દવાના બોર્ડ પર ૮૦% ડિસ્કાઉન્ટ? હવે ગ્રાહકોને ભ્રમિત કરતા મેડિકલ સ્ટોર્સ સામે થશે કાર્યવાહી
પાટનગર દિલ્હીમાં મેડિકલ સ્ટોર્સ દ્વારા અપાતા દવાઓના ભારે ડિસ્કાઉન્ટ અંગે ‘ડ્રગ્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ’ (Drugs Control Department) એ સખત વલણ અપનાવ્યું છે. તબીબી ક્ષેત્રે ગ્રાહકોને આકર્ષવા માટે મેડિકલ સ્ટોર્સ પર લગાડવામાં આવતા ‘UP TO 60%, 70% અને 80% DISCOUNT’ જેવા મોટા દાવાઓ સામે વિભાગે સત્તાવાર એડવાઇઝરી જારી કરી છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે દવાઓ MRP કરતાં ઓછી કિંમતે વેચવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ ગ્રાહકોને ભ્રમિત કરતા અને વાસ્તવિકતા વગરના જાહેરાત બોર્ડ સામે લાલ આંખ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?
દિલ્હીના વિવિધ વિસ્તારોમાં આવેલી રીટેલ ફાર્મસીઓ પર દવાઓ પર ૮૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરતા બેનરો અને ડિજિટલ ડિસ્પ્લે જોવા મળી રહ્યા હતા. આ મુદ્દે તપાસ કરતાં ડ્રગ્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના ધ્યાન પર આવ્યું કે કેટલાક સ્ટોર્સ ગ્રાહકોને આકર્ષવા માટે બોર્ડ પર મોટું ડિસ્કાઉન્ટ લખે છે, પરંતુ વાસ્તવિક ખરીદી વખતે તે ફાયદો આપતા નથી.
વિભાગે નિર્દેશ આપ્યો છે કે જો કોઈ મેડિકલ સ્ટોર બોર્ડ પર ડિસ્કાઉન્ટનો દાવો કરે છે, તો તે દાવો વાસ્તવિક હોવો જોઈએ અને ગ્રાહકને બિલમાં તેનો પૂરો લાભ મળવો જોઈએ.
બિલ અને ખરીદીના રેકોર્ડનું ચેકિંગ ફરજિયાત
નવા નિયમો મુજબ, મેડિકલ સ્ટોર્સ દ્વારા ગ્રાહકને આપવામાં આવેલું ડિસ્કાઉન્ટ તેમના સેલ બિલ (Sale Bill) અને દુકાનના પરચેઝ રેકોર્ડ (Purchase Records) સાથે સુસંગત હોવું જરૂરી છે.
પરચેઝ સોર્સની ચકાસણી: જો કોઈ દવા તેના મૂળ ખરીદ ભાવ કરતાં પણ ઓછી કિંમતે વેચાતી દર્શાવવામાં આવે, તો તે દવાની ગુણવત્તા અને ખરીદીના સ્ત્રોત (Source) સામે સવાલો ઊભા થાય છે.
અધિકૃત વિતરકો: વિભાગે તમામ કેમિસ્ટને માત્ર માન્યતા પ્રાપ્ત ‘જેન્યુઇન ડ્રગ લાઇસન્સ’ ધરાવતા જથ્થાબંધ વેપારીઓ (Wholesalers) પાસેથી જ દવા ખરીદવાની કડક સૂચના આપી છે.

કેમિસ્ટ એસોસિએશનનું કડક સરક્યુલર
ડ્રગ્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટની ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ આવેલી એડવાઇઝરી બાદ ‘રીટેલ ડિસ્ટ્રિબ્યુશન કેમિસ્ટ એલાયન્સ’ (RDCA One Delhi) એ પણ ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ પોતાના તમામ સભ્યો માટે સરક્યુલર જાહેર કર્યું છે.
એસોસિએશને તમામ મેડિકલ સ્ટોર્સને પોતાની દુકાનો પર લગાવેલા તમામ પ્રમોશનલ બોર્ડ, બેનર, પોસ્ટર અને ડિજિટલ જાહેરાતોની સમીક્ષા કરવા આદેશ આપ્યો છે. જો કોઈ બોર્ડ પર દર્શાવેલું ડિસ્કાઉન્ટ ગેરમાર્ગે દોરનારું કે અસ્પષ્ટ હોય, તો તેને તુરંત હટાવી લેવા અથવા સુધારી લેવા જણાવાયું છે.
ગ્રાહક હિત અને પારદર્શિતા પર ભાર
આ નવી એડવાઇઝરીનો મુખ્ય હેતુ દવાના વેપારમાં પારદર્શિતા લાવવાનો અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકાવવાનો છે.
દવાઓ MRP થી ઓછા ભાવે વેચવાની છૂટ યથાવત રહેશે, પરંતુ ‘અપ ટુ’ ના નામે ગ્રાહકોને ભ્રમમાં રાખતા વેપારીઓ સામે હવે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. હવેથી કેમિસ્ટ પાસે પોતાની ખરીદી અને વેચાણના પોપડા ચોખ્ખા હોવા અનિવાર્ય બનશે.
