Diabetes Care: માત્ર એક ટેસ્ટ પર ભરોસો ન કરો: લોહીની આ સામાન્ય ખામીઓ HbA1c ના રિપોર્ટને બદલી નાખે છે, જુઓ ડોક્ટર્સની નવી ગાઈડલાઈન
ડાયાબિટીસ (મધુપ્રમેહ) ની તપાસ કરવા માટે અત્યાર સુધી જે HbA1c (હિમોગ્લોબિન A1c) ટેસ્ટને સૌથી સચોટ અને ભરોસાપાત્ર માનવામાં આવતો હતો, તે ટેસ્ટ ભારતીય લોકો માટે ઘણી વખત ખોટો રિપોર્ટ આપી શકે છે. એક નવા તબીબી સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે લોહી સંબંધિત ઘણી સામાન્ય બીમારીઓ આ તપાસના પરિણામોને બદલી નાખે છે. આ કારણે ડાયાબિટીસનું સમયસર અને સાચું નિદાન થઈ શકતું નથી. આ જ કારણ છે કે હવે ડોક્ટરો માત્ર આ એક જ ટેસ્ટ પર નિર્ભર રહેવાને બદલે અન્ય તપાસ પણ સાથે કરાવવાની સલાહ આપી રહ્યા છે.

રિપોર્ટ અને શરીરના લક્ષણો વચ્ચે તફાવત કેમ?
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (TOI) ના અહેવાલ મુજબ, નવી દિલ્હીના ફોર્ટિસ સી-ડોક સેન્ટર ફોર એક્સેલન્સના જાણીતા એન્ડોક્રિનોલોજિસ્ટ અને ડાયાબિટીસ નિષ્ણાત ડો. અનૂપ મિશ્રા સામે એક એવો કિસ્સો આવ્યો જેણે તબીબી જગતને વિચારતું કરી દીધું.
મધ્યપ્રદેશના એક ૪૫ વર્ષના આદિવાસી દર્દીનો HbA1c રિપોર્ટ ૫.૮ ટકા આવ્યો હતો. સામાન્ય તબીબી ભાષામાં આ સ્તરને ‘પ્રી-ડાયાબિટીસ’ (ડાયાબિટીસની શરૂઆતની સ્ટેજ) માનવામાં આવે છે. પરંતુ, આશ્ચર્યની વાત એ હતી કે તે દર્દીનો ફાસ્ટિંગ બ્લડ શુગર (ભૂખ્યા પેટે શુગર) સતત ઘણો વધારે આવતો હતો અને તેની આંખોમાં ડાયાબિટીસના કારણે થતી ‘ડાયાબિટીક રેટિનોપેથી’ ના શરૂઆતી લક્ષણો પણ દેખાવા લાગ્યા હતા. એટલે કે દર્દીનો લેબોરેટરી રિપોર્ટ કંઈક અલગ કહી રહ્યો હતો અને તેનું શરીર ડાયાબિટીસના ગંભીર સંકેતો આપી રહ્યું હતું.
‘ધ લેન્સેટ’ ના રિસર્ચમાં થયો મોટો ખુલાસો
આ ઘટના બાદ ડો. અનૂપ મિશ્રા, ડો. શંભો સમ્રાટ સમાજદાર, ડો. શશાંક આર. જોશી અને ડો. નવલ કે. વિક્રમની તબીબી ટીમ દ્વારા એક ઊંડું સંશોધન કરવામાં આવ્યું. આ સંશોધન પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ રીજનલ હેલ્થ સાઉથઈસ્ટ એશિયા’ (The Lancet Regional Health Southeast Asia) માં પ્રકાશિત થયું છે. આ રિપોર્ટ અનુસાર, ભારત અને દક્ષિણ એશિયાના લોકોમાં જોવા મળતી નીચેની સમસ્યાઓ HbA1c ના રિપોર્ટને ખોટો સાબિત કરી શકે છે:
એનિમિયા (લોહીની ઉણપ/પાંડુરોગ)
થેલેસેમિયા (Thalassemia)
G6PD ની ઉણપ (એક પ્રકારની જિનેટિક ખામી)
લોહી સંબંધિત અન્ય અન્ય વિકારો

રિપોર્ટ કેવી રીતે ખોટો સાબિત થાય છે? વૈજ્ઞાનિક કારણ
વાસ્તવમાં, HbA1c ટેસ્ટ દર્દીના શરીરમાં છેલ્લા ૩ મહિનાના સરેરાશ બ્લડ શુગરનો અંદાજ લગાવે છે. આ ટેસ્ટ રાતા રક્તકણો (Red Blood Cells – RBC) માં રહેલા હિમોગ્લોબિન સાથે શુગર કેટલી માત્રામાં જોડાયેલી છે તેના આધારે કામ કરે છે. પરંતુ જો લોહીની બીમારીઓના કારણે રાતા રક્તકણોનું આયુષ્ય બદલાઈ જાય, તો રિપોર્ટ પણ ખોટો આવે છે.
એનિમિયાની અસર: ભારતમાં આયર્નની ઉણપથી થતો એનિમિયા (લોહીની કમી) ખૂબ જ સામાન્ય છે. એનિમિયાના કારણે શરીરમાં HbA1c નું સ્તર વાસ્તવિકતા કરતાં વધારે દેખાઈ શકે છે.
G6PD ની ઉણપની અસર: આ સ્થિતિમાં રાતા રક્તકણો સમય પહેલા જ ઝડપથી તૂટી જાય છે. આના કારણે રિપોર્ટમાં HbA1c નું સ્તર ઓછું દેખાય છે, જ્યારે વાસ્તવમાં દર્દીનું સાચું બ્લડ શુગર ઘણું ઊંચું હોય છે.
હવે કયા ટેસ્ટ કરાવવા જરૂરી છે? ડોક્ટરની સલાહ
HbA1c સીધું હિમોગ્લોબિન સાથે જોડાયેલું હોવાથી, જે પણ બીમારી હિમોગ્લોબિનને અસર કરે છે તે આ ટેસ્ટની સચોટતા બગાડી શકે છે. તેથી તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારતીયોમાં ડાયાબિટીસના સચોટ નિદાન માટે માત્ર HbA1c ટેસ્ટ પર આંધળો વિશ્વાસ કરવો હિતાવહ નથી.
સાચા નિદાન માટે ડોક્ટરોએ હવે નીચેના ટેસ્ટની મદદ લેવી જોઈએ:
ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ (OGTT): જે શુગર પીવડાવીને કરવામાં આવે છે.
નિયમિત બ્લડ શુગર તપાસ: ફાસ્ટિંગ અને જમ્યા પછીની પરંપરાગત તપાસ.
કંટીન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ (CGM): જરૂર પડે તો સતત શુગર ટ્રેક કરતી ડિવાઇસનો ઉપયોગ.
