Cancer Detection: શ્વાસ લેવાથી જ ખબર પડશે કેન્સરનું જોખમ, જાણો બેંગલુરુની Dognosis કંપનીની નવી ટેકનોલોજી વિશે
ભારતમાં હેલ્થકેર અને મેડિકલ સાયન્સ ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યું છે. બેંગલુરુ સ્થિત ડીપ-ટેક સ્ટાર્ટઅપ ડોગ્નોસિસ (Dognosis) એક એવી અનોખી કેન્સર સ્ક્રિનિંગ ટેકનોલોજી વિકસાવી રહી છે, જે આગામી સમયમાં ભારતમાં કેન્સર નિદાનની પદ્ધતિને સંપૂર્ણપણે બદલી શકે છે.
કંપનીના આ પ્લેટફોર્મનું નામ ‘BreathEasy’ છે. આ ટેકનોલોજી શ્વાન (કૂતરા) ની અદભુત સુંઘવાની ક્ષમતા અને બ્રેઈન-કમ્પ્યુટર ઈન્ટરફેસ (BCI) ટેકનોલોજીના મિશ્રણથી તૈયાર કરવામાં આવી રહી છે. આ ટેકનોલોજીનો મુખ્ય હેતુ કેન્સરની સારવાર કરવાનો નથી, પરંતુ પ્રાથમિક તબક્કે જ કેન્સરનું જોખમ ધરાવતા દર્દીઓની ઓળખ કરવાનો છે, જેથી તેમને સમયસર વધુ તબીબી તપાસ માટે મોકલી શકાય.

કોઈ બ્લડ ટેસ્ટ કે સ્કેન વગર થશે તપાસ: ૨૦૨૭ માં લોન્ચિંગનું આયોજન
અત્યાર સુધી હાથ ધરાયેલા ક્લિનિકલ ટ્રાયલ્સ સફળ રહેશે તો કંપની ૨૦૨૭ ની શરૂઆતમાં આ ટેકનોલોજીને ભારતીય બજારમાં વ્યાવસાયિક (Commercial) ધોરણે લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે.
આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં દર્દીને કોઈ સુઈ ચૂભાડવાની (બ્લડ ટેસ્ટ) કે બાયોપ્સી/MRI જેવા મોંઘા સ્કેનની જરૂર પડતી નથી. દર્દીએ માત્ર ૧૦ મિનિટ સુધી એક ખાસ માસ્ક પહેરીને શ્વાસ લેવાનો હોય છે. આ શ્વાસના સેમ્પલનું પછીથી લેબોરેટરીમાં પૃથ્થકરણ કરવામાં આવે છે. ડોગ્નોસિસનું માનવું છે કે ભવિષ્યમાં આ ટેસ્ટ સામાન્ય વાર્ષિક હેલ્થ ચેકઅપ (Annual Health Checkup) નો એક નિયમિત ભાગ બની જશે.
‘BreathEasy’ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે?
‘BreathEasy’ પ્લેટફોર્મ એક સંપૂર્ણ વૈજ્ઞાનિક સિદ્ધાંત પર કાર્ય કરે છે:
વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ (VOCs): જ્યારે શરીરમાં કેન્સરના કોષો (Cancer Cells) વિકસિત થવાનું શરૂ થાય છે, ત્યારે તે અત્યંત સૂક્ષ્મ રાસાયણિક અણુઓ છોડે છે, જે ઉચ્છવાસ (શ્વાસ) મારફતે બહાર નીકળે છે.
કૂતરાની સુંઘવાની તીવ્ર ક્ષમતા: મનુષ્યની સરખામણીએ કૂતરાઓની સુંઘવાની શક્તિ હજારો ગણી વધુ તીવ્ર હોય છે, જેથી તેઓ આ સૂક્ષ્મ રાસાયણિક સંકેતોને તુરંત પારખી લે છે. કંપની મુખ્યત્વે બીગલ (Beagle) નસલના કૂતરાઓને આ માટે ખાસ તાલીમ આપી રહી છે.
બ્રેઈન-કમ્પ્યુટર ઈન્ટરફેસ (BCI): આ સિસ્ટમ માત્ર કૂતરાના શારીરિક વર્તન કે ઈશારા પર નિર્ભર રહેતી નથી. જ્યારે કૂતરો શ્વાસના નમૂનાને સુંઘે છે, ત્યારે તેના મગજની પ્રવૃત્તિ (Brain Activity) ને BCI સિસ્ટમ દ્વારા રિયલ-ટાઈમ રેકોર્ડ અને એનાલાઈઝ કરવામાં આવે છે.

વાર્ષિક ૧૦ લાખ સેમ્પલ તપાસવાનો ધ્યેય
કંપનીએ એક ઓટોમેટેડ પ્લેટફોર્મ બનાવ્યું છે જે કોઈપણ માનવીય હસ્તક્ષેપ (Human Help) વગર એક જ સેશનમાં ૨૦૦ થી વધુ શ્વાસના નમૂનાઓની તપાસ કરી શકે છે. ભવિષ્યમાં આવા અનેક યુનિટ્સ સ્થાપીને દર વર્ષે ૧૦ લાખથી વધુ સેમ્પલ્સ પ્રોસેસ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હોસ્પિટલો, ડાયગ્નોસ્ટિક લેબ્સ અને હેલ્થ સેન્ટર્સમાંથી આ માસ્ક સેમ્પલ કલેક્ટ કરીને સેન્ટ્રલ ટેસ્ટિંગ સેન્ટર સુધી પહોંચાડવામાં આવશે.
હાલમાં ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલુ
હાલમાં ‘BreathEasy’ મોટા પાયા પર ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી પસાર થઈ રહ્યું છે. તાજેતરમાં ‘જર્નલ ઓફ ક્લિનિકલ ઓન્કોલોજી’ માં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, આ ટેકનોલોજીમાં ૯ ટકા કેસોમાં ફોલ્સ પોઝિટિવ (કેન્સર ન હોવા છતાં પોઝિટિવ) અને ૯ ટકા કેસોમાં ફોલ્સ નેગેટિવ (કેન્સર હોવા છતાં ડિટેક્ટ ન થવું) ના પરિણામો મળ્યા હતા. કંપની આ પરિણામોની સચોટતા વધુ સુધારવા માટે સતત સંશોધન કરી રહી છે.
