Frequent Urination: કાર્ડિયો કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ? લાંબા અને સ્વસ્થ જીવન માટે જાણો કઈ કસરત છે શ્રેષ્ઠ
ફિટનેસની દુનિયામાં લાંબા સમયથી એક મોટી ચર્ચા ચાલી રહી છે: લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે શું વધુ મહત્વનું છે? કાર્ડિયો (દોડવું, સાયકલિંગ) કે પછી સ્ટ્રેન્થ ટ્રેનિંગ (વજન ઉઠાવવું)? એક તરફ દોડવા અને સાયકલિંગના સમર્થકો છે, તો બીજી તરફ જીમમાં જઈને મસલ્સ બનાવનારા લોકો છે. પરંતુ હવે હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોના એક મોટા અભ્યાસે આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્યું છે.
અભ્યાસના આશ્ચર્યજનક તારણો
‘બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન’માં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં ૧.૪૭ લાખથી વધુ લોકોની જીવનશૈલી અને કસરતની આદતોનું ૩૦ વર્ષ સુધી ઊંડું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ જાણવાનો પ્રયાસ કર્યો કે અલગ-અલગ કસરતો મૃત્યુદર, હૃદયરોગ, કેન્સર અને મગજની બીમારીઓ પર કેવી અસર કરે છે. સૌથી રસપ્રદ વાત એ જાણવા મળી કે ‘વધુ કસરત એટલે વધુ ફાયદો’ એ હંમેશા સાચું નથી. ખાસ કરીને સ્ટ્રેન્થ ટ્રેનિંગમાં એક ચોક્કસ મર્યાદા પછી ફાયદો મળવાનું બંધ થઈ જાય છે. સંશોધન મુજબ, અઠવાડિયામાં ૯૦ થી ૧૨૦ મિનિટ (દોઢ થી બે કલાક) સુધી મસલ્સ બનાવતી કસરત કરવી સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ છે.

કેટલી કસરત જરૂરી છે?
જે લોકો દર અઠવાડિયે લગભગ બે કલાક સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરતા હતા, તેમનામાં કોઈપણ કારણોસર થતા મૃત્યુનું જોખમ ૧૩ ટકા ઓછું જોવા મળ્યું હતું. હૃદય સંબંધિત બીમારીઓમાં ૧૯ ટકા અને અલ્ઝાઈમર જેવી મગજની બીમારીઓમાં ૨૭ ટકા સુધીનું જોખમ ઘટ્યું હતું. સંશોધકોનું કહેવું છે કે બે કલાકથી વધુ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવાથી મળતા વધારાના ફાયદા ખૂબ જ સીમિત થઈ જાય છે. જોકે, આનો અર્થ એ નથી કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કાર્ડિયો કરતા શ્રેષ્ઠ છે. સૌથી વધુ ફાયદો એવા લોકોને મળ્યો જેમણે બંને કસરતોનો સુમેળ સાધ્યો. કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગનું સંતુલિત મિશ્રણ અકાળ મૃત્યુના જોખમને ૫૮ ટકા સુધી ઘટાડે છે.
સ્ટ્રેન્થ ટ્રેનિંગના ફાયદા
ઉંમર વધવાની સાથે શરીરમાં સ્નાયુઓ ઘટવા લાગે છે, જેને ‘સારકોપેનિયા’ કહેવાય છે. આનાથી નબળાઈ, પડી જવાનો ડર, મેટાબોલિઝમ ધીમું થવું જેવી સમસ્યાઓ થાય છે. સ્ટ્રેન્થ ટ્રેનિંગ આ સમસ્યાઓને દૂર કરે છે, હાડકાં મજબૂત બનાવે છે અને બ્લડ સુગર કંટ્રોલમાં રાખે છે. આમાં ડમ્બેલ, રેઝિસ્ટન્સ બેન્ડ, યોગ, પિલેટ્સ અને ભારે ઘરકામ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થઈ શકે છે. નિષ્ણાતોના મતે કસરતની તીવ્રતા કરતા તેની ‘નિયમિતતા’ વધુ મહત્વની છે.
