આવકવેરા વિભાગનો દેશવ્યાપી સપાટો: સરહદી રાજ્યોમાંથી ગેરકાયદેસર મની ટ્રાન્સફરનો પર્દાફાશ
ભારતમાંથી વિદેશોમાં મોકલવામાં આવી રહેલી જંગી રોકડ રકમને લઈને આવકવેરા વિભાગે (Income Tax Department) દેશવ્યાપી તપાસ અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. વિભાગના ડેટા એનાલિટિક્સ અને ગ્રાઉન્ડ ઈન્ટેલિજન્સ દ્વારા દેશભરમાં અનેક એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યાં કેટલીક શંકાસ્પદ સંસ્થાઓ બિલકુલ નહિવત અથવા શૂન્ય બિઝનેસ ધરાવતી હોવા છતાં વિદેશમાં કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ટ્રાન્સફર કરી રહી હતી. હવે આવકવેરા વિભાગ આ સંસ્થાઓ, તેમની પાછળ સક્રિય માસ્ટરમાઇન્ડ્સ તેમજ વિદેશી રકમ મોકલવા માટે જરૂરી પ્રમાણપત્રો આપનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને પ્રોફેશનલ્સની સામે કડક કાનૂની કાર્યવાહી કરી રહ્યો છે.

દેશવ્યાપી તપાસ અને સરહદી રાજ્યો પર વિશેષ નજર
આવકવેરા વિભાગે ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ આ મોટું દેશવ્યાપી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી અંતર્ગત દેશભરની આશરે ૩૯૪ સંસ્થાઓ અને ૩૬ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સહિતના વ્યાવસાયિકોને તપાસના ઘેરામાં લેવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તપાસ હેઠળ આવેલી ૩૯૪ સંસ્થાઓમાંથી ૧૧૭ સંસ્થાઓ ભારતની આંતરરાષ્ટ્રીય સીમાઓ સાથે જોડાયેલા સરહદી રાજ્યોના જિલાઓમાં આવેલી છે. આ સંસ્થાઓની આડમાં દેશની બહાર ગેરકાયદેસર નાણું મોકલવામાં આવતું હોવાની પ્રબળ શંકા છે.
નહિવત ટર્નઓવર અને જંગી વિદેશી ટ્રાન્સફર
આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિદેશ મોકલવામાં આવેલી રકમના આંકડા અને ગ્રાઉન્ડ રિપોર્ટ્સનું ઊંડું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું. આ વિશ્લેષણમાં એવી અનેક બોગસ શેલ કંપનીઓની ઓળખ થઈ હતી જેમણે બિલકુલ અથવા અત્યંત ઓછું ટર્નઓવર દર્શાવ્યું હતું અને તેમાંથી ઘણી સંસ્થાઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) પણ ફાઇલ કર્યું ન હતું. તેમ છતાં, તેમના ખાતાઓમાંથી કરોડો રૂપિયાની વિદેશી મુદ્રા ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ સંસ્થાઓ દ્વારા દર્શાવવામાં આવેલા વાસ્તવિક વ્યવસાય અને વિદેશ મોકલાયેલી રકમ વચ્ચે કોઈ સુમેળ જોવા મળ્યો નહોતો.

બોગસ ચેરિટેબલ ટ્રસ્ટ અને ખોટા દાવાઓનો પર્દાફાશ
અગાઉ આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી તલાશી ઝુંબેશ દરમિયાન બોગસ ચેરિટેબલ ટ્રસ્ટોના એક મોટા નેટવર્કનો ખુલાસો થયો હતો. આ ટ્રસ્ટો બોગસ દાન અને ફંડિંગના બદલે ગેરકાયદેસર એન્ટ્રીઓ આપવાનું કામ કરતા હતા. આ કેસની આગળની તપાસમાં બહાર આવ્યું કે વિદેશ પૈસા મોકલતી કેટલીક શંકાસ્પદ કંપનીઓ તેમના નોંધાયેલા સરનામા પર અસ્તિત્વ ધરાવતી જ નહોતી.
વિદેશમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે સી સ્િપંગ ફ્રેટ (માલ ઢોહવાઈ), સોફ્ટવેર આયાત અથવા વિદેશી કન્સલ્ટન્સી સર્વિસિસના ચુકવણા જેવા કારણો દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ આવકવેરા વિભાગની ગ્રાઉન્ડ તપાસમાં આ તમામ દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને કાગળ પર બનાવટી સાબિત થયા હતા.
Form 15CB જારી કરનારા CAs અને પ્રોફેશનલ્સ તપાસના દાયરામાં
આવકવેરા વિભાગે વિદેશ મોકલાયેલી રકમ સાથે જોડાયેલા Form 15CB પ્રમાણપત્રોની પણ ચકાસણી હાથ ધરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે એક સરખા જ પ્રોફેશનલ્સના ખૂબ નાના જૂથ દ્વારા મોટી સંખ્યામાં આ સર્ટિફિકેટ્સ જારી કરવામાં આવ્યા હતા. તદુપરાંત, વિદેશ મોકલવામાં આવેલી આ મોટી રકમ પણ ચોક્કસ વિદેશી કંપનીઓના જૂથ સુધી જ પહોંચી રહી હતી.
નિયમ મુજબ Form 15CB અને Form 146 હેઠળ વિદેશ મોકલવામાં આવતી રકમ પર કર જવાબદારીની યોગ્ય તપાસ કરવી ફરજિયાત હોય છે. પ્રમાણપત્ર જારી કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે બેંક એકાઉન્ટ્સ અને તમામ દસ્તાવેજોની ચકાસણી કરીને એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે વિદેશ મોકલાતી રકમ પર ભારતમાં ટેક્સ બને છે કે નહીં.
પ્રોફેશનલ્સ અને એકાઉન્ટન્ટ્સને આવકવેરા વિભાગની કડક સૂચના
આવકવેરા વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે Form 15CB અને Form 146 જારી કરનારા તમામ એકાઉન્ટન્ટ્સે પ્રમાણપત્ર આપતા પહેલાં સંપૂર્ણ સાવચેતી રાખવી અનિવાર્ય છે. તેમણે સંબંધિત નાણાકીય વ્યવહારો, દસ્તાવેજો અને વાસ્તવિક તથ્યોની પૂરતી ચકાસણી કરવી જોઈએ. વિભાગે ભારપૂર્વક જણાવ્યું છે કે ટેક્સ સિસ્ટમ અને ટેક્સ સર્ટિફિકેટ્સની વ્યવસ્થા પર દેશનો વિશ્વાસ જાળવી રાખવામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને પ્રોફેશનલ્સની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.
