Tattoos Designs Tips: શું તમે પણ પાર્ટનરના નામનું ટેટૂ કરાવવા માંગો છો? પહેલા આ લેખ જરૂર વાંચજો
આજના સમયમાં ટેટૂ એ માત્ર શરીર પર દોરેલી કોઈ ડિઝાઇન નથી, પરંતુ તે લોકો માટે પોતાની ઓળખ, લાગણીઓ અને યાદોને વ્યક્ત કરવાનું એક માધ્યમ બની ગયું છે. કોઈ સ્ટાઇલ માટે ટેટૂ કરાવે છે, તો કોઈ કોઈના પ્રેમમાં. પરંતુ અનુભવી ટેટૂ આર્ટિસ્ટ્સનું માનવું છે કે, લોકોને ટેટૂથી નહીં પણ તે કરાવવા પાછળના કારણ થી પાછળથી પસ્તાવો થાય છે. જે વસ્તુ આજે રોમાંચક લાગે છે, તે થોડા વર્ષો પછી અર્થહીન લાગી શકે છે.

જો તમે પણ ટેટૂ કરાવવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો તે 5 ભૂલો વિશે જે મોટાભાગના લોકો કરે છે:
1. પાર્ટનરનું નામ કે ફોટો (પ્રેમનું નિશાન)
સૌથી વધુ પસ્તાવો કરાવતી ભૂલ એટલે પોતાના પાર્ટનરનું નામ, જન્મતારીખ કે તેમનો ચહેરો ટેટૂ તરીકે કંડારવો. જ્યારે સંબંધ નવો અને ગાઢ હોય ત્યારે લાગે છે કે આ સાથ જન્મોજન્મનો છે. પરંતુ કમનસીબે જો બ્રેકઅપ થાય કે સંબંધમાં અંતર આવે, ત્યારે એ ટેટૂ ગમતી યાદને બદલે એક ઘા બની જાય છે. તેને કવર-અપ કરાવવા કે લેઝરથી હટાવવામાં ઘણો ખર્ચ અને પીડા સહન કરવી પડે છે.
2. સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ અને કોપી કરેલી ડિઝાઇન
આજકાલ ઇન્સ્ટાગ્રામ કે પિન્ટરેસ્ટ પર જે ડિઝાઇન ટ્રેન્ડમાં હોય (જેમ કે ઇન્ફિનિટી સાઇન, પાંખો, ઉડતા પક્ષીઓ, રોમન અંકો અથવા સિંહનો ચહેરો), લોકો તે જોતા વેંત કરાવી લે છે. યાદ રાખો કે ફેશન બદલાતી રહે છે. જે ડિઝાઇન આજે ‘કૂલ’ લાગે છે, તે પાંચ વર્ષ પછી સાવ જૂની અને કંટાળાજનક લાગી શકે છે. ટેટૂ હંમેશા પર્સનલ હોવું જોઈએ, ટ્રેન્ડ આધારિત નહીં.
3. ઉતાવળમાં અને ખોટી જગ્યાએ ટેટૂ
ઘણીવાર લોકો જોશમાં આવીને ટેટૂ તો કરાવી લે છે, પણ તેની જગ્યા વિશે વિચારતા નથી. ચહેરા પર, ગરદન પર કે હથેળી પર કરાવેલા ટેટૂ તમારા પ્રોફેશનલ કરિયર અથવા નોકરી પર અસર કરી શકે છે. વળી, ઉંમર વધવાની સાથે શરીરની ચામડી લૂઝ થાય છે, જેને કારણે ડિઝાઇન પણ બગડી શકે છે. જગ્યાની પસંદગીમાં સમજદારી ખૂબ જરૂરી છે.

4. સસ્તા આર્ટિસ્ટની પસંદગી
પૈસા બચાવવા માટે કોઈ બિનઅનુભવી કે સસ્તા આર્ટિસ્ટ પાસે જવું એ સૌથી મોટું જોખમ છે. સસ્તું ટેટૂ પાછળથી મોંઘું પડે છે કારણ કે:
લાઇનો ત્રાસી-મેસી હોઈ શકે છે.
હાઇજીન (સ્વચ્છતા) ના અભાવે ઇન્ફેક્શનનું જોખમ રહે છે.
કલર થોડા સમયમાં ઝાંખો પડી જાય છે. ખરાબ બનેલા ટેટૂને સુધારવું એ નવું બનાવવા કરતા વધુ મુશ્કેલ છે.
5. અત્યંત ભાવુક સ્થિતિમાં લીધેલો નિર્ણય
જ્યારે કોઈ વ્યક્તિ અત્યંત દુઃખી હોય, ગુસ્સામાં હોય અથવા કોઈના અવસાનના આઘાતમાં હોય, ત્યારે તે લાગણીવશ થઈને કોઈ ક્વોટ કે ડિઝાઇન ટેટૂ કરાવે છે. જ્યારે સમય પસાર થાય અને માનસિક સ્થિતિ સામાન્ય થાય, ત્યારે તે વ્યક્તિને લાગે છે કે આ ટેટૂની જરૂર નહોતી. ભાવુક થઈને લીધેલા નિર્ણયો કાયમી ટેટૂ માટે યોગ્ય નથી.
