બીપી કંટ્રોલ કરવાનો કુદરતી રસ્તો: જાણી લો આ 10 શાકભાજી જે રાખશે તમારા હૃદયને તંદુરસ્ત
આજના સમયમાં હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન) ની સમસ્યા દરેક ઉંમરના લોકોમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે. જો લાંબા સમય સુધી બ્લડ પ્રેશર નિયંત્રણમાં ન રહે, તો હાર્ટ એટેક, સ્ટ્રોક, કિડનીની બીમારી અને આંખોને નુકસાન થવાનું જોખમ વધી જાય છે.
તબીબી સારવાર અને દવાઓની સાથે યોગ્ય આહાર પણ બીપીને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને કેટલાક શાકભાજીમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર અને નાઈટ્રેટ્સ જેવા પોષક તત્વો રક્તવાહિનીઓને આરામ આપીને બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરતા 10 મુખ્ય શાકભાજી
પાલક (Spinach): પાલકમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને નાઈટ્રેટ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ તત્વો શરીરમાંથી વધારાનું સોડિયમ (મીઠું) બહાર કાઢવામાં અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
બીટ (Beetroot): બીટ કુદરતી નાઈટ્રેટ્સનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. શરીરમાં ગયા પછી નાઈટ્રેટ્સ ‘નાઈટ્રિક ઓક્સાઈડ’ માં રૂપાંતરિત થાય છે, જે રક્તવાહિનીઓને પહોળી કરીને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે.
મેથી (Fenugreek): મેથીના પાંદડામાં ફાઈબર, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે.
બ્રોકોલી (Broccoli): વિટામિન-સી, ફાઈબર અને મેગ્નેશિયમથી ભરપૂર બ્રોકોલી રક્તવાહિનીઓની કાર્યક્ષમતા વધારે છે.
દૂધી (Bottle Gourd): દૂધીમાં પાણીનું પ્રમાણ વધુ અને સોડિયમ નહિવત હોય છે. તે શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે બીપી કંટ્રોલ કરે છે.
ટમેટા (Tomatoes): ટમેટામાં રહેલું ‘લાઈકોપીન’ નામનું એન્ટીઓક્સિડન્ટ અને પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.
ગાજર (Carrots): ગાજરમાં રહેલા પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ રક્તવાહિનીઓ પરનું દબાણ ઘટાડે છે.
શક્કરીયા (Sweet Potatoes): શક્કરીયામાં રહેલું પોટેશિયમ સોડિયમની આડઅસરોને ઓછી કરવામાં મદદ કરે છે.
કોબીજ (Cabbage): ફાઈબર અને વિટામિન-કે થી ભરપૂર કોબીજ હાઈ બીપીનું જોખમ ઘટાડે છે.
સરગવો (Drumstick): સરગવાની શીંગો અને પાંદડા બંને પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, જે રક્તપ્રવાહ સુધારે છે.

શા માટે ફાયદાકારક છે આ શાકભાજી?
મેયો ક્લિનિક (Mayo Clinic) ના અહેવાલ મુજબ, આ શાકભાજીમાં રહેલું પોટેશિયમ પેશાબ દ્વારા શરીરમાંથી નકામું સોડિયમ બહાર ફેંકવામાં મદદ કરે છે. મેગ્નેશિયમ રક્તવાહિનીઓની દિવાલોને શિથિલ (Relaxe) કરે છે અને ફાઈબર કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયની સુરક્ષા કરે છે.
ટીપ: આ શાકભાજીને ખૂબ જ ઓછા તેલ અને ઓછા મીઠામાં પકાવીને ખાવાથી તેનો મહત્તમ લાભ મળે છે.
માત્ર શાકભાજી ખાવા પૂરતા નથી: જીવનશૈલીમાં કરો આ ફેરફાર
હાઈ બ્લડ પ્રેશરને લાંબા ગાળા સુધી નિયંત્રણમાં રાખવા માટે માત્ર આહાર પૂરતો નથી. આ સાથે કેટલીક તંદુરસ્ત આદતો અપનાવવી જરૂરી છે:
મીઠાનો મર્યાદિત ઉપયોગ: ખોરાકમાં મીઠું (સોડિયમ) ઓછું કરો.
નિયમિત કસરત: રોજ 30 મિનિટ ચાલવું કે હળવી કસરત કરવી.
તણાવમુક્ત રહેવું: પૂરતી ઊંઘ લો અને યોગ કે ધ્યાન કરો.
દવાઓ ચાલુ રાખવી: ડૉક્ટરની સલાહ વગર બીપીની દવાઓ ક્યારેય બંધ ન કરવી.
