ટાટા સન્સ શેરબજારમાં લિસ્ટ થશે કે નહીં? 26 નવેમ્બરની બેઠક પહેલાં RBIએ વલણ સ્પષ્ટ કર્યું
ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના IPOને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ટાટા સન્સ એક અપર લેયર નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) હોવાથી તેણે લિસ્ટિંગ સહિત લાગુ પડતા તમામ નિયમોનું પાલન કરવું પડશે. 16 નવેમ્બરે કંપનીને મોકલવામાં આવેલા પત્રમાં RBIએ પોતાનું વલણ ફરી સ્પષ્ટ કર્યું છે. આ ઘટનાથી ટાટા ગ્રુપમાં ચર્ચાઓ વધુ તેજ બની છે.

RBIએ ટાટા સન્સને પત્ર લખીને શું કહ્યું?
RBIએ ટાટા સન્સના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) સૌરભ અગ્રવાલને લખેલા પત્રમાં અગાઉના પત્રવ્યવહારનો ઉલ્લેખ કર્યો છે. 6 ઓક્ટોબર 2026ના રોજ ટાટા સન્સે કેન્દ્રીય બેંક પાસે નિયમો અંગે માર્ગદર્શન અને સ્પષ્ટતા માગી હતી. કંપની જાણવા માગતી હતી કે કાયદાકીય અને નિયમનકારી જોગવાઈઓનું યોગ્ય પાલન કરવા માટે તેને કયા પગલાં લેવા પડશે. હવે તેના જવાબમાં RBIએ જણાવ્યું છે કે કંપનીએ લિસ્ટિંગ સહિત તમામ લાગુ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
26 નવેમ્બરની બોર્ડ બેઠક પહેલાં ટાટા ગ્રુપમાં હલચલ
RBIનો આ પત્ર ટાટા સન્સની 26 નવેમ્બર 2026ના રોજ યોજાનારી મહત્વપૂર્ણ બોર્ડ બેઠકના માત્ર 10 દિવસ પહેલાં આવ્યો છે. આ બેઠકમાં કંપનીના ભવિષ્ય અને લિસ્ટિંગના મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. ટાટા સન્સમાં લગભગ 66 ટકા હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટા IPOના વિરોધમાં છે. બીજી તરફ, કંપનીના ચેરમેન એન. ચંદ્રશેખરન, લઘુમતી શેરધારક શાપૂરજી પલોનજી ગ્રુપ અને જિમી ટાટા લિસ્ટિંગના સમર્થનમાં હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
આખરે ટાટા સન્સ માટે લિસ્ટિંગ કેમ ફરજિયાત બન્યું?
RBIએ સપ્ટેમ્બર 2022માં ટાટા સન્સને અપર લેયર NBFCની શ્રેણીમાં સામેલ કરી હતી. આ વર્ગીકરણ હેઠળ કંપની માટે ત્રણ વર્ષની અંદર એટલે કે 30 સપ્ટેમ્બર 2025 સુધી શેરબજારમાં લિસ્ટિંગ કરાવવું ફરજિયાત હતું. જોકે, લિસ્ટિંગની જવાબદારીમાંથી બચવા માટે ટાટા સન્સે પોતાનું દેવું ચૂકવ્યું હતું. ત્યારબાદ માર્ચ 2024માં કંપનીએ કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની (CIC)નું રજિસ્ટ્રેશન સરેન્ડર કરવાની અરજી કરી હતી. પરંતુ RBIએ 11 સપ્ટેમ્બર 2026ના રોજ આ અરજી ફગાવી દીધી હતી.
નોએલ ટાટા IPOનો વિરોધ કેમ કરી રહ્યા છે?
ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટા કંપનીનું IPO લાવવાના પક્ષમાં નથી. તેમનું માનવું છે કે ટાટા ગ્રુપની લગભગ 150 વર્ષ જૂની પરોપકારી પરંપરા અને કાર્યશૈલી જળવાઈ રહેવી જોઈએ. ટાટા ગ્રુપમાં નફા કરતાં સમાજસેવા અને પરોપકારને મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ કંપની શેરબજારમાં લિસ્ટ થશે તો હજારો નવા શેરધારકો જોડાશે. આવી સ્થિતિમાં કંપની પર દરેક ત્રિમાસિક ગાળામાં નફો અને નાણાકીય પરિણામો સુધારવાનું દબાણ વધી શકે છે.

IPOના કારણે ટાટા ગ્રુપની કામગીરી પર શું અસર થઈ શકે?
નોએલ ટાટાની બીજી મોટી ચિંતા એ છે કે લિસ્ટિંગ થયા બાદ ટાટા સન્સની નાણાકીય સ્વતંત્રતા ઘટી શકે છે. હાલમાં કંપની ગ્રુપની નુકસાન કરતી અથવા નવી શરૂ થયેલી કંપનીઓને જરૂરિયાત મુજબ આર્થિક સહાય આપી શકે છે. પરંતુ શેરબજારમાં લિસ્ટિંગ થયા પછી આવા નિર્ણયો લેતી વખતે બહારના શેરધારકોના હિત અને નિયમોનું ધ્યાન રાખવું પડશે. બીજી તરફ, લિસ્ટિંગના સમર્થકો માને છે કે તેનાથી પારદર્શિતા અને જવાબદારી વધશે. હવે 26 નવેમ્બરની બોર્ડ બેઠકમાં શું નિર્ણય લેવાય છે તેના પર રોકાણકારો અને સમગ્ર ઉદ્યોગજગતની નજર રહેશે.
