Power Banks: પાવર બેંકમાં બ્લાસ્ટ થવાનું ટેન્શન ખતમ! આવી ગયા Solid-State Battery પાવર બેંક, જાણો તેના ફાયદા અને ગેરફાયદા
સ્માર્ટફોનના આ યુગમાં પાવર બેંક (Power Bank) એક અત્યંત મહત્વની અને ઉપયોગી એક્સેસરી બની ગઈ છે. ખિસ્સામાં કે બેગમાં પાવર બેંક હોય એટલે ફોન ડિસ્ચાર્જ થવાની ચિંતા સાવ ગાયબ થઈ જાય છે. તમે ચાહે પહાડોની સહેલાણી કરી રહ્યા હોવ કે દરિયા કિનારે બેઠા હોવ, પાવર બેંકની મદદથી ગમે ત્યાં ફોનને સરળતાથી ચાર્જ કરી શકાય છે. જો કે, પાવર બેંકના જેટલા ફાયદા છે, તેટલી જ તેની સાથે સુરક્ષાની ચિંતાઓ પણ જોડાયેલી છે.

હાલમાં માર્કેટમાં મળતા મોટાભાગના પાવર બેંક ‘લિથિયમ-આયન’ (Lithium-ion) ટેક્નોલોજી પર કામ કરે છે, જે ખૂબ જ જલ્દી આગ પકડી શકે છે. તાજેતરના સમયમાં ફ્લાઈટ (પ્લેન) ની અંદર પાવર બેંકમાં બ્લાસ્ટ થવાની કે આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ જ ગંભીર સમસ્યાના ઉકેલ તરીકે હવે બજારમાં સોલિડ સ્ટેટ બેટરી (Solid-State Battery) વાળા પાવર બેંક આવી ગયા છે, જે સુરક્ષાની તમામ ચિંતાઓ દૂર કરવાની સાથે અદભુત ફાયદાઓ પણ આપે છે.
સોલિડ સ્ટેટ બેટરી (Solid-State Battery) પાવર બેંક કેવી રીતે કામ કરે છે?
આ નવી ટેક્નોલોજીને સમજવા માટે પરંપરાગત બેટરીની સિસ્ટમ જાણવી જરૂરી છે:
જૂની પદ્ધતિ: સામાન્ય રિચાર્જેબલ બેટરીમાં ઇલેક્ટ્રોડ્સ વચ્ચે ઇલેક્ટ્રોન્સને ટ્રાન્સફર કરવા માટે લિક્વિડ (પ્રવાહી) અથવા જેલ જેવા ઇલેક્ટ્રોલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. આ લિક્વિડ વધુ ગરમ થવા પર બ્લાસ્ટ થવાનું જોખમ રહે છે.
નવી સોલિડ સ્ટેટ પદ્ધતિ: તેનાથી વિપરીત, સોલિડ સ્ટેટ બેટરીમાં કોઈ પણ પ્રકારના પ્રવાહીનો ઉપયોગ થતો નથી. તેના બદલે તેમાં કમ્પોઝિટ કમ્પાઉન્ડ ધરાવતા ઘન પદાર્થ એટલે કે સોલિડ મેટ્રિક્સનો ઉપયોગ થાય છે. આ બેટરીઓ બનાવવા માટે સિરામિક, સલ્ફાઇડ અને પોલીમર્સ જેવા મજબૂત પદાર્થો વપરાય છે, જે ક્યારેય લીક થતા નથી અને જેમાં આગ લાગવાનું જોખમ નહિવત હોય છે.
સોલિડ સ્ટેટ બેટરી પાવર બેંકના ૩ મુખ્ય ફાયદા
૧. પરમ સુરક્ષા અને લાંબુ આયુષ્ય: આ પાવર બેંકમાં આગ લાગવાની કે બ્લાસ્ટ થવાની શક્યતા નહિવત છે. આ ઉપરાંત, સામાન્ય લિથિયમ-આયન બેટરી સમય જતાં ફૂલી જાય છે, પરંતુ સોલિડ સ્ટેટ બેટરીમાં ફૂલવાની કોઈ સમસ્યા થતી નથી. આ કારણે તેનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે અને મુસાફરી દરમિયાન પબ્લિક યુઝ માટે તે ૧૦૦% સેફ છે.
૨. સુપર ફાસ્ટ ચાર્જિંગ: લિથિયમ-આયન બેટરીની સરખામણીમાં સોલિડ સ્ટેટ બેટરી ખૂબ જ ઝડપથી ચાર્જ થઈ જાય છે, જેનાથી યુઝર્સનો કિંમતી સમય બચે છે.
૩. નાની સાઈઝમાં વધુ પાવર (High Energy Density): આ બેટરીઓ સામાન્ય બેટરી કરતા ઓછા કદમાં વધુ પાવર સંગ્રહિત (Hold) કરી શકે છે. આ ટેક્નોલોજીના કારણે કંપનીઓ હવે એકદમ સ્લિમ અને નાની સાઈઝના પાવર બેંકમાં પણ ૨0,000 કે ૩0,000 mAh જેવી મોટી કેપેસિટી ઓફર કરી શકશે.

આ નવી ટેક્નોલોજીના કેટલાક ગેરફાયદા પણ જાણો
દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેમ સોલિડ સ્ટેટ બેટરીના અદભુત ફાયદાઓની સાથે કેટલાક માઈનસ પોઈન્ટ્સ પણ છે જેને નજરઅંદાજ ન કરી શકાય:
ખૂબ જ મોંઘી કિંમત: હાલમાં આ ટેક્નોલોજી નવી હોવાથી અને તેના ઉત્પાદનનો ખર્ચ વધુ હોવાથી, સોલિડ સ્ટેટ પાવર બેંકની કિંમત સામાન્ય લિથિયમ-આયન પાવર બેંક કરતાં ઘણી વધારે હોય છે.
૧૦૦% ભરોસો હજુ પણ મુશ્કેલ (ડેન્ડ્રાઈટની સમસ્યા): ભલે આ પાવર બેંક સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ તેમાં એક તકનીકી ખામી સર્જાઈ શકે છે જેને ‘ડેન્ડ્રાઈટ’ (Dendrite) કહેવામાં આવે છે. સ્પીડ ચાર્જિંગ દરમિયાન હાઈ ઈલેક્ટ્રિક કરંટના કારણે બેટરીની અંદર મેટાલિક ક્રેક્સ (ઝીણી તિરાડો) પડી જવાનું જોખમ રહે છે, જે બેટરીને ભવિષ્યમાં શોર્ટ સર્કિટ કરી શકે છે. જો કે, વૈજ્ઞાનિકો આ ખામીને દૂર કરવા માટે હાલમાં મોટા પાયે રિસર્ચ કરી રહ્યા છે.
જો બજેટની ચિંતા ન હોય અને મુસાફરી દરમિયાન અલ્ટીમેટ સુરક્ષા જોઈતી હોય, તો સોલિડ સ્ટેટ બેટરી પાવર બેંક આગામી સમયનું ભવિષ્ય છે.
