સ્પાઇસજેટના સારા દિવસો શરૂ? NCLT માં લીઝર કંપની સાથેનો વિવાદ ઉકેલાયો, જાણો બાકીના કેસો પર શું થશે અસર
લાંબા સમયથી નાણાકીય કટોકટી અને કાનૂની વિવાદોનો સામનો કરી રહેલી અગ્રણી ભારતીય એરલાઇન કંપની ‘સ્પાઇસજેટ’ (SpiceJet) માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ સ્પાઇસજેટના પક્ષમાં એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. એરક્રાફ્ટ લીઝર (વિમાન ભાડે આપનાર) કંપની ‘એવિયેટર એમએલ’ (Aviator ML) એ સ્પાઇસજેટ સામે દાખલ કરેલી પોતાની ઇન્સોલ્વન્સી (દિવાળિયાપણું) અરજી સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. અરજી પરત ખેંચાતાં ટ્રિબ્યુનલે આ કેસને સંપૂર્ણપણે રદ કરીને તેનો નિકાલ કર્યો છે, જેને સ્પાઇસજેટ મેનેજમેન્ટે પોતાના સંકટના સમયના અંતની શરૂઆત ગણાવીને આવકાર્યો છે.

ઓપરેશન અને સેવાઓ પર પડશે હકારાત્મક અસર
કોઈપણ એરલાઇન માટે કાનૂની વિવાદો તેના દૈનિક કામકાજ (Operations) અને ફ્લાઇટ શિડ્યુલ પર સીધી નકારાત્મક અસર પાડે છે. સ્પાઇસજેટે ખુલ્લા મનથી સ્વીકાર્યું છે કે કંપની છેલ્લા કેટલાક સમયથી અત્યંત મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. આવી સ્થિતિમાં લીઝર કંપની દ્વારા કેસ પાછો ખેંચવો એ એરલાઇન માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે. સ્પાઇસજેટના જણાવ્યા અનુસાર, NCLT નો આ આદેશ પેન્ડિંગ કેસોને ઉકેલવાની દિશામાં એક ખૂબ જ સકારાત્મક પગલું છે. કાનૂની ગૂંચવણો ઓછી થતાં જ એરલાઇન હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન ગ્રાહક સેવાઓ અને ફ્લાઇટ સુવિધાઓ સુધારવા પર કેન્દ્રિત કરી શકશે.
બાકી રહેલા 7 દાવો પર શું રહેશે આગામી રણનીતિ?
જોકે, સ્પાઇસજેટની કાનૂની મુશ્કેલીઓનો સંપૂર્ણ અંત આવ્યો નથી. એવિયેટર એમએલનો કિસ્સો ઉકેલાયા પછી પણ કંપની સામે 7 અન્ય ઇન્સોલ્વન્સી અરજીઓ અને દાવો હજુ પણ NCLT સમક્ષ પેન્ડિંગ છે. ટ્રિબ્યુનલ હવે આ બાકી રહેલા સાત કિસ્સાઓ પર કાયદાકીય પ્રક્રિયા અનુસાર નવા સિરેથી સુનાવણી હાથ ધરશે.
પરંતુ વર્તમાન નિર્ણયથી ઉત્સાહિત સ્પાઇસજેટે એક નવી અને હકારાત્મક રણનીતિ અપનાવી છે. એરલાઇન મેનેજમેન્ટનું કહેવું છે કે તેઓ કોર્ટની બહાર પણ પોતાના તમામ ભાગીદારો અને લીઝર્સ સાથે પરસ્પર વાટાઘાટો અને સંમતિથી આ બાકીના વિવાદોનો સંતોષકારક ઉકેલ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે.
વિમાનોની સંખ્યા વધારવા અને ફ્લાઇટ્સ વધારવા પર ફોકસ
એવિએશન માર્કેટમાં જેટલી વધુ એરલાઇન્સ મજબૂત સ્થિતિમાં હશે, મુસાફરો માટે ફ્લાઇટ્સના વિકલ્પો એટલા જ વધશે અને એર ફેર (હવાઈ ભાડાં) પણ અંકુશમાં રહેશે. સ્પાઇસજેટે સ્પષ્ટ કર્યું છે કે વીતેલા સમયની આર્થિક અને કાનૂની મુશ્કેલીઓને પાછળ છોડીને હવે તેમનું પ્રાથમિક લક્ષ્ય એરલાઇનને ફરીથી પોતાના પગભર કરવાનું છે. આ માટે કંપની પોતાના ગ્રાઉન્ડેડ (બંધ પડેલા) વિમાનોને ટૂંક સમયમાં ફરીથી આકાશમાં ઉડાવવાની સાથે સાથે વિમાનોના કાફલામાં વધારો કરવા પર ભાર મૂકી રહી છે.
