Brain Stroke: તબીબી જગતમાં ક્રાંતિ: હાઈ બીપી અને સ્ટ્રોકના દર્દીઓ માટે આવી ગઈ નવી કોમ્બિનેશન પિલ્લ GMRx2.
સ્ટ્રોકમાંથી બચી જવું એ કોઈપણ દર્દી અને તેના પરિવાર માટે મોટી રાહતની વાત છે, પરંતુ સાચો પડકાર રિકવરી પછી શરૂ થાય છે. આંકડા દર્શાવે છે કે જે લોકોને એકવાર સ્ટ્રોક આવ્યો હોય, તેમને ફરીથી સ્ટ્રોક આવવાનું જોખમ ઘણું વધારે હોય છે. ખાસ કરીને એવા દર્દીઓમાં જોખમ વધુ હોય છે જેમને ‘ઇન્ટ્રાસેરેબ્રલ હેમરેજ’ (મગજમાં નસ ફાટવાને કારણે રક્તસ્ત્રાવ) થયો હોય. આવા દર્દીઓ માટે ફરીથી સ્ટ્રોક આવવો એ વધુ ઘાતક સાબિત થઈ શકે છે.

ફરીથી સ્ટ્રોક આવવાનું મુખ્ય કારણ: હાઈ બ્લડ પ્રેશર
મગજમાં રક્તસ્ત્રાવવાળા સ્ટ્રોકનું સૌથી મોટું કારણ અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર (High BP) છે.
નસોની નબળાઈ: જ્યારે લાંબા સમય સુધી બ્લડ પ્રેશર ઊંચું રહે છે, ત્યારે મગજની ઝીણી નસોની દીવાલો નબળી પડવા લાગે છે.
નસ ફાટવી: અંતે આ નબળી નસ દબાણ સહન ન કરી શકતા ફાટી જાય છે અને મગજમાં લોહી ફેલાઈ જાય છે. તેથી, બીજા સ્ટ્રોકને રોકવાનો સૌથી અસરકારક રસ્તો બ્લડ પ્રેશરને સખત રીતે નિયંત્રિત કરવાનો છે. જોકે, વૃદ્ધો અથવા અનેક રોગોથી પીડાતા દર્દીઓ માટે દિવસમાં અનેક પ્રકારની દવાઓનો સમય યાદ રાખવો મુશ્કેલ બને છે. ઘણીવાર દવા છૂટી જવાથી બીપી અચાનક વધી જાય છે.
TRIDENT ટ્રાયલ અને ‘GMRx2’ ગોળીની શોધ
આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વૈજ્ઞાનિકોએ એક મહત્વપૂર્ણ અભ્યાસ કર્યો છે, જે તાજેતરમાં ‘ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં પ્રકાશિત થયો છે. આ સ્ટડી ‘TRIDENT ટ્રાયલ’ હેઠળ કરવામાં આવી હતી, જેમાં વિશ્વના વિવિધ દેશોના ૧૬૦૦થી વધુ દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ અભ્યાસમાં ‘GMRx2’ નામની એક નવી ‘કોમ્બિનેશન પિલ્લ’ (Combination Pill) તૈયાર કરવામાં આવી છે. આ ગોળીની વિશેષતા એ છે કે તેમાં બ્લડ પ્રેશરની ત્રણ સામાન્ય દવાઓને ઓછી માત્રામાં એકસાથે મિશ્રિત કરવામાં આવી છે.
અભ્યાસના આશ્ચર્યજનક પરિણામો
સંશોધન દરમિયાન દર્દીઓને બે જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. એક જૂથને આ નવી ‘થ્રી-ઇન-વન’ ગોળી આપવામાં આવી, જ્યારે બીજા જૂથને સામાન્ય સારવાર આપવામાં આવી.
૪૦% જોખમમાં ઘટાડો: જે દર્દીઓએ આ કોમ્બિનેશન ગોળી લીધી, તેમના બ્લડ પ્રેશરમાં ઝડપી અને સ્થિર સુધારો જોવા મળ્યો. સૌથી મહત્વની વાત એ છે કે, તેમનામાં ફરીથી સ્ટ્રોક આવવાનું જોખમ આશરે ૪૦ ટકા જેટલું ઘટી ગયું.
સારવારમાં સરળતા: અલગ-અલગ ત્રણ દવાઓ લેવાને બદલે માત્ર એક જ ગોળી લેવાની હોવાથી દર્દીઓ માટે સારવારનો કોર્સ પૂરો કરવો સરળ બન્યો.
