Health Care: મહિલાઓ સાવધાન! હવે PCOS ને ઓળખવામાં નહીં થાય ભૂલ, નવું નામ ‘PMOS’ આપશે બીમારીની સાચી ઓળખ
સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલનને કારણે થતી ગંભીર સમસ્યા ‘પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ’ (PCOS) હવે ઈતિહાસ બની ગઈ છે. મેડિકલ જગતે આ બીમારીના નામમાં ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. હવે આ બીમારીને ‘પોલીએન્ડોક્રાઈન મેટાબોલિક ઓવરી સિન્ડ્રોમ’ (PMOS) તરીકે ઓળખવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણય પાછળ દુનિયાભરના દર્દીઓ, નિષ્ણાત ડોક્ટરો અને 56 જેટલી આંતરરાષ્ટ્રીય મેડિકલ સંસ્થાઓનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.

નામ બદલવા પાછળનું વૈજ્ઞાનિક કારણ
જૂનું નામ ‘પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ’ સાંભળીને દર્દીઓને એવું લાગતું હતું કે આ બીમારીમાં અંડાશય (Ovary) માં ગાંઠ અથવા સિસ્ટ (Cist) હોવી અનિવાર્ય છે. પરંતુ તબીબી વાસ્તવિકતા અલગ છે. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. સલોનીના જણાવ્યા અનુસાર, આ બીમારીના દરેક દર્દીમાં સિસ્ટ હોતા નથી.
આ બીમારીમાં ઓવરી કરતાં શરીરની મેટાબોલિક પ્રક્રિયા અને હોર્મોન્સની ગરબડ વધુ મહત્વની હોય છે. નવા નામમાં ‘મેટાબોલિક’ શબ્દ ઉમેરવામાં આવ્યો છે કારણ કે આ બીમારીમાં મહિલાઓના શરીરમાં મેટાબોલિક ડિસઓર્ડર થવો એ એક મુખ્ય સમસ્યા છે. યુરોપિયન કોંગ્રેસ ઓફ એન્ડોક્રિનોલોજીમાં આ ફેરફારની જાહેરાત કરવામાં આવી છે અને પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ’માં પણ આ અંગેનો રિપોર્ટ પ્રકાશિત થયો છે.
નાની ઉંમરમાં વધતા કેસ
ચિંતાજનક બાબત એ છે કે હવે 18 થી 25 વર્ષની યુવતીઓમાં પણ PMOS ના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ માટે ખરાબ ખાનપાન, બેઠાડુ જીવનશૈલી, મેદસ્વીપણું અને વધતો માનસિક તણાવ મુખ્ય કારણો છે. આ બીમારી સ્ત્રીઓમાં વંધ્યત્વ (Infertility) માટેનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે.

PMOS ના મુખ્ય લક્ષણો જો નીચે મુજબના લક્ષણો દેખાય, તો તેને અવગણવા જોઈએ નહીં:
અનિચ્છનીય વાળ: ચહેરા અને શરીર પર પુરુષોની જેમ અનિચ્છનીય વાળ આવવા (Hirsutism).
ત્વચાની સમસ્યા: વારંવાર ખીલ (Acne) થવા અને ત્વચા તૈલી બનવી.
વજન વધવું: ઝડપથી વજન વધવું અને તેને ઘટાડવામાં મુશ્કેલી પડવી.
ડાયાબિટીસનું જોખમ: શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને કારણે ડાયાબિટીસની શક્યતા વધવી.
અનિયમિત માસિક: પિરિયડ્સના સમયમાં અનિયમિતતા.
નામ બદલવાથી આ બીમારીની સાચી ઓળખ કરવામાં અને દર્દીને તેની ગંભીરતા સમજાવવામાં સરળતા રહેશે. આ માત્ર ગાયનેકોલોજીકલ સમસ્યા નથી, પણ એક મેટાબોલિક સમસ્યા છે, જેની સારવાર જીવનશૈલીમાં ફેરફાર અને યોગ્ય હોર્મોનલ થેરાપી દ્વારા શક્ય છે.
