Health Care: પુરુષો માટે ચેતવણી! પ્રોસ્ટેટ કેન્સરના આ લક્ષણોને ક્યારેય ન કરો નજરઅંદાજ, જાણો કયો ટેસ્ટ કરાવવો જરૂરી
ભારતીય પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર (Prostate Cancer) હવે બીજું સૌથી વધુ જોવા મળતું કેન્સર બની ગયું છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પડકાર માત્ર પ્રોસ્ટેટ કેન્સરના વધતા કેસોનો જ નથી, પરંતુ આ ગંભીર બીમારીનું નિદાન કરવામાં થતો વિલંબ સૌથી મોટો ચિંતાનો વિષય છે. પશ્ચિમી દેશોમાં નિયમિત હેલ્થ સ્ક્રીનિંગના કારણે પ્રોસ્ટેટ કેન્સરનું શરૂઆતના તબક્કામાં જ નિદાન થઈ જાય છે, પરંતુ ભારતમાં મોટાભાગના દર્દીઓ ત્યારે ડોક્ટર પાસે પહોંચે છે જ્યારે કેન્સર પ્રોસ્ટેટ ગ્રંથિથી બહાર શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ ચૂક્યું હોય છે.

આવા કિસ્સાઓમાં કેન્સર હાડકાં અને કરોડરજ્જુ (Spine) સુધી પહોંચી જાય છે, જેના કારણે ગંભીર ચેતાતંત્રની (Neurological) સમસ્યાઓ ઊભી થવાનું અને લકવા જેવી સ્થિતિ સર્જાવાનું જોખમ વધી જાય છે.
જાગૃતિ વધી ખરી, પણ ઈલાજ માટે પહોંચવામાં હજુય મોડું થાય છે
સર ગંગારામ હોસ્પિટલના યુરો-ઓન્કોલોજિસ્ટ અને રોબોટિક સર્જન ડૉ. અશ્વિન મલાયાના જણાવ્યા અનુસાર, “પહેલાં પ્રોસ્ટેટ કેન્સરના મોટાભાગના દર્દીઓ માત્ર મેટ્રો અને મોટા શહેરોમાંથી જ આવતા હતા, પરંતુ હવે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે. આ લોકોમાં જાગૃતિ વધી રહી હોવાનો એક સકારાત્મક સંકેત છે. છતાં પણ, અફસોસની વાત એ છે કે ઘણા પુરુષો રોગ ખૂબ વધી ગયા પછી અથવા ચોથા તબક્કામાં જ ઈલાજ માટે આવે છે.”
પ્રોસ્ટેટ કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાતાં ઉદ્ભવતી સમસ્યાઓ
ડૉ. અશ્વિન મલાયા વધુમાં સ્પષ્ટ કરે છે કે, જ્યારે પ્રોસ્ટેટ કેન્સર એડવાન્સ સ્ટેજમાં પહોંચે છે, ત્યારે તે અસ્થિમજ્જા અને કરોડરજ્જુને સૌથી વધુ અસર કરે છે. આ પરિસ્થિતિમાં દર્દીમાં નીચે મુજબના ગંભીર સંકેતો જોવા મળી શકે છે:
કમરમાં સતત અને અસહ્ય દુખાવો થવો.
પગમાં ભારે નબળાઈ આવવી અથવા ચાલવામાં તકલીફ પડવી.
પગમાં સુન્નપણું (Numbness) અથવા સતત બળતરા-ઝણઝણાટી થવી.
પેશાબ અથવા મળત્યાગ પરનું નિયંત્રણ ગુમાવી દેવું.
આ લક્ષણો કરોડરજ્જુ પર કેન્સરની ગાંઠના દબાણ એટલે કે સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેસન (Spine Cord Compression) તરફ ઈશારો કરે છે, જે એક અત્યંત ગંભીર ઈમરજન્સી (Medical Emergency) સ્થિતિ છે.

કયા લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરવા?
ડોક્ટરોની સલાહ છે કે ઉંમર વધવાની સાથે પુરુષોએ પોતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ. પેશાબ સંબંધિત કોઈ પણ સમસ્યા (જેમ કે પેશાબ કરવામાં અડચણ, વારંવાર પેશાબ જવું કે પેશાબમાં લોહી આવવું), હાડકાંમાં સતત દુખાવો અથવા લાંબા સમયથી ચાલતો કમરનો દુખાવો સામાન્ય ગણીને નજરઅંદાજ ન કરવો જોઈએ.
જો પરિવારમાં પહેલાં કોઈને પ્રોસ્ટેટ કેન્સરનો ઈતિહાસ (Family History) રહ્યો હોય, તો ૪૫ થી ૫૦ વર્ષની ઉંમરે જ નિયમિત તપાસ શરૂ કરી દેવી જોઈએ. સમયસર તપાસ કરાવવી એ જ પ્રોસ્ટેટ કેન્સરથી થતા ન્યુરોલોજીકલ નુકસાન અને અન્ય ગંભીર અસરોથી બચવાનો સૌથી અસરકારક ઉપાય છે.
શરૂઆતના નિદાન માટે કયા ટેસ્ટ કરાવવા જરૂરી?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો પ્રોસ્ટેટ કેન્સરનું પ્રથમ કે બીજા તબક્કામાં જ નિદાન થઈ જાય, તો તેને સંપૂર્ણપણે મટાડવું કે નિયંત્રિત કરવું શક્ય છે. આ માટે નીચે મુજબના ટેસ્ટ અત્યંત ઉપયોગી સાબિત થાય છે:
PSA બ્લડ ટેસ્ટ (Prostate-Specific Antigen): આ એક સરળ લોહીની તપાસ છે, જેનાથી પ્રોસ્ટેટના સ્વાસ્થ્યનો ખ્યાલ આવે છે.
મલ્ટી-પેરામેટ્રિક MRI (mpMRI): જો PSA નું સ્તર અસામાન્ય હોય, તો કેન્સરની ગાંઠની ચોક્કસ જગ્યા જાણવા માટે આ એમઆરઆઈ કરાય છે.
MRI-TRUS ફ્યુઝન બાયોપ્સી: બાયોપ્સીની આ આધુનિક પદ્ધતિથી કેન્સરના કોષોની ચોક્કસ ઓળખ થાય છે.
ડૉ. મલાયાએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, જાગૃતિ વધી હોવા છતાં આજે પણ લગભગ ૫૦ ટકા પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓ સ્ટેજ-૪ (Stage 4) માં જ ડોક્ટર પાસે પહોંચે છે. આ તબક્કામાં કેન્સરને દવાઓ અને થેરાપીથી નિયંત્રિત તો કરી શકાય છે, પરંતુ તેને મૂળમાંથી સંપૂર્ણપણે મટાડવું અત્યંત મુશ્કેલ બની જાય છે. તેથી લક્ષણો દેખાય કે તુરંત નિષ્ણાત યુરોલોજિસ્ટની સલાહ લેવી હિતાવહ છે.
