અમેરિકામાં ૨૨ અબજ ડોલરના વિઝા કૌભાંડનો પર્દાફાશ: ગ્રીન કાર્ડ પ્રોસેસિંગ રોકાતાં આઈટી કંપનીઓને મોટો આંચકો
અમેરિકી શ્રમ વિભાગે (US Department of Labor) વિદેશી કર્મચારીઓને ગ્રીન કાર્ડ અપાવવા માટેના અત્યંત મહત્વપૂર્ણ એવા ‘પરમાનેન્ટ લેબર સર્ટિફિકેશન’ (PERM) પ્રોગ્રામમાંથી આઈટી ક્ષેત્રની ૮ અગ્રણી કંપનીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે. વોશિંગ્ટનમાં યોજાયેલી એક ખાસ પત્રકાર પરિષદ દરમિયાન અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ (JD Vance) અને શ્રમ સચિવ કીથ સોન્ડરલિંગે (Keith Sonderling) આ કડક નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી. આ કાર્યવાહીની ચપેટમાં ભારતીય આઈટી દિગ્ગજો ઈન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો અને એચસીએલ ઉપરાંત ફ્રેન્ચ કંપની કેપજેમિની તેમજ માઈક્રોસોફ્ટ અને એડોબ જેવી અમેરિકી ટેક પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે.

શું છે સમગ્ર મામલો અને સસ્પેન્શનનું કારણ?
અમેરિકામાં કાર્યરત ટેકનોલોજી કંપનીઓ H-1B વિઝા ધારક વિદેશી કર્મચારીઓને કાયમી રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ (Employment-Based Green Card) સ્પોન્સર કરવા માટે PERM પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. નિયમ અનુસાર, કંપનીઓએ સરકાર સમક્ષ એ સાબિત કરવું પડે છે કે સંબંધિત જગ્યા માટે સ્થાનિક અમેરિકી નાગરિકો ઉપલબ્ધ નથી અને વિદેશી કર્મચારીઓની ભરતીથી અમેરિકી કર્મચારીઓના વેતન કે કામ કરવાની સ્થિતિ પર કોઈ નકારાત્મક અસર નહીં પડે.
અમેરિકી સરકારના ‘પ્રોજેક્ટ ફાયરવોલ’ અને ‘એન્ટી-ફ્રોડ ટાસ્ક ફોર્સ’ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ટેક સેક્ટરમાં આશરે ૨૨ અબજ ડોલરના મોટા વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકારી એજન્સીઓનો આક્ષેપ છે કે આ કંપનીઓ ઓછા વેતને વિદેશી શ્રમિકોને નોકરીએ રાખવા માટે જાણી જોઈને એવી રીતે જાહેરાતો (Job Ads) આપતી હતી જેથી અમેરિકી નાગરિકો અરજી જ ન કરી શકે. ત્યારબાદ સ્થાનિક ઉમેદવારો ન મળવાનું બહાનું બતાવીને સસ્તા દરે વિદેશી કર્મચારીઓને સ્પૉન્સર કરવામાં આવતા હતા.
વિઝા કૌભાંડ અને અમેરિકી સરકારનું કડક વલણ
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, માઈક્રોસોફ્ટ જેવી જાણીતી કંપનીઓ પણ PERM સર્ટિફિકેશન માટે અરજી કરતી વખતે શ્રમ વિભાગ સમક્ષ ખોટા દાવા કરતી હતી. યુએસ સરકારે આ ક્રિયાને અમેરિકી લેબર માર્કેટના નિયમો સાથે ખુલ્લી ધોખાધડી ગણાવી છે. પત્રકાર પરિષદમાં ઉપપ્રમુખ જેડી વેન્સે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “અમેરિકી નાગરિકોની છંટકૂચ કરીને તેમની જગ્યાએ સસ્તા વિદેશી કામદારોને ગોઠવવાની નીતિ હવે સહન કરવામાં નહીં આવે.” અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ અંગેની સમગ્ર તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ કંપનીઓ માટે ગ્રીન કાર્ડ સર્ટિફિકેશન પ્રોગ્રામ બ્લોક જ રહેશે.

માઈક્રોસોફ્ટ અને ટીસીએસનો પક્ષ
આ મામલે સફાઈ આપતા માઈક્રોસોફ્ટે જણાવ્યું છે કે વિગતવાર નાણાકીય વર્ષમાં તેમના દ્વારા દાખલ કરાયેલી ૬,૦૦૦ H-1B વિઝા અરજીઓમાંથી ૮૦% અરજીઓ માત્ર હાલના કર્મચારીઓનો સ્ટેટસ વધારવા કે બદલવા માટે હતી, નવી ભરતી માટે નહીં. કંપનીએ દાવો કર્યો છે કે અમેરિકામાં તેમના મોટાભાગના કર્મચારીઓ સ્થાનિક નાગરિકો જ છે અને વિદેશી કર્મચારીઓને પણ અમેરિકી કર્મચારીઓ જેટલું જ વેતન અને સુવિધાઓ આપવામાં આવે છે. માઈક્રોસોફ્ટે તપાસમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે.
બીજી તરફ, ભારતની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ યુએસ શ્રમ વિભાગના તમામ નિર્દેશોનું પાલન કરશે. TCS એ સ્પષ્ટતા કરી છે કે અમેરિકામાં તેમની વ્યૂહરચના સ્થાનિક ટેલેન્ટ અને કેમ્પસ રિક્રુટમેન્ટ પર આધારિત છે. યુએસ સ્થિત ૩૧ ઓફિસોમાં મોટા પ્રમાણમાં સ્થાનિક કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને આગામી ૫ વર્ષમાં વધુ ૧૫,૦૦૦ સ્થાનિક લોકોની ભરતી કરવાનો તેમનો લક્ષ્યાંક છે. કંપની અનુસાર, છેલ્લા બે વર્ષમાં તેમના PERM અરજીઓની સંખ્યા નગણ્ય હતી, તેથી આ સસ્પેન્શનથી તેમના દૈનિક કામકાજ કે ઓપરેશન્સ પર કોઈ વિપરીત અસર નહીં પડે.
