Meta: મેટાનો ‘ટેકનિકલ ભૂલ’નો દાવો સરકારે ફગાવ્યો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદારી પર ઉઠ્યા સવાલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેસબુક પોસ્ટ પ્લેટફોર્મ પરથી અચાનક હટી જવાના મુદ્દે કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા કંપની મેટા (Meta) વચ્ચેનો વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મેટા દ્વારા આ મામલે રજૂ કરવામાં આવેલી સ્પષ્ટતાથી કેન્દ્ર સરકાર બિલકુલ સંતોષાયી નથી. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે આ વિષય અત્યંત ગંભીર છે, તેથી આ મુદ્દે ટેકનોલોજી કંપની સાથે વધુ વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે અને આ મામલાને હાલ પૂરતો બંધ થયેલો ગણી શકાય નહીં.

શું હતો સમગ્ર વિવાદ?
વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પરથી એક મહત્વપૂર્ણ વીડિયો પોસ્ટ અચાનક ગાયબ થઈ ગઈ હતી, જેને પગલે દેશભરમાં ચર્ચાઓ અને સવાલો શરૂ થયા હતા. વિવાદ વધતાં જ મેટાએ તાત્કાલિક સફાઈ આપતાં દાવો કર્યો હતો કે આ ઘટના એક ટેકનિકલ ખામી (Technical Error) અથવા માનવસહજ ભૂલના કારણે બની હતી. કંપનીએ વધુમાં ઉમેર્યું હતું કે જેવી જ આ ભૂલ ધ્યાને આવી, કે તરત જ પીએમ મોદીની પોસ્ટ ફેસબુક પર પુનઃસ્થાપિત (Restore) કરી દેવામાં આવી હતી.
સરકાર મેટા પાસેથી વધુ વિગતવાર માહિતી માંગશે
જોકે, સરકાર મેટાના આ ટૂંકા જવાબથી જરાય સંતુષ્ટ નથી. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, દેશના વડાપ્રધાન સાથે જોડાયેલી ઓફિશિયલ અને અત્યંત સંવેદનશીલ સામગ્રી પ્લેટફોર્મ પરથી ગાયબ થઈ જાય, તેને માત્ર એક ‘ટેકનિકલ ખામી’ ગણાવીને નજરઅંદાજ કરી શકાય નહીં.
આ જ કારણોસર, કેન્દ્ર સરકાર મેટા પાસેથી આ ઘટનાની સંપૂર્ણ અને ઊંડાણપૂર્વકની ટેકનિકલ માહિતી (Log details) માંગવાની તૈયારી કરી રહી છે. સરકારી પક્ષનું માનવું છે કે મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદારી અને પારદર્શિતા નક્કી થવી ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને જ્યારે મામલો દેશના સર્વોચ્ચ નેતૃત્વ સાથે જોડાયેલો હોય.

‘ટેકનિકલ ક્ષતિ’નો દાવો પૂરતો નથી: સરકારનો કડક વલણ
મેટા કંપનીએ વારંવાર ભાર મૂક્યો છે કે આ એક આકસ્મિક ભૂલ હતી અને સિસ્ટમે આપમેળે કામ કરતા પોસ્ટને રિસ્ટ્રિક્ટ કરી દીધી હતી, પરંતુ ભારતીય આઈટી મંત્રાલય અને સંબંધિત અધિકારીઓ આ ખુલાસાને અપૂરતો માની રહ્યા છે. સરકાર એ જાણવા માંગે છે કે શું આ પાછળ કોઈ ચોક્કસ અલ્ગોરિધમની ખામી હતી, માનવસહજ ભૂલ હતી કે પછી કોઈ કાનૂની વિનંતીના ખોટા અર્થઘટનને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું.
આઈટી નિયમો અને સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી
આ ઘટના બાદ ભારતમાં કામ કરતી વિદેશી ટેકનોલોજી કંપનીઓની જવાબદારી સામે ફરી એકવાર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. આગામી દિવસોમાં આઈટી મંત્રાલય અને મેટાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આ મુદ્દે હજુ વધુ બેઠકો અને ચર્ચાઓ થવાની પૂરેપૂરી શક્યતા છે. સરકાર આ મામલે કડક વલણ અપનાવી રહી છે જેથી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ભૂલ પુનરાવર્તિત ન થાય અને દેશના સત્તાવાર સંચાર માધ્યમો પર આવી સેન્સરશીપ જેવી સ્થિતિ ઊભી ન થાય.
