Petrol Diesel Price: નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલ કેમ સસ્તું કર્યું? કેન્દ્રીય મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં ખોલ્યું મોટું રહસ્ય
છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક બજારમાં ઉતાર-ચઢાવને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો, જેના કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો હતો. સતત ચાર વખત ઈંધણના ભાવ વધવાને કારણે લોકોમાં એવો ભય પેદા થયો હતો કે આગામી દિવસોમાં મોંઘવારી હજુ વધુ આસમાને પહોંચશે. જોકે, આ બધાની વચ્ચે હવે કેન્દ્ર સરકાર તરફથી એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેનાથી સામાન્ય લોકોને આગામી સમયમાં મોટી રાહત મળવાની આશા જાગી છે.

ઓઇલ કંપનીઓને ભોગવવું પડ્યું મોટું નુકસાન
તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ દેશમાં ઈંધણની કિંમતોની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. ગુરૂવારે આપેલા પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે, મિડલ ઇસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (કાચું તેલ) ના ભાવ ખૂબ વધી ગયા હતા.
આ મુશ્કેલ સમયમાં સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવા માટે સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (LPG) ને તેની પડતર કિંમત કરતાં ઓછી કિંમતે વેચ્યા હતા. પરિણામે, ૩૦ જૂન સુધીમાં સરકારી તેલ કંપનીઓને અંદાજે ૭૪,૭૮૧ કરોડ રૂપિયાનું જંગી નુકસાન સહન કરવું પડ્યું છે.
ગ્રાહકોને તાત્કાલિક ફાયદો કેમ નહીં મળે?
કેન્દ્રીય મંત્રીએ એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય બજારમાં હાલમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો શરૂ થઈ ગયો છે, પરંતુ આ સસ્તા દરનો લાભ સામાન્ય ગ્રાહકો સુધી તરત જ પહોંચાડી શકાય તેમ નથી.
તેનું મુખ્ય કારણ એ છે કે ઓઇલ કંપનીઓ હાલમાં જે કાચા તેલનું રિફાઇનિંગ (શુદ્ધિકરણ) કરી રહી છે, તે તેમણે અંદાજે બે મહિના પહેલા ઊંચા અને મોંઘા ભાવે ખરીદ્યું હતું. આ જૂનો સ્ટોક પૂરો થયા પછી જ કંપનીઓની પડતર કિંમત નીચી આવશે, તેથી ભાવ ઘટાડા માટે ગ્રાહકોએ થોડી રાહ જોવી પડશે.
આગામી ૨-૩ મહિનામાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થઈ શકે છે!
સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આપતા હરદીપ સિંહ પુરીએ સંકેત આપ્યા હતા કે, “જો આગામી ૨ થી ૩ મહિના સુધી વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો નીચી સપાટીએ સ્થિર રહેશે, તો સરકાર અને ઓઇલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા અંગે ચોક્કસપણે વિચારણા કરશે.” જો કે, તેમણે ઉમેર્યું કે વર્તમાન સ્થિતિને જોતા આ બાબતે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવો અથવા ચોક્કસ દાવો કરવો વહેલું ગણાશે.

વૈશ્વિક સ્તરે સરખામણી કરતા મંત્રીએ જણાવ્યું કે, મિડલ ઇસ્ટ કટોકટી દરમિયાન દુનિયાના ઘણા વિકસિત દેશોમાં પેટ્રોલના ભાવમાં ૨૦% અને ભારતના પાડોશી દેશોમાં ૩૫% સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો હતો. તેની સામે ભારતમાં કિંમતો માત્ર ૫.૫૮% જ વધી હતી. આ વૈશ્વિક કટોકટી વચ્ચે પણ દેશના ૧.૦૭ લાખથી વધુ પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો કોઈપણ અટકાવ વિના સતત ચાલુ રાખવામાં આવ્યો હતો.
નાયરા એનર્જી (Nayara Energy) ના ભાવ ઘટાડા પર સ્પષ્ટતા
આ દરમિયાન ૧ જુલાઈના રોજ ખાનગી ક્ષેત્રની તેલ કંપની ‘નાયરા એનર્જી’ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપ મૂકવામાં આવ્યો હતો, જેનાથી બજારમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ અંગે સ્પષ્ટતા કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, જ્યારે મિડલ ઇસ્ટ સંકટ ચરમસીમા પર હતું ત્યારે નાયરા એનર્જીએ પોતાના ભાવમાં સીધો ૫ રૂપિયા પ્રતિ લીટરનો તોતિંગ વધારો ઝીંકી દીધો હતો. આવી સ્થિતિમાં, જ્યારે આંતરરાષ્ટ્રીય બજાર થોડું શાંત થયું છે, ત્યારે તે કંપની દ્વારા કિંમતોમાં ઘટાડો કરવો એ સ્વાભાવિક બાબત છે અને તેની સરખામણી સરકારી ઓઇલ કંપનીઓ સાથે ન થઈ શકે.
