RBI: રૂપિયાને બચાવતા બચાવતા થઈ અઢળક કમાણી; RBI એ ફોરેક્સ માર્કેટમાંથી મેળવ્યો ૫૨% વધુ નફો
ભારતીય રિઝર્વ બેંકે (RBI) ૩૧ માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વિદેશી હૂંડિયામણના (Foreign Exchange) વ્યવહારોમાંથી અભૂતપૂર્વ નફો નોંધાવ્યો છે. કેન્દ્રીય બેંકના સત્તાવાર વાર્ષિક અહેવાલ અનુસાર, આરબીઆઈએ ફોરેક્સ માર્કેટમાં ડોલરના ખરીદ-વેચાણમાંથી કુલ ૧.૬૯ લાખ કરોડ રૂપિયા નો ચોખ્ખો નફો કર્યો છે. વિદેશી હૂંડિયામણના વ્યવહારોમાંથી મળેલો આ નફો ગયા નાણાકીય વર્ષ (૨૦૨૪-૨૫) ની સરખામણીમાં ૫૨ ટકા જેટલો વધારે છે. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૫ માં આરબીઆઈએ ઓપન માર્કેટમાં ડોલર વેચીને ૧.૧૧ લાખ કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો.

રૂપિયાને ગગડતો બચાવવા માટે આરબીઆઈએ ખેલ્યો મોટો દાવ
આર્થિક નિષ્ણાતોના મતે, આ વર્ષે વૈશ્વિક બજારમાં પ્રવર્તતા ભારે આર્થિક તણાવને કારણે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. ચલણ બજારમાં ઉતાર-ચઢાવને રોકવા અને રૂપિયાની ગગડતી કિંમતને સ્થિર રાખવા માટે, કેન્દ્રીય બેંકે પોતાના વિદેશી હૂંડિયામણ ભંડારમાંથી (Forex Reserve) આક્રમક રીતે ડોલરનું વેચાણ વધારવું પડ્યું હતું.
આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૬ માં ભારતીય રૂપિયાના મૂલ્યમાં આશરે ૯.૫% નો ઘટાડો નોંધાયો હતો. આ કટોકટીનો સામનો કરવા માટે આરબીઆઈએ સ્પોટ માર્કેટમાં (Spot Market) રેકોર્ડ બ્રેક ૫૩.૧૩ અબજ ડોલર નું જંગી વેચાણ કર્યું હતું, જે કમાણી વધવાનું મુખ્ય કારણ બન્યું હતું.
વિદેશી સ્ત્રોતો અને વ્યાજમાંથી થઈ મોટી કમાણી
બેંકિંગ નિયમો અનુસાર, જ્યારે પણ કેન્દ્રીય બેંક પોતાના ભંડારમાંથી નીચા ભાવે ખરીદેલા ડોલરને ઊંચા ભાવે બજારમાં વેચે છે, ત્યારે તેને મોટો વિનિમય નફો (Exchange Profit) થાય છે. આ વ્યૂહરચનાના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં વિદેશી સ્ત્રોતોમાંથી RBI ની કુલ આવક ૨૭% વધીને ૩.૨૮ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
આરબીઆઈના વાર્ષિક સરવૈયા (Balance Sheet) મુજબ, વિદેશી સ્ત્રોતોમાંથી થતી આવકમાં વિદેશી સિક્યોરિટીઝ (બોન્ડ્સ) માંથી મળતી વ્યાજની આવક ૧૧% વધી છે. આ વ્યાજની કમાણી વધીને ૧.૦૮ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉના વર્ષે ૯૭,૦૦૦ કરોડ રૂપિયા હતી. આ કમાણી મુખ્યત્વે વૈશ્વિક નાણાકીય બજારોમાં ભારતના વિદેશી હૂંડિયામણના સુરક્ષિત રોકાણને કારણે થઈ છે.

સ્થાનિક આવકમાં ૨૬% નો વધારો અને સરકારને બમ્પર સરપ્લસ ટ્રાન્સફર
માર્ચ ૨૦૨૬ ના અંત સુધીમાં ભારત પાસે કુલ ૬૯૧ અબજ ડોલર નું વિશાળ વિદેશી હૂંડિયામણ ભંડાર હતું. આ ભંડાર દેશના ૧૧ મહિનાના આયાત ખર્ચ અને દેશના ૯૦% બાહ્ય દેવાને (External Debt) આવરી લેવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે, જે દેશની આર્થિક મજબૂતી દર્શાવે છે.
બીજી તરફ, ભારતની અંદરના સ્થાનિક સ્ત્રોતોમાંથી પણ RBI ની ચોખ્ખી આવક ૨૬% વધીને ૧ લાખ કરોડ રૂપિયા થઈ છે. આ વૃદ્ધિ પાછળ રૂપિયામાં અંકિત સરકારી જામીનગીરીઓ (Government Securities) પર મળેલી ૩૮% વધુ વ્યાજ આવક જવાબદાર છે, જે ૧.૧૮ લાખ કરોડ રૂપિયા રહી હતી. આ ભવ્ય કમાણીને કારણે આરબીઆઈની બેલેન્સ શીટનું કદ ૨૧% વધીને ૯૧.૯૭ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
બેંકે ભવિષ્યની કટોકટીને પહોંચી વળવા માટે ૧.૦૯ લાખ કરોડ રૂપિયા કન્ટિન્જન્સી ફંડમાં (Contingency Fund) ટ્રાન્સફર કર્યા છે. આ તમામ જોગવાઈઓ બાદ, આરબીઆઈ નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારત સરકારને ૨.૮૭ લાખ કરોડ રૂપિયા નું ઐતિહાસિક અને અત્યાર સુધીનું સૌથી મોટું સરપ્લસ (ડિવિડન્ડ) ટ્રાન્સફર કરશે, જે દેશના વિકાસ કાર્યો અને બજેટ ખાધ ઘટાડવામાં મોટી મદદ કરશે.
