Medicine Storage: ચોમાસામાં ભેજ અને ગરમીથી દવાઓની અસર કેમ ઘટે છે? ઇન્સ્યુલિન અને ફ્રિજના ઉપયોગ અંગે ડૉક્ટરની મહત્વની સલાહ
ચોમાસાની ઋતુમાં વરસાદની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને તાપમાનમાં ઉતાર-ચઢાવ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ હવામાન માત્ર સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ ઘરમાં રાખેલી દવાઓની ગુણવત્તાને પણ નુકસાન પહોંચાડી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો ચોમાસામાં દવાઓનો યોગ્ય સંગ્રહ (Storage) કરવામાં ન આવે, તો તેમની અસરકારકતા એક્સપાયરી ડેટ (Expiry Date) પહેલાં જ ઘટી શકે છે. તેથી વરસાદી માહોલમાં દવાઓને સુરક્ષિત રાખવાની યોગ્ય પદ્ધતિઓ જાણવી અત્યંત જરૂરી છે.

ભેજ અને ગરમીથી દવાઓને થતું નુકસાન
કન્સલ્ટન્ટ ડો. અરવિંદ એસ. એન. ના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં રહેલો વધુ પડતો ભેજ દવાઓની રાસાયણિક સંરચના પર વિપરીત અસર કરે છે. ખાસ કરીને ટેબ્લેટ અને કેપ્સ્યુલ હવામાનો ભેજ ઝડપથી સોષી લે છે.
ભેજના સંપર્કમાં આવવાથી:
ગોળીઓ નરમ પડી જાય છે અથવા ચીકણી થઈ જાય છે.
કેપ્સ્યુલ ફૂલી જાય છે અથવા તૂટવા લાગે છે.
ઇફરવેસન્ટ (ઓગળી જતી) ટેબ્લેટ અને ડ્રાય પાવડર વાળી દવાઓ ભેજના કારણે ગઠ્ઠા બની જાય છે.
આ ઉપરાંત ઇન્સ્યુલિન, વેક્સિન, બાયોલોજિકલ મેડિસિન અને ક્રીમ જેવી દવાઓ વધુ પડતી ગરમી કે તાપમાનના ફેરફારથી પિગળી જાય છે અથવા તેની બનાવટ બદલાઈ જાય છે.
દવાઓ સ્ટોર કરતી વખતે થતી સામાન્ય ભૂલો
ઘણા લોકો જાણતા-અજાણતા ઘરમાં દવાઓ સંગ્રહ કરતી વખતે કેટલીક મોટી ભૂલો કરે છે:
બાથરૂમમાં દવાઓ રાખવી: બાથરૂમમાં નહાતી વખતે બનતી વરાળ અને સતત રહેતો ભેજ દવાઓને ખૂબ ઝડપથી ખરાબ કરે છે.
રસોડામાં સંગ્રહ: રસોડામાં ગેસ સ્ટવ, સિંક કે બારી પાસે તાપમાન સતત બદલાતું રહે છે, જે દવાઓ માટે યોગ્ય નથી.
મૂળ પેકિંગમાંથી બહાર કાઢવી: દવાઓને તેમની મૂળ બ્લિસ્ટર પેકિંગ (કવર) માંથી કાઢીને ખુલ્લા ડબ્બામાં રાખવાથી તે સીધી હવાના સંપર્કમાં આવે છે.
- એર-ટાઈટ ઢાંકણ ન વાપરવું: ભીના હાથે ગોળીઓ લેવી કે બોટલનું ઢાંકણું યોગ્ય રીતે બંધ ન કરવું પણ દવાઓને બગાડે છે.

ઇન્સ્યુલિન અને ફ્રિજમાં રાખવાની દવાઓના નિયમો
ડો. પ્રણવ ઘોડીના જણાવ્યા અનુસાર, ઇન્સ્યુલિનને હંમેશા ઉત્પાદકની સૂચના મુજબ જ સ્ટોર કરવું જોઈએ. એકવાર વાયલ કે પેન ખુલ્યા પછી તેને સામાન્ય રૂમ ટેમ્પરેચર પર રાખી શકાય છે, પરંતુ તેને સીધા સૂર્યપ્રકાશ અને ભેજથી બચાવવું અનિવાર્ય છે. જો ઇન્સ્યુલિનનો રંગ કે પારદર્શિતા બદલાય તો તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
ફ્રિજમાં દવા રાખવાના નિયમો: ડો. અરવિંદ સ્પષ્ટ કરે છે કે માત્ર એ જ દવાઓને ફ્રિજમાં રાખવી જોઈએ જેના લેબલ પર સ્પષ્ટ સૂચના હોય. સામાન્ય રૂમ ટેમ્પરેચર પર રખાતી દવાઓને ફ્રિજમાં રાખવાથી તેમાં ભેજનું કન્ડેન્સેશન (પાણીના ટીપાં) જામી જાય છે, જેથી દવા ખરાબ થાય છે. કોલ્ડ સ્ટોરેજ માટે જરૂરી દવાઓને સામાન્ય રીતે 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખવામાં આવે છે.
દવા ભીની થઈ જાય તો શું કરવું?
જો ચોમાસાના પાણીથી કે ભેજથી કોઈ ટેબ્લેટ, કેપ્સ્યુલ, સિરપ, ઇન્જેક્શન કે ઇનહેલર ભીના થઈ જાય, તો તેને તરત જ ફેંકી દેવા જોઈએ. ભીની થયેલી ગોળીઓને સુકવીને ફરી વાપરવાની ભૂલ ક્યારેય ન કરવી, કારણ કે તે ઝેરી અથવા અસરહીન બની શકે છે.
એસી (AC) વગરના ઘરમાં દવાઓ ક્યાં રાખવી?
જો ઘરમાં એર કન્ડીશનર ન હોય, તો દવાઓને ઘરના સૌથી ઠંડા અને સૂકા ભાગમાં આવેલી બંધ અલમારી અથવા પ્લાસ્ટિકના એર-ટાઈટ બોક્સમાં રાખવી જોઈએ. હંમેશા દવાઓને તેમની મૂળ પેકિંગમાં જ રાખવી અને બોટલના ઢાંકણાં મજબૂતીથી બંધ રાખવા.
