વિકસિત ભારત 2047 તરફ મોટું કદમ: FDI ના નિયમોમાં ફેરફાર, ₹15,000 કરોડ સુધીના રોકાણને સીધી મંજૂરી
૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’નું નિર્માણ કરવાનો જે રોડમેપ રજૂ કર્યો હતો, તે દિશામાં સરકારે અત્યંત ઝડપથી નક્કર પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. દેશની આર્થિક પ્રગતિને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કેન્દ્ર સરકાર પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) ના નિયમોમાં મોટા સુધારા કરવાની વ્યાપક તૈયારી કરી રહી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશી મૂડીરોકાણને ભારત તરફ વધુ આકર્ષિત કરવા માટે કેબિનેટ ટૂંક સમયમાં બે અત્યંત મહત્વપૂર્ણ પ્રસ્તાવોને લીલી ઝંડી આપી શકે છે. પ્રથમ મોટો ફેરફાર એ છે કે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (CCEA) ની મંજૂરી માટે મોકલવામાં આવતા એફડીઆઈ પ્રસ્તાવની મર્યાદા ₹૫,૦૦૦ કરોડથી વધારીને ₹૧૫,૦૦૦ કરોડ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ડાઉનસ્ટ્રીમ કંપનીઓમાં પણ વિદેશી રોકાણના નિયમોને વધુ સરળ બનાવવાનો પ્રસ્તાવ છે.

CCEA મંજૂરીની મર્યાદામાં ત્રણ ગણો વધારો
ભારતમાં અત્યાર સુધીના પ્રચલિત નિયમ મુજબ જો કોઈ વિદેશી કંપની ₹૫,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કરવા ઈચ્છતી હોય, તો તે પ્રસ્તાવને આખરી મંજૂરી માટે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) સમક્ષ રજૂ કરવો પડતો હતો. આ પ્રક્રિયા નવેમ્બર ૨૦૧૫થી અમલમાં હતી, જ્યારે ₹૫,૦૦૦ કરોડથી ઓછી રકમના રોકાણ પ્રસ્તાવોને સંબંધિત મંત્રાલયો પોતાના સ્તરે મંજૂર કરી શકતા હતા. સરકારના નવા પ્રસ્તાવ અંતર્ગત આ મર્યાદા સીધી ત્રણ ગણી વધારીને ₹૧૫,૦૦૦ કરોડ કરવાની યોજના છે. આ નિર્ણયનો સીધો અર્થ એ થાય છે કે હવે ₹૧૫,૦૦૦ કરોડ સુધીના મોટા વિદેશી રોકાણ પ્રસ્તાવોને CCEA પાસે મોકલવાની જરૂર રહેશે નહીં. સંબંધિત મંત્રાલયો સ્વાયત્ત રીતે આ ફાઇલોને ઝડપથી ક્લિયર કરી શકશે, જેનાથી સરકારી અમલદારશાહી અને પ્રક્રિયામાં થતો વિલંબ અટકશે અને પ્રોજેક્ટ્સ ઝડપથી ધરાતલ પર ઉતરી શકશે.
ડાઉનસ્ટ્રીમ રોકાણના નિયમોમાં મોટી રાહત
કેન્દ્ર સરકાર માત્ર રોકાણની નાણાકીય સીમા જ નથી વધારી રહી, પરંતુ જે કાનૂની માર્ગે વિદેશી નાણું ભારતીય બજારમાં આવે છે તેને પણ સરળ બનાવી રહી છે. આ માટે ‘ડાઉનસ્ટ્રીમ ઇન્વેસ્ટમેન્ટ’ એટલે કે પરોક્ષ વિદેશી રોકાણના નિયમોમાં નોંધપાત્ર ઢીલ આપવાની તૈયારી છે. નવા મુસદ્દા મુજબ, જો માલિકી શ્રેણી (Ownership Chain) માં ઉપર રહેલી કોઈ ભારતીય કંપનીએ અગાઉથી જ સરકાર પાસેથી વિદેશી રોકાણની જરૂરી મંજૂરી મેળવી લીધી હોય, તો તેની હેઠળ કામ કરતી સબ્સિડિયરી કે ભારતીય કંપનીએ ફરીથી સરકારી પરવાનગી લેવી પડશે નહીં.
હાલમાં બે ચોક્કસ સ્થિતિઓમાં આવી પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત હોય છે: પ્રથમ, જ્યારે રોકાણ એવા ક્ષેત્રમાં થઈ રહ્યું હોય જ્યાં સરકારી પરવાનગી અનિવાર્ય હોય, અને દ્વિતીય, જ્યારે નાણું ભારત સાથે સરહદ ધરાવતા પડોશી દેશોની કંપનીઓ તરફથી આવી રહ્યું હોય. નિયમો સરળ બનવાથી એક જ રોકાણ માટે વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને મળશે મોટો વેગ
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય અર્થતંત્રનું કદ નોંધપાત્ર રીતે વધ્યું છે અને તેની સાથે જ વિદેશી રોકાણના પ્રોજેક્ટ્સનું કદ પણ મોટું થયું છે. આવી સ્થિતિમાં એક દાયકા જૂના નિયમો ઘણીવાર આર્થિક વિકાસની ઝડપને ધીમી પાડતા હતા. વારંવાર મંજૂરી મેળવવાની જટિલ પ્રક્રિયાના કારણે ઘણીવાર વિદેશી રોકાણકારોનો ઉત્સાહ પણ મંદ પડી જતો હતો.
અહેવાલો મુજબ નાણાં મંત્રાલય, ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વેપાર વિભાગ (DPIIT) અને નીતિ આયોગ વચ્ચે આ વિષય પર પ્રાથમિક વિચાર-વિમર્શ પૂર્ણ થઈ ચૂક્યો છે. હવે માત્ર કેબિનેટની સત્તાવાર મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આ પ્રસ્તાવ પાસ થતાં જ દેશમાં ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ (વેપાર કરવાની સરળતા) ના વાતાવરણને નવી ઊર્જા મળશે અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આર્થિક પાયો વધુ મજબૂત બનશે.
