Cryptocurrency: ટેરર ફંડિંગ અને ડ્રગ્સ સ્મગલિંગનું જોખમ! RBI એ સંસદીય સમિતિને કહ્યું- ‘ક્રિપ્ટોકરન્સી અર્થતંત્ર માટે આફત’
ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ભવિષ્યને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પૂર્ણવિરામ મૂકી દીધું છે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે તે દેશમાં ક્રિપ્ટોકરન્સીને કાનૂની માન્યતા (Legalize) આપવાના પક્ષમાં બિલકુલ નથી. સાંસદ ભર્તૃહરિ મહતાબની અધ્યક્ષતાવાળી નાણાકીય બાબતોની એક ઉચ્ચ સ્તરીય સંસદીય સમિતિ સમક્ષ હાજર થઈને કેન્દ્રીય બેંકે ક્રિપ્ટોકરન્સી સામે પોતાની ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. આરબીઆઈના મતે, ક્રિપ્ટોકરન્સી જેવા વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ ભારત જેવી ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા માટે અત્યંત જોખમી અને મોટો ખતરો છે.

જ્યાં એક તરફ ક્રિપ્ટો રોકાણકારો અને કેટલીક એજન્સીઓ ભારતમાં તેને નિયમિત (Regulate) કરીને કાયદેસર કરવાની માંગ કરી રહી છે, ત્યાં બીજી તરફ સરકાર અને આરબીઆઈ તેના સદંતર પ્રતિબંધના પક્ષમાં દેખાઈ રહ્યા છે. સમિતિ સમક્ષ વૈશ્વિક ઉદાહરણો આપતા આરબીઆઈએ જણાવ્યું કે, ચીન અને કતાર જેવા દેશોએ ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલી તમામ નાણાકીય પ્રવૃત્તિઓ પર પહેલેથી જ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે યુરોપિયન દેશોએ આ વર્ચ્યુઅલ એસેટ્સને મંજૂરી તો આપી છે, પરંતુ તેના પર અત્યંત કડક નિયમો અને દેખરેખની વ્યવસ્થા ગોઠવી છે. ભારત માટે આ જોખમ ઉઠાવવું યોગ્ય નથી.
ડિજિટલ કરન્સીના કારણે દેશની સુરક્ષા સામે મોટો ખતરો
સંસદીય સમિતિ સમક્ષ રજૂ કરેલા પોતાના વિશેષ અહેવાલમાં રિઝર્વ બેંકે ક્રિપ્ટોકરન્સીના કારણે દેશની આંતરિક અને આર્થિક સુરક્ષા પર થનારી નકારાત્મક અસરોની વિગતવાર માહિતી આપી છે. આરબીઆઈએ ચેતવણી આપી છે કે ક્રિપ્ટોકરન્સીનું કોઈ કેન્દ્રીય નિયમન ન હોવાથી તેનો ઉપયોગ આતંકવાદી ભંડોળ (Terror Funding), ડ્રગ્સની હેરાફેરી (Narcotics Smuggling) અને મની લોન્ડરિંગ જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે ખૂબ જ સરળતાથી થઈ શકે છે.
સૌથી મોટો પડકાર એ છે કે આ પ્રકારની ડિજિટલ મનીનો ઉપયોગ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સરહદ પાર થાય છે, ત્યારે તેના ટ્રાન્ઝેક્શનના સ્ત્રોત અને તેના માલિકની ઓળખ કરવી ભારતીય તપાસ એજન્સીઓ માટે લગભગ અશક્ય બની જાય છે. કોઈ એક દેશની સરકાર કે બેંક આ વૈશ્વિક નેટવર્ક પર સંપૂર્ણ નજર રાખી શકતી નથી. આથી, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ ક્રિપ્ટોને કાયદેસરતા આપવી એ દેશને મોટા જોખમમાં ધકેલવા સમાન સાબિત થઈ શકે છે.

અર્થતંત્રને બચાવવા ક્રિપ્ટો પર પ્રતિબંધ જરૂરી
આરબીઆઈએ બેઠક દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે જો ભારતમાં ક્રિપ્ટોકરન્સીના મુક્ત ઉપયોગને મંજૂરી આપવામાં આવશે, તો તે દેશની સત્તાવાર નાણાકીય પ્રણાલી અને અર્થતંત્રના પાયાને હચમચાવી શકે છે. નાગરિકોની કચેરી કમાણી આવા અસ્થિર માધ્યમોમાં ડૂબી જવાનું જોખમ રહેલું છે.
કેન્દ્રીય બેંકે જણાવ્યું કે, “ચૂકવણી (Payment) અને સેટલમેન્ટ પ્રક્રિયામાં ક્રિપ્ટોના ઉપયોગ પર તાત્કાલિક રોક લગાવવી જરૂરી છે. બેંકિંગ સેક્ટરને આના જોખમોથી દૂર રાખીને અને પરંપરાગત નાણાકીય સિસ્ટમ સાથેના તેના જોડાણને મર્યાદિત કરીને જ આપણે ભારતના ફાઇનાન્સિયલ સિસ્ટમને સુરક્ષિત રાખી શકીશું.” આરબીઆઈની આ સાવચેતીભરી વ્યૂહરચના દર્શાવે છે કે આવનારા સમયમાં પણ ભારતમાં ક્રિપ્ટો ટ્રેડિંગ કરનારાઓ માટે મુશ્કેલીઓ વધી શકે છે અને સરકાર ટેક્સેશન તેમજ કાયદાકીય મોરચે વધુ કડક વલણ અપનાવશે.
