બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય: રાહુલ ગાંધી સામે ચાલુ રહેશે માનહાનિનો કેસ, રદ્દ અરજી ફગાવાઈ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીને બોમ્બે હાઈકોર્ટ તરફથી ભારે આંચકો લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી અંગેના માનહાનિના કેસમાં નીચલી અદાલત દ્વારા જારી કરવામાં આવેલા સમન્સને રદ કરવાની રાહુલ ગાંધીની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. મંગળવારે (8 સપ્ટેમ્બર) ચુકાદો આપતાં બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલે પ્રથમ દૃષ્ટ્યા ગુનો બનતો જણાય છે, તેથી નીચલી અદાલતની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં.

શું છે સમગ્ર વિવાદ અને માનહાનિનો કેસ?
આ સમગ્ર વિવાદ સપ્ટેમ્બર 2018 નો છે, જ્યારે રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં એક રાજકીય રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા હતા. આરોપ મુજબ, તેમણે રાફેલ ડીલ અને અન્ય મુદ્દાઓ પર પીએમ મોદીનો ઉલ્લેખ કરતા વિવાદાસ્પદ શબ્દો વાપર્યા હતા.
આ નિવેદન સામે ભાજપના સક્રિય કાર્યકર અને ફરિયાદકર્તા મહેશ શ્રીશ્રીમાલે મુંબઈની ગિરગામ મજિસ્ટ્રેટ કોર્ટમાં દંડસંહિતા હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ફરિયાદ ધ્યાને લઈને મજિસ્ટ્રેટ કોર્ટે ઓગસ્ટ 2019 માં રાહુલ ગાંધીને કોર્ટ સમક્ષ હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું. જુલાઈ 2021 માં આ સમન્સ મળ્યા બાદ રાહુલ ગાંધીએ તેની કાયદેસરતાને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી હતી.
રાહુલ ગાંધીના વકીલોની કોર્ટમાં દલીલો
હાઈકોર્ટમાં રજૂઆત કરતા રાહુલ ગાંધીના કાનૂની પક્ષે દલીલ કરી હતી કે ભાજપના કાર્યકર દ્વારા દાખલ કરવામાં આવેલી આ ફરિયાદ કાનૂની રીતે ટકી શકે તેમ નથી. તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ કોઈ ચોક્કસ કે ઓળખી શકાય તેવા જૂથ કે સંગઠનનું અપમાન કર્યું નથી, પરંતુ માત્ર રાજકીય નિવેદન આપ્યું હતું. આવી સ્થિતિમાં ફરિયાદકર્તા વ્યક્તિગત રીતે ‘પીડિત વ્યક્તિ’ (Aggrieved Person) ની વ્યાખ્યામાં આવતા નથી અને તેથી તેમને કેસ કરવાનો અધિકાર નથી.
હાઈકોર્ટ અને સરકારી વકીલનો વળતો તર્ક
બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલ મિલિંદ સાઠેએ રાજ્ય અને ફરિયાદકર્તાના પક્ષે જોરદાર દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 499 (સ્પષ્ટતા 2) અને CrPC ની કલમ 199 હેઠળ, કોઈપણ નોંધાયેલા સંગઠન કે રાજકીય પક્ષના સભ્ય પોતાના પક્ષ કે નેતૃત્વની માનહાનિ સામે કાનૂની પગલાં લેવાનો અધિકાર ધરાવે છે.

ન્યાયમૂર્તિ નિતિન બોરકરે રાહુલ ગાંધીની અરજી ફગાવતાં પોતાના આદેશમાં નોંધ્યું હતું કે ભાજપ એ દેશની એક નોંધાયેલી રાષ્ટ્રીય રાજકીય પાર્ટી છે અને તે કાયદાકીય રીતે એક ઓળખી શકાય તેવી સંસ્થા છે.
કોર્ટે વધુમાં ઉમેર્યું કે ફરિયાદકર્તા છેલ્લા બે દાયકાથી ભાજપના સક્રિય કાર્યકર રહ્યા છે. જ્યારે કોઈ રાજકીય પક્ષના ટોચના નેતા અને દેશના વડાપ્રધાન વિરુદ્ધ આવી ટિપ્પણી કરવામાં આવે છે, ત્યારે પ્રાથમિક તબક્કે એવું ન કહી શકાય કે આ નિવેદનની અસર માત્ર પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ પૂરતી જ મર્યાદિત છે. આ પ્રકારની ટિપ્પણીથી પક્ષના કાર્યકરોની પ્રતિષ્ઠાને પણ અસર પહોંચી શકે છે. આ નિર્ણય બાદ હવે રાહુલ ગાંધીએ ગિરગામ મજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલતા માનહાનિના કેસનો સામનો કરવો પડશે.
