Petrol-Diesel Price: ઈંધણના ભાવ પર રાજકારણ: શું ઓઈલ કંપનીઓનો નફો જ મોંઘવારીનું મુખ્ય કારણ છે?
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, તેમ છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ રાહત મળતી નથી. આજે 19 જૂન, 2026 ના રોજ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 80 ડોલર પ્રતિ બેરલથી નીચે હોવા છતાં, છૂટક ઇંધણના ભાવ સ્થિર છે. આ બાબતે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકારની કર નીતિ અને તેલ કંપનીઓના નફા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

વિપક્ષનો આક્રોશ અને આક્ષેપો
વિપક્ષી નેતાઓનું માનવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચું તેલ સસ્તું થાય છે, ત્યારે તેનો લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચવો જોઈએ, પરંતુ અહીં સ્થિતિ અલગ છે. કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સોશિયલ મીડિયા પર આક્ષેપ કર્યો છે કે, “બ્રેન્ટ ક્રૂડ 80 ડોલરથી નીચે છે, તેમ છતાં ઓઈલ કંપનીઓ દરરોજ કરોડોનો નફો કરી રહી છે.” કોંગ્રેસનો દાવો છે કે કંપનીઓ દરરોજ આશરે 2,000 કરોડ રૂપિયાનો નફો કમાઈ રહી છે.
રાજકીય વિશ્લેષક તહસીન પૂનાવાલાએ પણ સરકારની ટીકા કરતા કહ્યું કે, “જ્યારે કાચું તેલ મોંઘું થાય છે ત્યારે સરકાર તરત જ ભાવ વધારે છે, પરંતુ જ્યારે ભાવ ઘટે છે ત્યારે ગ્રાહકોને કોઈ રાહત મળતી નથી.” તેમણે સરકારના ‘અચ્છે દિન’ના વાયદા પર કટાક્ષ કરતા કહ્યું કે જનતાને હંમેશા વૈશ્વિક સંકટ કે ભવિષ્યના જોખમોનું કારણ આપીને મોંઘા ઈંધણનો બોજ સહન કરવા મજબૂર કરવામાં આવે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સતત મોંઘવારી અને ઈંધણના ભાવ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે.

સરકાર અને ઓઈલ કંપનીઓનો પક્ષ
બીજી તરફ, કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલયનું કહેવું છે કે વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ, વધતી શિપિંગ કોસ્ટ અને વીમાના ઊંચા ખર્ચને કારણે ભાવ ઘટાડવા તાત્કાલિક શક્ય નથી. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માના જણાવ્યા અનુસાર, સરકાર આ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને આંતરરાષ્ટ્રીય પરિબળોને ધ્યાનમાં રાખીને જ ભાવ અંગે નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પછી મે મહિનામાં માત્ર 11 દિવસના ગાળામાં ચાર વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતા. 15 મેના રોજ પેટ્રોલ 3 રૂપિયા અને ડીઝલ 3.29 રૂપિયા મોંઘું થયું હતું, ત્યારબાદ મે મહિનાના ઉત્તરાર્ધમાં પણ ભાવ વધારો જોવા મળ્યો હતો. ત્યારથી અત્યાર સુધી ભાવમાં કોઈ ઘટાડો થયો નથી.
