેડિટમાં ૨૬.૫% ઇક્વિટી હિસ્સેદારી પ્રાપ્ત કરશે.
બીજો તબક્કો: આ પછીના બીજા તબક્કામાં BofA ₹૧૧,૬૫૫ કરોડના વોરન્ટ્સ સબ્સ્ક્રાઇબ કરશે, જે આગામી ૧૮ મહિનાના સમયગાળામાં શેરોમાં રૂપાંતરિત (Convert) કરી શકાશે.
ઇક્વિટી શેરો અને વોરન્ટ્સનું પૂર્ણ સબ્સ્ક્રિપ્શન થતાં જ રોકાણની કુલ રકમ ₹૧૮,૨૬૮ કરોડ (આશરે $૧.૯ અબજ) થઈ જશે. આ સાથે BofA નો હિસ્સો વધરીને ૪૯.૯% પહોંચી જશે. જોકે, આ સમગ્ર સોદો જરૂરી સરકારી અને રેગ્યુલેટરી મંજૂરીઓ મળવા પર આધારિત રહેશે.
બોર્ડમાં સરખી ભાગીદારી અને મેનેજમેન્ટનું માળખું
આ મેગા ડીલ પૂર્ણ થયા બાદ જિયો ક્રેડિટના સંચાલન બોર્ડ (Board of Directors)માં જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (JFSL) અને બેંક ઓફ અમેરિકા (BofA) બંનેનું સરખું પ્રતિનિધિત્વ રહેશે. આમ છતાં, કંપનીની હાલની મેનેજમેન્ટ ટીમ જ NBFCના તમામ નિર્ણયો, વ્યૂહાત્મક કાર્યો અને દૈનિક કામગીરીનું સંચાલન આગળ ધપાવશે.

આ ઉપરાંત, જિયો ક્રેડિટ લિમિટેડને JFSL ના નાણાકીય અહેવાલોમાં એક સબ્સિડિયરી (ઉપકંપની) તરીકે જ દર્શાવવાનું ચાલુ રાખવામાં આવશે. માત્ર બે વર્ષના ટૂંકા સમયગાળામાં, ૩૦ જૂન ૨૦૨૬ સુધીમાં જિયો ક્રેડિટની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) રૂ. ૩૦,૬૬૭ કરોડના આંકડે પહોંચી ચૂકી છે, જે તેની ઝડપી વૃદ્ધિ દર્શાવે છે.
સામાન્ય ગ્રાહકોને શું થશે ફાયદો?
બેંક ઓફ અમેરિકાના આ મોટા રોકાણ અને તેના વૈશ્વિક રિસ્ક મેનેજમેન્ટના વિશાળ અનુભવનો સીધો લાભ ભારતના સામાન્ય ગ્રાહકો અને નાના ઉદ્યોગોને મળશે:
સસ્તા વ્યાજદર: BofA ના રોકાણથી કંપની પાસે મૂડી ભંડોળ વધશે, જેના કારણે ગ્રાહકોને વધુ સ્પર્ધાત્મક અને ઓછા વ્યાજદરે લોન મળી શકશે.
ઝડપી ડિજિટલ મંજૂરી: આધુનિક ટેકનોલોજી અને ગ્લોબલ પ્રોસેસિંગના કારણે લોન પ્રોસેસિંગ અને ડિજિટલ એપ્રૂવલની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
સરળ ધિરાણ: રિલાયન્સ જિયોનું દેશવ્યાપી ડિજિટલ નેટવર્ક અને BofA નો ૨૫૦ વર્ષ જૂનો બેંકિંગ અનુભવ ભેગા થવાથી છેવાડાના માનવી સુધી નાણાકીય સેવાઓ પહોંચાડવી સરળ બનશે.
