‘તમે આ ખુરશી પર બેસવાને લાયક નથી!’ CJI સૂર્યકાંતને વકીલે સંભળાવ્યું, હવે થશે કાર્યવાહી?
સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત સાથે એક વકીલ દ્વારા કરવામાં આવેલા દુર્વ્યવહારનો મામલો હવે ગંભીર બની ગયો છે. કોર્ટની ગરિમા અને ન્યાયિક વ્યવસ્થાનું અપમાન કરવાના આક્ષેપ સાથે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની પહેલ કરી છે. આ મામલે એટર્ની જનરલ આર. વેંકટરમણી પાસેથી મંજૂરી મેળવ્યા બાદ અરજી દાખલ કરવામાં આવી છે. હવે આ મામલો કોર્ટમાં ચર્ચાનો વિષય બન્યો છે.

બાર એસોસિએશને CJI સમક્ષ ઉઠાવ્યો મુદ્દો
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના હોદ્દેદારોએ આ ઘટનાને ગંભીર ગણાવીને મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે કોર્ટમાં થયેલા વર્તન અંગે અવમાનનાની અરજી દાખલ કરવાની મંજૂરી મળ્યા બાદ વહેલી તકે સુનાવણી કરવાની માગ કરી હતી. એટલું જ નહીં, હોદ્દેદારોએ આ મામલે આજે જ સુનાવણી હાથ ધરવાની વિનંતી પણ કરી હતી. જોકે, મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું હતું કે આ અરજી યોગ્ય બેન્ચ સમક્ષ આવતીકાલે સુનાવણી માટે મૂકવામાં આવશે.
સોમવારે સુનાવણી દરમિયાન શું બન્યું હતું?
આ સમગ્ર વિવાદની શરૂઆત સોમવારે કોર્ટની કાર્યવાહી દરમિયાન થઈ હતી. પ્રવીણ સિંઘલ નામના એક વકીલે મુખ્ય ન્યાયાધીશની બેન્ચ સમક્ષ પોતાના કેસની તાત્કાલિક સુનાવણી કરવાની માગ કરી હતી. જોકે, CJI સૂર્યકાંતે આ મામલે વિચારણા કરવાની વાત કહી હતી. પરંતુ વકીલ રાહ જોવા તૈયાર નહોતા. તેમણે કોર્ટમાં જ પોતાની નારાજગી વ્યક્ત કરી અને અગાઉની રજૂઆતનો ઉલ્લેખ કરીને ન્યાયાધીશ સામે સવાલો ઉઠાવ્યા હતા.
વકીલે કહ્યું, 15 દિવસથી જવાબ મળ્યો નથી
વકીલ પ્રવીણ સિંઘલે દાવો કર્યો હતો કે તેમણે આ કેસ સંબંધિત રજૂઆત 2 નવેમ્બરના રોજ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને તેમની ઓફિસમાં સોંપી હતી. જોકે, તેમના જણાવ્યા અનુસાર 15 દિવસ વીતી જવા છતાં કોઈ જવાબ મળ્યો નહોતો. આ કારણે તેમને કોર્ટ સમક્ષ સીધી રજૂઆત કરવાની ફરજ પડી હતી. વકીલે આ મામલાને તાત્કાલિક ગણાવીને રાહ જોવાનો ઇનકાર કર્યો હતો અને પોતાની નારાજગી ખુલ્લેઆમ વ્યક્ત કરી હતી.

જસ્ટિસ મોહનાએ વકીલને રોક્યા, છતાં ગુસ્સો શાંત ન થયો
વકીલની રજૂઆત દરમિયાન જસ્ટિસ મોહનાએ તેમને ટકોર કરતાં કહ્યું હતું કે કોર્ટમાં આ રીતે કોઈપણ પ્રકારની વાત રજૂ કરી શકાય નહીં. જોકે, વકીલે જવાબ આપ્યો હતો કે તેમના માટે આ મામલો અત્યંત તાત્કાલિક છે અને તેથી જ તેઓ કોર્ટમાં આવ્યા છે. આ દરમિયાન CJI સૂર્યકાંતે તેમને રાહ જોવા જણાવ્યું હતું. પરંતુ વકીલ પોતાની વાત પર અડગ રહ્યા અને રાહ જોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
CJIને કહ્યું, તમે આ ખુરશી પર બેસવાને લાયક નથી
આખરે વકીલ પ્રવીણ સિંઘલનો ગુસ્સો વધી ગયો અને તેમણે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને સંબોધીને કહ્યું હતું કે તેઓ રાહ જોશે નહીં. ત્યારબાદ તેમણે કોર્ટમાં અત્યંત વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરતાં કહ્યું હતું કે તમે આ ખુરશી પર બેસી શકતા નથી અને આ પદ પર રહેવાને લાયક પણ નથી. આ વર્તન બાદ સુરક્ષા કર્મચારીઓએ વકીલને કોર્ટરૂમમાંથી બહાર કાઢ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની અવમાનનાની અરજી બાદ આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
