30 વર્ષની ઉંમર પછી આ 2 ટેસ્ટ કરાવવાનું ભૂલતા નહીં! ડાયાબિટીસથી બચવા ડૉક્ટરની સલાહ
ભારતમાં ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચિંતાની વાત એ છે કે ટાઇપ-2 ડાયાબિટીસ શરૂઆતના તબક્કામાં ઘણીવાર કોઈ સ્પષ્ટ લક્ષણો બતાવતી નથી. પરિણામે વ્યક્તિ લાંબા સમય સુધી આ બીમારીથી અજાણ રહે છે. નિષ્ણાતોના મતે, ડાયાબિટીસથી બચવા માટે માત્ર લક્ષણો પર આધાર રાખવાને બદલે નિયમિત તપાસ અને જીવનશૈલીમાં સુધારો કરવો જરૂરી છે. ખાસ કરીને કમરના વધતા માપને પણ અવગણવું જોઈએ નહીં.

લક્ષણો દેખાય તે પહેલાં જ શરીરને નુકસાન થવાની શરૂઆત
ટાઇપ-2 ડાયાબિટીસ ધીમે-ધીમે વિકસતી બીમારી છે. શરૂઆતમાં વધુ તરસ લાગવી, વારંવાર પેશાબ આવવો કે સતત થાક અનુભવવો જેવાં લક્ષણો ન પણ દેખાય. જોકે, આ સમયગાળા દરમિયાન લોહીમાં શુગરનું પ્રમાણ વધેલું રહે તો શરીરના વિવિધ અંગો પર તેની ખરાબ અસર થઈ શકે છે. ખાસ કરીને રક્તવાહિનીઓ, ચેતા, કિડની અને આંખોને નુકસાન પહોંચવાનું જોખમ રહે છે.
30 વર્ષની ઉંમર પછી નિયમિત તપાસ કરાવવી જરૂરી
આકાશ હેલ્થકેરના ડૉ. વિક્રમજીત સિંહના જણાવ્યા અનુસાર, ડાયાબિટીસની ઓળખ માટે શરીરમાં લક્ષણો દેખાય તેની રાહ જોવી યોગ્ય નથી. 30 વર્ષથી વધુ ઉંમરના લોકોએ નિયમિત રીતે બ્લડ શુગરની તપાસ કરાવવી જોઈએ. આ ઉપરાંત, ઓછી ઉંમરે પણ પરિવારમાં ડાયાબિટીસનો ઇતિહાસ હોય, પેટની આસપાસ ચરબી વધારે હોય અથવા આખો દિવસ બેસીને કામ કરવાની આદત હોય તો તપાસ જરૂરી બને છે.
ફાસ્ટિંગ શુગર અને HbA1c ટેસ્ટથી જાણી શકાય છે જોખમ
ડૉક્ટરોના મતે, દર વર્ષે ફાસ્ટિંગ બ્લડ શુગર અને HbA1c ટેસ્ટ કરાવવાથી ડાયાબિટીસની સ્થિતિ વિશે મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. ફાસ્ટિંગ ટેસ્ટમાં ખાલી પેટે લોહીમાં શુગરનું પ્રમાણ તપાસવામાં આવે છે, જ્યારે HbA1c ટેસ્ટ છેલ્લા આશરે ત્રણ મહિનાના સરેરાશ બ્લડ શુગરનું સ્તર દર્શાવે છે. આ તપાસોથી શરૂઆતના તબક્કામાં જ વધતી શુગર ઓળખીને સમયસર યોગ્ય પગલાં લઈ શકાય છે.
પુરુષોમાં જાતીય સ્વાસ્થ્યની સમસ્યા પણ હોઈ શકે છે સંકેત
લાંબા સમય સુધી બ્લડ શુગર નિયંત્રણમાં ન રહે તો પુરુષોના જાતીય સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે. વી.એન.એ. હોસ્પિટલના યુરોલોજી વિભાગના વડા ડૉ. વિનિતના જણાવ્યા અનુસાર, વધેલી શુગરને કારણે ચેતા અને રક્તવાહિનીઓને નુકસાન થઈ શકે છે. તેના પરિણામે ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં ઘટાડો જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવી તકલીફોને શરમના કારણે છુપાવવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

મહિલાઓની પ્રજનન ક્ષમતા પર પણ પડી શકે છે અસર
ડાયાબિટીસની અસર મહિલાઓના પ્રજનન સ્વાસ્થ્ય પર પણ જોવા મળી શકે છે. નર્ચર આઈવીએફનાં ડૉ. અર્ચના બજાજના જણાવ્યા અનુસાર, અનિયંત્રિત બ્લડ શુગરને કારણે ઓવ્યુલેશનની પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. તેના કારણે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભપાત અને ગર્ભાવસ્થાને લગતી ડાયાબિટીસનું જોખમ પણ વધી શકે છે. આ ઉપરાંત, પીસીઓએસથી પીડિત મહિલાઓમાં ભવિષ્યમાં ટાઇપ-2 ડાયાબિટીસ થવાની સંભાવના વધી શકે છે.
દવાઓની સાથે જીવનશૈલીમાં ફેરફાર પણ એટલો જ જરૂરી
ડાયાબિટીસનું જોખમ ઘટાડવા માટે માત્ર દવાઓ પર આધાર રાખવો પૂરતો નથી. રોજિંદા જીવનમાં કેટલીક સારી આદતો અપનાવવી પણ જરૂરી છે. અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક, લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું, મોબાઇલ અને કમ્પ્યુટર સામે વધુ સમય વિતાવવો તથા કસરતનો અભાવ જોખમ વધારી શકે છે. તેથી સંતુલિત આહાર લેવો, નિયમિત ચાલવું, શારીરિક પ્રવૃત્તિ વધારવી અને વજન નિયંત્રણમાં રાખવું જોઈએ. સાથે જ કમરના માપ પર નજર રાખવી અને ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત તપાસ કરાવવી જરૂરી છે.
