Health Care: કેન્સર સામે હૃદયનું કુદરતી કવચ: નેસપ્રિન-2 પ્રોટીન અને ધબકારાનું વિજ્ઞાન
આપણે જાણીએ છીએ કે હૃદય એક એવું પંપ છે જે દિવસ-રાત જોયા વગર આખા શરીરમાં લોહી પહોંચાડે છે. એક સામાન્ય માણસનું હૃદય દિવસમાં આશરે 1 લાખ વાર ધબકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શરીરના અન્ય અંગો જેમ કે ફેફસાં, લિવર કે કિડનીમાં કેન્સર સામાન્ય છે, પણ હૃદયમાં કેન્સર ભાગ્યે જ જોવા મળે છે? વૈજ્ઞાનિકો વર્ષોથી આ રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને હવે તેમને આ માટે હૃદયના ‘મેકેનિકલ પ્રેશર’ (યાંત્રિક દબાણ) માં જવાબ મળ્યો છે.

હૃદય કેન્સરથી કેમ સુરક્ષિત છે?
હૃદયના કોષો (Cells) અન્ય અંગોની સરખામણીમાં ખૂબ જ ધીમેથી બદલાય છે અથવા નવા બને છે. સામાન્ય રીતે જ્યાં કોષોનું વિભાજન ઝડપથી થાય ત્યાં કેન્સરનું જોખમ વધુ હોય છે. હૃદયમાં કોષોનું વિભાજન ઓછું હોવું તે એક કારણ છે જ, પણ મુખ્ય કારણ તેની સતત હલચલ છે. હૃદય જ્યારે ધબકે છે, ત્યારે તે એક ખાસ પ્રકારનું દબાણ ઉત્પન્ન કરે છે. નવા અભ્યાસ મુજબ, આ સતત પડતું દબાણ કેન્સરના કોષોને વધતા અટકાવે છે અને તેમના વર્તનને બદલી નાખે છે.
ઉંદર પર કરવામાં આવેલો અનોખો પ્રયોગ
વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતને સાબિત કરવા માટે ઉંદરો પર એક પ્રયોગ કર્યો. તેમણે એક હૃદયને ઉંદરની ગરદનમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું. આ હૃદયમાં લોહી તો પહોંચતું હતું, પરંતુ તે સામાન્ય હૃદયની જેમ ધબકતું નહોતું અથવા તેમાં દબાણ ઓછું હતું.
જ્યારે વૈજ્ઞાનિકોએ સામાન્ય ધબકતા હૃદય અને આ ટ્રાન્સપ્લાન્ટ કરેલા (ઓછા દબાણવાળા) હૃદયમાં કેન્સરના કોષો દાખલ કર્યા, ત્યારે પરિણામો ચોંકાવનારા હતા:
ધબકતું હૃદય: જે હૃદય સામાન્ય રીતે ધબકતું હતું, ત્યાં કેન્સરના કોષો વિકસી શક્યા નહીં.
સ્થિર હૃદય: જે હૃદયમાં ધબકારા અને દબાણ ઓછું હતું, તેમાં ટ્યુમર (ગાંઠ) ઝડપથી બનવા લાગી. આનાથી સાબિત થયું કે હૃદયની ધબકવાની ક્રિયા પોતે જ એક ‘સંરક્ષણ પ્રણાલી’ છે.

નેસપ્રિન-2 (Nesprin-2) પ્રોટીનની ભૂમિકા
આ પ્રક્રિયા માત્ર બાહ્ય દબાણ પૂરતી મર્યાદિત નથી. વૈજ્ઞાનિકોએ જોયું કે આ દબાણ કોષોના કેન્દ્ર (Nucleus) સુધી પહોંચે છે અને જનીનો (Genes) ની પ્રવૃત્તિમાં ફેરફાર કરે છે. આમાં નેસપ્રિન-2 (Nesprin-2) નામનું પ્રોટીન મહત્વની ભૂમિકા ભજવે છે. તે બહારના દબાણને કોષના ન્યુક્લિયસ સુધી પહોંચાડે છે, જેનાથી કેન્સર પેદા કરતા જનીનો નિષ્ક્રિય થઈ જાય છે. જ્યારે વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં આ પ્રોટીનને બ્લોક કર્યું, ત્યારે ધબકતા હૃદયમાં પણ કેન્સરની ગાંઠો બનવા લાગી હતી.
