અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન ઓવરબ્રિજ પર નવ લોકોને ઉડાવી મારનારા તથ્ય પટેલને કડકમાં કડક સજા આપવા માંગ થઈ રહી છે, જાેકે ભૂતકાળમાં બનેલા આવા જ કેસોમાં ધનવાન મા-બાપોએ પોતાના છાટકા બનેલા સંતાનોને બચાવવા અપનાવેલી તરકીબો એક સમયે ખાસ્સી ચર્ચામાં આવી હતી. ૨૦૧૩ના ચર્ચાસ્પદ મ્સ્ઉ હિટ એન્ડ રન કેસની જ વાત કરીએ તો જજીસ બંગલો વિસ્તારમાં મધરાતે બેફામ કાર દોડાવી વિસ્મય શાહ નામના ધનાઢ્ય પરિવારના નબીરાએ બે આશાસ્પદ યુવકોને ઉડાવી માર્યા હતા. તે ઘટના બની ત્યારે વિસ્યમ શાહ રાતોરાત ગાયબ થઈ ગયો હતો, અને તેની ધરપકડ અકસ્માત થયાના અમુક દિવસો બાદ થઈ હતી. ૨૦૧૫માં વિસ્મય શાહને સેશન્સ કોર્ટે સાપરાધ મનુષ્યવધના ગુનામાં પાંચ વર્ષની સજા ફટકારી હતી.
જાેકે, વિસ્યમે સેશન્સ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો, અને હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપે તે પહેલા જ તેણે જે યુવકોને પોતે ૨૦૧૩માં ઉડાવી માર્યા હતા તેમના પરિવારજનો સાથે સમાધાન કરી લીધું હતું, જેથી બંને મૃતકોના પરિવારોએ વિસ્મયની અપીલનો વિરોધ નહોતો કર્યો. જાેકે, હાઈકોર્ટે વિસ્યમ દ્વારા મૃતકોના પરિવારજનો સાથે કરાયેલા સમાધાનને ફગાવી દઈને તેને નીચલી કોર્ટ દ્વારા ફટકારાયેલી પાંચ વર્ષની સજા બરકરાર રાખી હતી. હાઈકોર્ટમાંથી કોઈ રાહત ના મળતા વિસ્મયે ૨૦૨૦માં અપીલ કરી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે પણ તેની અપીલને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં તો વિસ્મય દ્વારા એવું જણાવાયું હતું કે તેણે મૃતક શિવમ અને રાહુલના પરિવારજનોને દોઢ-દોઢ કરોડ રૂપિયા ચૂકવીને સમાધાન કરી લીધું છે અને જાે કોર્ટ તરફથી તેને સજામાં રાહત આપવામાં આવે તો બંને મૃતકોના પરિવારજનોને કોઈ વાંધો નથી. જાેકે, સુપ્રીમ કોર્ટના જજે એવું કહીને વિસ્મયને રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો કે તમે પૈસા ખર્ચીને ન્યાય ના ખરીદી શકો.
૨૦૧૩માં બે લોકોના જીવ લેનારા વિસ્મયની ધરપકડ થઈ ત્યારબાદ તેને સળંગ ૧૩ મહિના જેલમાં રહેવું પડ્યું હતું. ફરી જેલમાં ના જવું પડે તે માટે તે છેક સુપ્રીમ કોર્ટ સુધી લડ્યો હતો, પરંતુ તેને ક્યાંયથી રાહત ના મળતા પોતાની બાકીની સજા પૂરી કરવા માટે વિસ્મયે સાબમરતી સેન્ટ્રલ જેલમાં ૨૦૨૦માં સરેન્ડર કર્યું હતું. વિસ્મયના કેસમાં તેને કડકમાં કડક સજા થાય તે માટે અમદાવાદમાં લોકોએ કેન્ડલ લાઈટ માર્ચ કાઢી હતી, મૃતકોના પરિવારજનોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા, તેને જ્યારે પણ કોર્ટમાં લવાતો ત્યારે તેનો હુરિયો બોલાવવા મોટી સંખ્યામાં લોકો પહોંચી જતા હતા. જાેકે, તે જ વિસ્મયે જ્યારે પોતે કુલ ત્રણ કરોડ રૂપિયામાં મૃતકોના પરિવારજનો સાથે સમાધાન કરી લીધું હોવાનું કોર્ટમાં ઓન રેકોર્ડ જણાવ્યું ત્યારે શિવમ અને રાહુલને ન્યાય અપાવવા માટે લડી રહેલા અનેક લોકોને મોટો આંચકો લાગ્યો હતો. ધનાઢ્ય પરિવારના સંતાનોના બેફામ ડ્રાઈવિંગને કારણે નિર્દોષોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોય તેવી ઘટના અમદાવાદમાં જૂન ૨૦૨૧માં પણ બની હતી. જેમાં પર્વ શાહ નામના એક યુવકે શિવરંજની ચાર રસ્તા પર રૈનબસેરાની બહાર સૂતેલી ૩૮ વર્ષની એક મહિલા પર કાર ચઢાવી દેતાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટના બની ત્યારે પહેલા તો પોલીસે પર્વ શાહ વિરૂદ્ધ કલમ ૩૦૪(એ) હેઠળ ગુનો નોંધ્યો હતો, જેમાં માત્ર બે વર્ષની જેલની સજાની જાેગવાઈ હતી.
આ કેસમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા બાદ ખાસ્સો હોબાળો થતાં આખરે પાછળથી સાપરાધ મનુષ્યવધનો ગુનો પર્વ શાહ વિરૂદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ૧૦ વર્ષની સજાની જાેગવાઈ છે. નવેમ્બર ૨૦૨૧માં પર્વ શાહને ગુજરાત હાઈકોર્ટે જામીન પર મુક્ત કરવા માટે આદેશ કર્યો હતો, તેના કેસની ટ્રાયલ હાલ મિર્ઝાપુર સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. તેવી જ રીતે ૨૦૧૫માં અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં ૧ જૂન ૨૦૧૫ના રોજ એક SUV ઘૂસી જતાં બે લોકોના મોત થયા હતા જ્યારે ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત કરવાનો જેના પર આરોપ હતો તે અહેમદ પઠાણ ગાડીને ત્યાં જ છોડીને ભાગી ગયો હતો. જાેકે, બે મહિનામાં તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા, અને તેને ભાગવામાં મદદ કરનારા તેના એક દોસ્ત ફેનિલ શાહને ગયા વર્ષે આ કેસમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયો હતો. માત્ર યુવકો જ બેફામ ડ્રાઈવિંગ કરીને લોકોને અડફેટે લે છે તેવું નથી, અમદાવાદમાં ૧ જાન્યુઆરી ૨૦૧૨માં લબ્ધી શાહ નામની ૧૯ વર્ષની યુવતીએ પોતાની કારથી ડ્રાઈવ-ઈન રોડ પર આવેલા ઈન્દ્રપ્રસ્થ ટાવર નજીક ત્રણ વાહનોને ટક્કર મારી હતી, જેમાં ગૌરવ રાજ્યગુરુ નામના ૨૪ વર્ષના યુવકનું મોત થયું હતું. જ્યારે એક યુવતી સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત થયો ત્યારે ન્યૂયરનો દિવસ હતો, અને લબ્ધી શાહ સવારે પાંચ વાગ્યાની આસપાસ પોતાના ઘરે જઈ રહી હતી. જાેકે, ઈન્દ્રપ્રસ્થ ટાવર આગળ એક વળાંકમાં તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેની કારે એક રિક્ષા, કાર અને બાઈકને ટક્કર મારી હતી. ત્યારબાદ તેની કાર ડિવાઈડરને અથડાતા તેના બંને દરવાજા લોક થઈ ગયા હતા, અને લબ્ધીને આખરે ફ્રંટ વિન્ડસ્ક્રીન તોડીને બહાર કાઢવામાં આવી હતી.
અકસ્માત થયો ત્યારે લબ્ધી નશાની હાલતમાં હતી કે કેમ તે જાણવા માટે પોલીસે તેનો બ્લડ રિપોર્ટ પણ કઢાવ્યો હતો. તે વખતે પોલીસે લબ્ધી શાહની બેદરકારીથી વાહન ચલાવી કોઈનું મોત નીપજાવવાના આરોપ હેઠળ ધરપકડ કરી હતી, જાેકે છ વર્ષ બાદ કોર્ટે લબ્ધી શાહને શંકાનો લાભ આપીને છોડી દીધી હતી. સમગ્ર ગુજરાતમાં ભલે હાલ અમદાવાદમાં એસજી હાઈવે પર થયેલા અકસ્માતની હોય, પરંતુ ભૂતકાળમાં પણ લોકોની બેદરકારીનો ભોગ નિર્દોષ લોકોએ બનવું પડ્યું છે, અને કદાચ ભવિષ્યમાં પણ ગાડીઓને રોકેટની જેમ ઉડાવતી બડે બાપ કી બીગડી ઔલાદ નિર્દોષોના જીવ લેતી રહેશે. અકસ્માત થાય ત્યારે સરકાર, પોલીસ અને આપણે સૌ જાણે ગાઢ નિંદ્રામાંથી સફાળા જાગીએ છીએ, થોડા દિવસો સુધી તેની ચિંતા પણ કરીએ છીએ પરંતુ સમયની સાથે આ બધુંય ભૂલાઈ જાય છે.
માત્ર હિટ એન્ડ રન જ નહીં, રસ્તા પર રખડતા ઢોરોની અડફેટે આવીને કે પછી દર ચોમાસામાં પડી જતાં મોટા-મોટા ખાડાને કારણે પણ અનેક વાહનચલાકોને પોતાના જીવ ગુમાવવા પડે છે. પોલીસની હાજરી હોય કે ના હોય, પરંતુ ટ્રાફિકના નિયમનો ભંગ કરનારો કોઈ બચી ના શકે તે માટે ઠેર-ઠેર કેમેરા પણ લગાવાયા છે, પરંતુ જ્યારે ક્યાંક અકસ્માત થાય ત્યારે જ આપણને ખબર પડે છે કે આ તે જગ્યા પર લાગેલા કેમેરા તો ખાલી શોપીસ જ હતા! આપણા રાજ્યમાં અને દેશમાં રોડ એક્સિડન્ટમાં દર વર્ષે હજારો લાખો લોકોના મોત થાય છે, જેમાં સૌથી વધુ લોકો ઓવરસ્પીડિંગ અને રોંગ સાઈડમાં વાહન ચલાવવાને કારણે મરે છે પરંતુ જ્યાં સુધી પોતાની સાથે કોઈ અણબનાવ ના બને ત્યાં સુધી જાણે કોઈ સુધરવાનું નામ લેવા તૈયાર જ નથી!