Skincare Tips: દહીં, બેસન અને પપૈયું: જાણો ઉનાળામાં સ્કીન કેર માટેના શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા
ઉનાળાની સિઝનમાં સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ આપણી ત્વચા પર પણ ગંભીર અસર કરે છે. ડિહાઈડ્રેશન અને થાકની સાથે ટેનિંગની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. લાંબો સમય તડકામાં રહેવાથી ત્વચાની રંગત બદલાવા લાગે છે, જેને સામાન્ય ફેસવોશથી દૂર કરવી અશક્ય છે. ઘણા લોકો મોંઘી મેડિકલ ટ્રીટમેન્ટ પાછળ ખર્ચ કરે છે, પરંતુ ઘણીવાર રસોડામાં રહેલી વસ્તુઓ જ જાદુઈ અસર બતાવે છે.

૧. દહીં અને ચણાના લોટનો ફેસ પેક
દહીં અને ચણાના લોટનું મિશ્રણ સદીઓથી ત્વચા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે, જ્યારે ચણાનો લોટ ત્વચાને એક્સફોલિએટ (Exfoliate) કરી મૃત કોષો દૂર કરે છે.
કેવી રીતે બનાવશો: એક વાટકીમાં બે ચમચી ચણાનો લોટ અને જરૂર મુજબ દહીં મિક્સ કરી પેસ્ટ બનાવો.
ઉપયોગ: તેને ચહેરા અને ગરદન પર લગાવો, ૨૦ મિનિટ સુધી રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં ૨-૩ વાર કરવાથી અદભૂત પરિણામ મળશે.
૨. કાકડી, ટામેટાં અને હળદરનો પ્રયોગ
કાકડી ત્વચાને કુદરતી ઠંડક આપે છે, જ્યારે ટામેટાંમાં રહેલા બ્લીચિંગ ગુણો કાળાશ દૂર કરે છે.
કાકડી અને હળદર: કાકડીને પીસીને તેમાં ચપટી હળદર ઉમેરો. આ પેક ત્વચાની બળતરા ઓછી કરે છે.
ટામેટાં અને દહીં: ટામેટાંના પલ્પમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો. ૨૦ મિનિટ બાદ ધોઈ લો. આ પેક ત્વચાના ડાર્ક સ્પોટ્સ ઘટાડવામાં મદદરૂપ છે.
૩. એલોવેરા અને લીંબુનો ચમત્કાર
એલોવેરા ત્વચાને હાઈડ્રેટ રાખે છે અને લીંબુ વિટામિન-સીનો ઉત્તમ સ્ત્રોત હોવાથી ટેન દૂર કરવા માટે જાણીતું છે.
ઉપયોગ: તાજા એલોવેરા જેલમાં થોડા ટીપાં લીંબુનો રસ ઉમેરો. તેને ૧૫ મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો. આનાથી ત્વચામાં નિખાર આવશે અને ગરમીથી થતા ચકામામાં રાહત મળશે.

૪. પપૈયું, મધ અને હળદરનો પેક
પપૈયામાં ‘પપૈન’ નામનું એન્ઝાઇમ હોય છે જે ત્વચાની રંગત સુધારે છે. મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે.
કેવી રીતે બનાવશો: પાકેલા પપૈયાને મેશ કરી તેમાં એક ચમચી મધ અને ચપટી હળદર ઉમેરો. આ પેસ્ટને ૧૦ મિનિટ ચહેરા પર લગાવીને ધોઈ લો.
ટેનિંગ અને એલર્જી વચ્ચેનો તફાવત સમજો
ઉનાળામાં માત્ર ટેનિંગ જ નહીં, પણ સ્કિન એલર્જી પણ સામાન્ય છે. જો ત્વચા પર કાળાશની સાથે ખંજવાળ, લાલ ચકામા કે ફોડલીઓ દેખાય, તો તે એલર્જી હોઈ શકે છે. આવા કિસ્સામાં કોઈ પણ ઘરગથ્થુ નુસખા અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
