Supreme Court: ખાનગી મેડિકલ કોલેજની ફી: સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, જાણો શું છે કારણ?
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની ખાનગી મેડિકલ કોલેજોમાં વસૂલાતી ઊંચી ફી અંગેની એક મહત્વપૂર્ણ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ જૉયમાલ્યા બાગચીની ખંડપીઠે આ મામલે સ્પષ્ટ કર્યું કે ખાનગી શિક્ષણ સંસ્થાઓની ફી અને સરકારી સંસ્થાઓની ફીની સરખામણી કરી શકાય નહીં.

શું હતો સમગ્ર વિવાદ?
રાજસ્થાન હાઈકોર્ટના એક આદેશને પડકારતી આ વિશેષ પરવાનગી અરજી (SLP) એક મેડિકલ ઉમેદવાર દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદારની મુખ્ય દલીલ એ હતી કે રાજસ્થાનની ખાનગી મેડિકલ કોલેજોમાં વાર્ષિક ફી 18.90 લાખ રૂપિયાથી લઈને 25 લાખ રૂપિયા સુધીની છે. અરજદારના મતે, આ ફીનું માળખું આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે નિર્ધારિત 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદા સાથે મેળ ખાતું નથી. અરજદારે દલીલ કરી હતી કે ફી નિયમનકારી સમિતિએ એવી ફી નક્કી કરવી જોઈએ જે તાર્કિક હોય અને ગરીબ વિદ્યાર્થીઓની આર્થિક ક્ષમતાને અનુરૂપ હોય.
સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ વલણ
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “કોઈ પણ વ્યક્તિ એવું ન કહી શકે કે ખાનગી સંસ્થાઓએ સરકારી સંસ્થાઓની સમકક્ષ જ ફી લેવી જોઈએ.” કોર્ટે ઉમેર્યું કે, ખાનગી સંસ્થાઓ (Self-financed) હોય છે, તેથી તેમની ફીનું માળખું સરકારી સંસ્થાઓ સાથે સરખાવી શકાતું નથી.
અરજદારના વકીલે ફીના આકરા બોજ વિશે વાત કરી ત્યારે કોર્ટે ટકોર કરી હતી કે, દેશમાં શિક્ષણ સહાય અને સ્કોલરશીપના વિકલ્પો ઉપલબ્ધ હોય છે, જેનો લાભ વિદ્યાર્થીઓ મેળવી શકે છે. કોર્ટે અંતે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કરતા કહ્યું કે, “આપણને આ દેશમાં ડોક્ટરોની જરૂર છે.” કોર્ટે અરજી ફગાવી દીધી, પરંતુ જો કાયદાકીય પાસાંનો કોઈ ગંભીર મુદ્દો હોય તો તે અંગે ભવિષ્યમાં વિચારણા થઈ શકે છે તેવી છૂટ આપી હતી.

શિક્ષણ અને આર્થિક પડકારોનું સંતુલન
આ ચુકાદો મેડિકલ શિક્ષણ ક્ષેત્રે એક મોટી ચર્ચા જગાવે છે. એક તરફ જ્યાં દેશને હજારો ડોક્ટરોની જરૂર છે, તો બીજી તરફ ખાનગી કોલેજોની ગગનચુંબી ફી સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એક મોટો અવરોધ છે. ઈડબલ્યુએસ (EWS) શ્રેણીના વિદ્યાર્થીઓ માટે મેડિકલનું શિક્ષણ મેળવવું એ આજના સમયમાં એક આર્થિક કસોટી સમાન બન્યું છે.
જોકે, સુપ્રીમ કોર્ટનું વલણ દર્શાવે છે કે સંસ્થાકીય સ્વાયત્તતા અને નાણાકીય મોડેલના કાયદાકીય પાસાંઓને ધ્યાનમાં લેતા, કોર્ટ ફીના માળખામાં સીધો હસ્તક્ષેપ કરી શકતી નથી. ખાનગી સંસ્થાઓના સંચાલન માટે જે મૂડી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોય છે, તે ફી દ્વારા જ ઉભું કરવામાં આવે છે.
