Transmissible Cancer: માછલીઓમાં ફેલાતું કેન્સર: એકથી બીજી માછલીમાં ચેપ ફેલાવતા દુર્લભ કેન્સરની વૈજ્ઞાનિકો દ્વારા શોધ
સામાન્ય રીતે કેન્સરને એવો રોગ માનવામાં આવે છે જે કોઈ માણસ કે પ્રાણીના શરીરની અંદર જ પેદા થાય છે. જ્યારે શરીરના સ્વસ્થ કોષો (Cells) અનિયંત્રિત રીતે વધવા લાગે છે, ત્યારે કેન્સરની શરૂઆત થાય છે. પરંતુ તાજેતરમાં વૈજ્ઞાનિકોને એક એવું દુર્લભ કેન્સર મળ્યું છે જે માત્ર એક જ જીવના શરીર સુધી સીમિત નથી રહેતું, પરંતુ એક માછલીથી બીજી માછલીના શરીરમાં ચેપની જેમ ફેલાઈ શકે છે.
‘નેચર’ જર્નલમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ ‘બ્રાઉન બુલહેડ કેટફિશ’ (Brown Bullhead Catfish) નામની માછલીઓમાં આ પ્રકારના ફેલાતા કેન્સરની શોધ કરી છે. આ માછલીઓ અમેરિકાના વર્મોન્ટ અને કેનેડાના ક્યુબેક વચ્ચે આવેલી ‘લેક મેમ્ફ્રેમાગોગ’ (Lake Memphremagog) તળાવમાં જોવા મળે છે.

આ માછલીઓમાં શું ખાસ જોવા મળ્યું?
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ માછલીઓમાં જોવા મળેલું ‘મેલેનોમા’ (ત્વચાનું કેન્સર) દરેક માછલીના શરીરમાં અલગ-અલગ રીતે વિકસિત નથી થઈ રહ્યું. તેના બદલે, કેન્સરના જીવંત કોષો એક માછલીમાંથી બીજી માછલીમાં પહોંચી રહ્યા છે અને ત્યાં પોતાનો વિકાસ કરી રહ્યા છે.
મીઠા પાણીના નિવસનતંત્રમાં (Freshwater Ecosystem) આ પ્રકારનું ટ્રાન્સમિસિબલ (ફેલાતું) કેન્સર મળવાની આ પ્રથમ ઘટના છે. આ શોધે વૈજ્ઞાનિક જગતમાં ભારે કૌતુક સર્જ્યું છે.
સામાન્ય કેન્સર અને ટ્રાન્સમિસિબલ કેન્સરમાં શું તફાવત છે?
સામાન્ય સંજોગોમાં કેન્સર ત્યારે થાય છે જ્યારે કોઈ જીવના પોતાના કોષોમાં જેનિટિક ફેરફાર થાય અને તે કોષો તે જ શરીર પૂરતા સીમિત રહે છે. પરંતુ ટ્રાન્સમિસિબલ કેન્સર આનાથી સાવ અલગ છે:
પરજીવી જેવું વર્તન: આ પ્રકારના કેન્સરમાં જીવંત કેન્સર કોષો એક જીવના શરીરમાંથી બહાર નીકળીને બીજા જીવના શરીરમાં પ્રવેશે છે.
ડીએનએ પ્રોફાઇલિંગ: વૈજ્ઞાનિકોએ આ દાવો સાબિત કરવા માટે માછલીઓના ટ્યુમર (ગાંઠ) અને સ્વસ્થ ટિશ્યૂનો જીનોમ ટેસ્ટ કર્યો.
પુરાવા: તપાસમાં બહાર આવ્યું કે અલગ-અલગ કેટફિશમાંથી લેવામાં આવેલા ટ્યુમર જેનિટિકલી એકબીજા સાથે સમાન હતા, પરંતુ તે જે-તે માછલીના પોતાના સ્વસ્થ કોષો સાથે મેળ ખાતા નહોતા. આનાથી સાબિત થયું કે આ કેન્સર અલગ-અલગ માછલીઓમાં પેદા નથી થયું પણ એક જ કેન્સર સેલ લાઇનમાંથી ફેલાઈ રહ્યું છે.
આ અગાઉ આવા ટ્રાન્સમિસિબલ કેન્સર માત્ર કૂતરા, તસ્માનિયન ડેવિલ અને દરિયાઈ શેલફિશની કેટલીક પ્રજાતિઓમાં જ જોવા મળ્યા છે.
કેન્સર એક માછલીમાંથી બીજી માછલીમાં કેવી રીતે ફેલાય છે?
આ કેન્સર ફેલાવાનો ચોક્કસ માર્ગ હજુ શોધાઈ રહ્યો છે, પરંતુ વૈજ્ઞાનિકોએ કેટલીક શક્યતાઓ વ્યક્ત કરી છે:
પ્રજનન સમય: પ્રજનનની ઋતુ દરમિયાન આ માછલીઓ ખૂબ મોટી સંખ્યામાં એક જગ્યાએ ભેગી થાય છે. એકબીજાના ભૌતિક સંપર્કમાં આવવાથી કેન્સર કોષો ટ્રાન્સફર થઈ શકે છે.
પાણી દ્વારા સંક્રમણ: માછલીઓની ત્વચા, ઝાલર (Gills) અને મોં સતત પાણીના સંપર્કમાં હોય છે. જો કેન્સરના કોષો પાણીમાં તરતા હોય, તો તે આ અંગો દ્વારા બીજી માછલીમાં પ્રવેશી શકે છે.
તળાવની માટી: બ્રાઉન બુલહેડ કેટફિશ તળાવના તળિયે રહે છે અને તેમની ત્વચા પર રક્ષણાત્મક સ્કેલ્સ (ખેંચડા) હોતા નથી. જો તળિયાની માટીમાં કેન્સર સેલ્સ જીવંત રહેતા હોય તો ત્યાંથી પણ સંક્રમણ થઈ શકે છે.

શું માણસોમાં આ કેન્સર ફેલાવાનો ભય છે?
આ શોધ બાદ સામાન્ય લોકોમાં ભય પેદા થવો સ્વાભાવિક છે કે શું આ કેન્સર માણસોમાં પણ ફેલાઈ શકે છે?
વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે મનુષ્યો માટે આનો કોઈ જ ખતરો નથી. આ સંશોધન માત્ર બ્રાઉન બુલહેડ કેટફિશ પૂરતું સીમિત છે. મનુષ્યની રોગપ્રતિકારક શક્તિ (Immune System) ખૂબ જ મજબૂત હોય છે. જો કોઈ અન્ય વ્યક્તિ કે જીવના કોષો આપણા શરીરમાં પ્રવેશે, તો આપણું ઈમ્યુન સિસ્ટમ તેને તરત જ ઓળખીને નષ્ટ કરી દે છે. આ જ કારણે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વખતે દર્દીઓને ઈમ્યુનિટી ઘટાડવાની દવાઓ આપવી પડે છે.
