Polymer Currency: ચલણી નોટોમાં ક્રાંતિકારી ફેરફાર: વર્ષ ૨૦૨૮ થી આવશે પોલિમર કરન્સી, જૂની નોટોનું શું થશે?
ભારતીય ચલણ વ્યવસ્થામાં એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. દેશભરના નાગરિકો જે પ્લાસ્ટિક (પોલિમર) ની નોટોને લઈને લાંબા સમયથી ઉત્સુક હતા, તેના માટેનો રસ્તો હવે સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. અત્યાર સુધી જે પોલિમર કરન્સી માત્ર ચર્ચા અને વિચારણાના સ્તર પર હતી, તે ખૂબ જ ટૂંક સમયમાં સામાન્ય નાગરિકોના હાથમાં હશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ અંગેનો રોડમેપ સ્પષ્ટ કરીને આતુરતાનો અંત આણ્યો છે.

આરબીઆઈ ગવર્નરની મહત્વપૂર્ણ જાહેરાત
તાજેતરમાં યોજાયેલી મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ નિર્ણયોની માહિતી આપતી વખતે આરબીઆઈ ગવર્નરે વ્યાજદરો (રેપો રેટ) ની સાથે કરન્સી સુધારણા અંગે પણ મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી.
ગવર્નરે સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય રિઝર્વ બેંક પોલિમર નોટોના ટ્રાયલ અને ઉત્પાદન પ્રક્રિયા પર ઝડપથી કામ કરી રહી છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૮ સુધીમાં પ્લાસ્ટિકની નોટો દેશના સામાન્ય બજારમાં અને નાગરિકોના ચલણમાં આવી જશે. આરબીઆઈનું લક્ષ્ય છે કે આગામી બે થી અઢી વર્ષના સમયગાળામાં આ નવી ટેકનોલોજી આધારિત નોટો ઉપલબ્ધ કરાવી દેવામાં આવે.
અત્યારના કાગળના નોટોનું શું થશે?
આ જાહેરાત બાદ સામાન્ય લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે હાલમાં બજારમાં ચાલી રહેલી કાગળની (પેપર) નોટોનું ભવિષ્ય શું હશે? શું જૂની નોટો અચાનક બંધ કરી દેવામાં આવશે?
આ અંગે સ્પષ્ટતા કરતા જાણવા મળ્યું છે કે કાગળની નોટોને તાત્કાલિક અસરથી બંધ કરવાનો કે ચલણમાંથી બહાર કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. શરૂઆતના તબક્કામાં કાગળની નોટો અને નવી પ્લાસ્ટિકની નોટો બંને એકસાથે બજારમાં ચલણમાં રહેશે. તબક્કાવાર રીતે જૂની નોટો બદલવામાં આવશે જેથી નાગરિકોને અને વેપારીઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
પ્લાસ્ટિક (પોલિમર) નોટ શું છે અને તેના ફાયદા
પ્લાસ્ટિકની નોટો વિશેષ પ્રકારના પોલિમર સબસ્ટ્રેટમાંથી બનાવવામાં આવે છે, જે સામાન્ય પ્લાસ્ટિક કરતાં ભિન્ન અને અત્યાધુનિક હોય છે. આ નોટો કાગળની નોટોની સરખામણીમાં અનેક ગણી વધુ ટકાવ અને મજબૂત હોય છે.
લાંબુ આયુષ્ય અને સ્વચ્છતા: કાગળની નોટો ભેજ, પરસેવા કે ધૂળના કારણે ઝડપથી ગંદી થઈ જાય છે અથવા ફાટી જાય છે, જ્યારે પોલિમર નોટો પર પાણી કે ગંદકીની અસર થતી નથી. આ નોટોને ધોઈ પણ શકાય છે, જેનાથી બજારમાં સ્વચ્છ કરન્સી જળવાઈ રહેશે.
નકલી નોટો સામે સુરક્ષા: આ નોટોની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં અત્યાધુનિક સિક્યોરિટી ફીચર્સ ઉમેરી શકાય છે. કાગળની સરખામણીમાં પોલિમર નોટોની નકલ (Counterfeiting) કરવી અત્યંત મુશ્કેલ છે, જેથી દેશમાં નકલી નોટોના દૂષણ પર મોટો અંકુશ આવશે.

પર્યાવરણ અને આર્થિક દ્રષ્ટિકોણ
કાગળની નોટો વારંવાર ખરાબ થઈ જતી હોવાથી આરબીઆઈને દર વર્ષે હજારો કરોડ રૂપિયાના ખર્ચે નવી નોટો છાપવી પડે છે. પ્લાસ્ટિક નોટનું આયુષ્ય કાગળની નોટ કરતાં આશરે ૩ થી ૫ ગણું વધુ હોવાથી લાંબા ગાળે સરકાર અને આરબીઆઈના પ્રિન્ટિંગ તથા ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં મોટો ઘટાડો થશે.
આ ઉપરાંત, લાંબા સમય સુધી ચાલતી હોવાને કારણે વારંવાર કાગળ બનાવવા માટે વૃક્ષો કાપવાની જરૂરિયાત ઘટશે, જે પર્યાવરણીય દ્રષ્ટિએ પણ સકારાત્મક પગલું સાબિત થશે.
