AC Sleep Mode: AC માં ‘Sleep Mode’ શું છે? જાણો આ ફીચર કેવી રીતે તમારી ઊંઘ સુધારે છે અને વીજળી બચાવે છે
ભયાનક ગરમીમાં જ્યારે રાત્રે પણ તાપમાન ઓછું થવાનું નામ નથી લેતું, ત્યારે એસી એકમાત્ર સહારો બને છે. જોકે, ઘણીવાર એવું બને છે કે રાત્રે એસી ચાલુ રાખીને સૂઈ ગયા પછી મધ્યરાત્રિએ ખૂબ ઠંડી લાગવા માંડે છે અને આપણે ઊંઘમાંથી ઉઠીને એસી બંધ કરવું પડે છે અથવા તાપમાન વધારવું પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે જ એસીમાં ‘સ્લીપ મોડ’ આપવામાં આવે છે.

સ્લીપ મોડ કેવી રીતે કામ કરે છે?
આજના આધુનિક એસીમાં સ્લીપ મોડ ફીચર સામાન્ય રીતે જોવા મળે છે. બ્રાન્ડ અને મોડેલ મુજબ તેનું કામ અલગ હોઈ શકે છે, પરંતુ તેના મુખ્ય ત્રણ ફાયદા છે:
તાપમાનનું સંતુલન: જ્યારે તમે સ્લીપ મોડ ઓન કરો છો, ત્યારે એસી દર કલાકે તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રીનો વધારો કરે છે. દાખલા તરીકે, જો તમે ૨૪ ડિગ્રી પર એસી સેટ કર્યું હોય, તો સ્લીપ મોડ તેને ધીમે ધીમે વધારીને ૨૬ ડિગ્રી કરી દેશે. આનું કારણ એ છે કે રાત્રે ઊંઘતી વખતે આપણા શરીરનું તાપમાન થોડું ઘટે છે, તેથી આપણને વધુ પડતી ઠંડીનો અહેસાસ થતો નથી.
ઓટોમેટિક ટાઈમર: ઘણા એસીમાં સ્લીપ મોડ ટાઈમર તરીકે પણ કામ કરે છે. તમે નક્કી કરેલા સમય પછી એસી આપમેળે બંધ થઈ જાય છે, જેથી તમારે મધરાતે ઉઠવાની જરૂર પડતી નથી.
શાંત વાતાવરણ (Fan Speed): સ્લીપ મોડ એક્ટિવ થતા જ એસીના ફેન (પંખા) ની સ્પીડ આપમેળે ઓછી થઈ જાય છે. આનાથી એસીનો અવાજ ઘટી જાય છે અને તમને એકદમ શાંત વાતાવરણમાં ઊંડાણપૂર્વકની ઊંઘ મળે છે.

વીજળીના વપરાશ પર શું અસર પડે છે?
સ્લીપ મોડનો સૌથી મોટો ફાયદો વીજળીની બચત છે. જ્યારે એસી સતત ફૂલ પાવર પર ચાલવાને બદલે તાપમાનને એડજસ્ટ કરે છે, ત્યારે કોમ્પ્રેસર પર લોડ ઓછો પડે છે. નિષ્ણાતોના મતે, સ્લીપ મોડના ઉપયોગથી એસીના વીજ વપરાશમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે, જે તમારા મહિનાના લાઈટ બિલમાં મોટી રાહત આપે છે.
