RBI: રૂપિયામાં સ્થિરતા આવતા RBIનો મોટો ફેંસલો: NDF માર્કેટમાં હવે સટ્ટાખોરી પરના નિયંત્રણો હળવા
ભારતીય રિઝર્વ બેંકે 20 એપ્રિલના રોજ રૂપિયામાં જોવા મળતી અસ્થિરતાને રોકવા માટે ફોરેક્સ ડીલરો પર લાદવામાં આવેલા કેટલાક જૂના પ્રતિબંધો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ અગાઉ સંકેત આપ્યો હતો કે આ નિયંત્રણો કાયમી નથી. હવે ઓથોરાઈઝડ ડીલરો રેસિડેન્ટ અને નોન-રેસિડેન્ટ બંને ગ્રાહકોને કોઈપણ મર્યાદા વગર રૂપિયા સાથે જોડાયેલા નોન-ડિલિવરેબલ ડેરેવેટિવ કોન્ટ્રાક્ટ્સની ઓફર કરી શકશે.

ફોરેન એક્સચેન્જ ડેરેવેટિવ કોન્ટ્રાક્ટમાં છૂટછાટ
નવા નિયમો મુજબ, બેંકો હવે યુઝર્સને રૂપિયા સાથે જોડાયેલા ફોરેન એક્સચેન્જ ડેરેવેટિવ કોન્ટ્રાક્ટને ફરીથી બુક કરવાની મંજૂરી આપી શકે છે. જોકે, RBIએ સ્પષ્ટતા કરી છે કે સંબંધિત પક્ષો (Related Parties) સાથે રૂપિયામાં આવા કરાર કરવાની મંજૂરી રહેશે નહીં. આ છૂટછાટ મુખ્યત્વે હાલના કોન્ટ્રાક્ટ રદ કરવા, રોલઓવર કરવા અથવા નોન-રેસિડેન્ટ યુઝર્સ સાથેના બેક-ટુ-બેક વ્યવહારો સુધી મર્યાદિત છે.
નેટ ઓપન પોઝિશન પર મર્યાદા યથાવત
RBIએ જણાવ્યું છે કે આ ફેરફારો તાત્કાલિક અસરથી લાગુ થશે. જોકે, સુરક્ષાના ભાગરૂપે બેંકોએ દરેક કામકાજના દિવસના અંતે ઓનશોર માર્કેટમાં પોતાની નેટ ઓપન પોઝિશનને $100 મિલિયન સુધી મર્યાદિત રાખવી પડશે. આનાથી બજારમાં અચાનક આવતા જોખમોને નિયંત્રિત કરી શકાશે.
રૂપિયાને ગગડતો અટકાવવા લેવાયા હતા સખત પગલાં
માર્ચ મહિનામાં જ્યારે ઈરાન-અમેરિકા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ $100 પ્રતિ બેરલને વટાવી ગયા હતા, ત્યારે રૂપિયો પ્રતિ ડોલર 95.21 ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો હતો. તે સમયે RBIએ સટ્ટાખોરી રોકવા માટે આકરા પગલાં લીધા હતા. બેંકોએ ઓફશોર માર્કેટમાં લગભગ $40 અબજના સટ્ટાકીય સોદાઓ ખતમ કર્યા હતા, જેના કારણે રૂપિયામાં રિકવરી જોવા મળી હતી.
બજારના આંતરરાષ્ટ્રીયકરણ માટેની કટિબદ્ધતા
ગવર્નર મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું હતું કે માર્ચમાં લેવાયેલા પગલાં કામચલાઉ હતા કારણ કે બજારમાં અતિશય અસ્થિરતા જોવા મળી હતી. સેન્ટ્રલ બેંકે પુનરોચ્ચાર કર્યો છે કે તેઓ ભારતીય બજારને વધુ ઊંડું બનાવવા અને તેના આંતરરાષ્ટ્રીયકરણ (Internationalisation) માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
