Supreme Court: દાનમાં ગેરરીતિનો મામલો પહોંચ્યો સર્વોચ્ચ અદાલતમાં, ટ્રસ્ટની ભૂમિકા પર સવાલો
અયોધ્યાના રામ મંદિરમાં મળેલી દાનની રકમ અને કિંમતી વસ્તુઓમાં કથિત ગેરરીતિ અને ચોરીના મામલાએ હવે કાયદાકીય વળાંક લીધો છે. આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે, જેના કારણે આ વિવાદ હવે ૧૨ જુલાઈ સુધી લંબાયો છે.

સુપ્રીમ કોર્ટનું વલણ અને પ્રશ્નો
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદારે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. અરજદારે દલીલ કરી હતી કે આ મામલો અત્યંત સંવેદનશીલ છે અને તેમાં પુરાવાઓ સાથે ચેડાં થવાની પૂરી શક્યતા રહેલી છે, તેથી વહેલી સુનાવણી જરૂરી છે.
જોકે, સુપ્રીમ કોર્ટે આ ઉતાવળ પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ બાબતે કોઈ તાત્કાલિક ઇમરજન્સી જણાતી નથી. કોર્ટે અરજદારને પૂછ્યું કે, “આટલી જલ્દી શું છે?” કોર્ટે ઉનાળુ વેકેશન બાદ જ્યારે કોર્ટ સંપૂર્ણપણે કાર્યરત થશે, ત્યારે જ આ મામલે સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. હવે આ મામલાની સુનાવણી ૧૨ જુલાઈ બાદ જ શક્ય બનશે.
અરજદારના ગંભીર આક્ષેપો
અરજદારે પોતાની પિટિશનમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટની કામગીરી અને વહીવટીતંત્રના વલણ પર ગંભીર આંગળી ચીંધી છે. અરજદારનું કહેવું છે કે, દાનના નામે કરવામાં આવેલી આ કથિત ઉચાપત માત્ર એક આર્થિક ગુનો નથી, પરંતુ કરોડો હિન્દુઓની આસ્થા સાથેનો વિશ્વાસઘાત છે. અરજદારે પિટિશનમાં એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે જો તપાસમાં વિલંબ થશે, તો મંદિરના ખાતાઓમાં રહેલા મહત્વના પુરાવાઓ અને દસ્તાવેજોને નષ્ટ કરી દેવામાં આવી શકે છે. વહીવટીતંત્રની અત્યાર સુધીની ભૂમિકાને પણ તેમણે ‘શંકાસ્પદ’ ગણાવી છે.

આસ્થા અને કાયદાકીય તપાસનો જંગ
રામ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ કરોડો લોકોની શ્રદ્ધાનું પ્રતિક છે. આવી સ્થિતિમાં, જ્યારે તેના ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગે છે, ત્યારે સમગ્ર દેશની નજર તપાસ એજન્સીઓ અને કોર્ટ પર રહે છે. એક તરફ રાજકીય દળો આ મુદ્દે સામસામે આવી ગયા છે, તો બીજી તરફ કાયદાકીય પ્રક્રિયા હવે કોર્ટના આગામી આદેશોની રાહ જોઈ રહી છે.
તપસની દ્રષ્ટિએ આ મામલો ઘણો જટિલ છે. એક બાજુ પોલીસ વિભાગ આરોપીઓની ધરપકડ અને પુરાવા એકત્રિત કરી રહ્યો છે, તો બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં આ મામલાનું પહોંચવું તે દર્શાવે છે કે આ વિવાદ આગામી સમયમાં વધુ ઘેરો બનશે.
પારદર્શિતા સામે સવાલ
આ સમગ્ર વિવાદે ભારતના મોટા ધાર્મિક ટ્રસ્ટોની પારદર્શિતા સામે પણ સવાલો ઉભા કર્યા છે. મંદિરોમાં આવતા કરોડો રૂપિયાના દાનનો ઉપયોગ અને તેની સુરક્ષા કેવી રીતે થાય છે, તે અંગે દેશભરમાં ચર્ચાઓ શરૂ થઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે, રામ મંદિર જેવા પ્રતિષ્ઠિત સંસ્થાનમાં થયેલી આ કથિત ગેરરીતિ ભવિષ્યમાં ટ્રસ્ટો માટે કડક નિયમો લાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
