યુપીઆઈ યુઝર્સ માટે મોટા સમાચાર: ₹2,000 થી વધુના ચૂકવણા પર મરચંટ ચાર્જ, ગ્રાહકોને થશે અસર?
ડિજિટલ પેમેન્ટ સેવા યુપીઆઈ (UPI) નો ઉપયોગ કરનારા કરોડો ભારતીયો માટે એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે. અત્યાર સુધી દેશમાં યુપીઆઈ દ્વારા નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવું સામાન્ય રીતે તદ્દન મફત હતું. પરંતુ 15 ઓક્ટોબર 2026 થી અમલી બનનારા નવા નિયમો અનુસાર, કેટલાક મોટા મરચંટ (વેપારી) ટ્રાન્ઝેક્શન પર મરચંટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાદવામાં આવશે.

જો તમે પણ કરિયાણાની દુકાને, પેટ્રોલ પંપ પર, રેલવે ટિકિટ બુક કરાવતી વખતે કે લાઈટ-પાણીનું બિલ ભરતી વખતે યુપીઆઈ પેમેન્ટ કરો છો, તો આ નવા ટેક્સના નિયમો, તેના દરો અને તે કોણે ચૂકવવાનો રહેશે તે જાણવું ખૂબ જ જરૂરી છે.
સામાન્ય નાગરિકો અને વ્યક્તિગત ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત
નવા નિયમો મુજબ, દરેક યુપીઆઈ પેમેન્ટ પર ટેક્સ અથવા ચાર્જ લાગવાનો નથી. જો તમે તમારા મિત્રો, સગા-સંબંધીઓ કે પરિવારના સભ્યોને નાણાં મોકલો છો (Person to Person – P2P), તો તે સેવા પહેલાંની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે. આ ઉપરાંત, કોઈ દુકાનદાર કે વેપારીને ₹2,000 સુધીનું પેમેન્ટ કરવા પર પણ કોઈ MDR ચાર્જ લાગશે નહીં. નાના દુકાનદારો માટે પણ આ ચાર્જમાંથી મુક્તિ રાખવામાં આવી છે.
₹2,000 થી વધુના મરચંટ પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે?
નવા નિયમ અનુસાર, જ્યારે કોઈ ગ્રાહક વેપારીને (Person to Merchant – P2M) ₹2,000 થી વધુનું યુપીઆઈ પેમેન્ટ કરશે, ત્યારે તે ટ્રાન્ઝેક્શન પર 0.4% ના દરે MDR લાગુ થશે.
દાખલા તરીકે, જો તમે કોઈ વેપારીને ₹5,000 નું યુપીઆઈ ચૂકવણું કરો છો, તો 0.4% ના હિસાબે ₹20 નો MDR ચાર્જ બનશે. જોકે, મોટા ટ્રાન્ઝેક્શન માટે સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. ₹75,000 કે તેથી વધુ રકમના ટ્રાન્ઝેક્શન પર આ ચાર્જની મહત્તમ મર્યાદા (Cap) ₹300 નક્કી કરવામાં આવી છે, એટલે કે ગમે તેટલી મોટી રકમ હોય તો પણ MDR ₹300 થી વધુ નહીં હોય.
શું ગ્રાહકોના ખિસ્સા પર બોજ પડશે?
સૌથી મોટો અને મહત્વનો સવાલ એ છે કે શું આ ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે? તો જવાબ છે – ના. MDR એ ગ્રાહકો પર લાદવામાં આવતો ચાર્જ નથી, પરંતુ તે વેપારી અને પેમેન્ટ પ્રોસેસિંગ બેંકો વચ્ચેનો આંતરિક વ્યવસાયિક ચાર્જ છે.

સરકારે બેંકો અને વેપારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે દુકાનદારો આ ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલી શકશે નહીં. કોઈ પણ યુપીઆઈ એપને ગ્રાહક પાસેથી આ નામે વધારાના પૈસા લેવાની પરવાનગી નથી. એટલે કે જો તમે ₹5,000 ની ખરીદી કરો છો, તો તમારે માત્ર ₹5,000 જ ચૂકવવાના રહેશે, ₹5,020 નહીં.
પેટ્રોલ, રેલવે અને બિલ પેમેન્ટ માટેના ખાસ નિયમો
પેટ્રોલ-ડીઝલ, રેલવે ટિકિટ, ટેલિકોમ સેવાઓ, વીમા પ્રીમિયમ અને ઘરગથ્થુ ઉપયોગિતા બિલ (જેમ કે વીજળી અને પાણીના બિલ) માટે નિયમો થોડા અલગ અને રાહત આપનારા છે. આ આવશ્યક સેવાઓ પર ₹2,000 થી વધુના પેમેન્ટ પર 0.4% ટકાવારીને બદલે ₹5 નો ફ્લેટ (નિશ્ચિત) MDR લાગુ કરવામાં આવ્યો છે.
એટલે કે, જો તમે પેટ્રોલ પંપ પર ₹5,000 નું યુપીઆઈ પેમેન્ટ કરો છો, તો ટકાવારી મુજબ ₹20 ને બદલે માત્ર ₹5 નો જ ફ્લેટ ચાર્જ લાગશે.
નાના વેપારીઓ અને ફેરિયાઓને મોટી રાહત
સરકારે નાના દુકાનદારો અને શેરી ફેરિયાઓના હિતોનું ખાસ ધ્યાન રાખ્યું છે. જો કોઈ નાનો વેપારી કે સ્ટ્રીટ વેન્ડર યુપીઆઈ ક્યુઆર (QR) કોડ દ્વારા મહિનામાં ₹1 લાખ સુધીનું ટર્નઓવર કરે છે અને P2PM કેટેગરીમાં આવે છે, તો તેના માટે ઝીરો MDR નો નિયમ ચાલુ રહેશે. આનાથી નાના શાકભાજી વાળા, પાનના ગલ્લા કે નાના વેપારીઓ આ ચાર્જમાંથી મુક્ત રહેશે.
