PM Kisan: ખેડૂતો માટે ખુશખબર: વડાપ્રધાન મોદી 18,880 કરોડ રૂપિયાની કરશે સહાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂને પશ્ચિમ બંગાળના હુગલીથી દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોને મોટી ભેટ આપશે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા કુલ 18,880 કરોડ રૂપિયાની માતબર રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં પહોંચાડવામાં આવશે. આ રકમથી ખેતીના ખર્ચમાં ખેડૂતોને મોટી રાહત મળશે અને તેમની આર્થિક સ્થિતિ વધુ સુદ્રઢ બનશે.

પશ્ચિમ બંગાળ પર વિશેષ ધ્યાન
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે માહિતી આપી હતી કે, ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં આ યોજના હેઠળ 45.35 લાખથી વધુ ખેડૂતોને આશરે 907 કરોડ રૂપિયાની સહાય મળશે. આ હપ્તાના વિતરણ સાથે, પશ્ચિમ બંગાળમાં આ યોજના હેઠળ વહેંચાયેલી કુલ રકમ 15,055 કરોડ રૂપિયાને પાર કરી જશે. નોંધનીય છે કે, 2019માં શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશભરના ખેડૂતોને 4.46 લાખ કરોડ રૂપિયાથી વધુની સહાય પૂરી પાડવામાં આવી છે.
પાક વીમા યોજનાઓનો નવો પ્રારંભ
વડાપ્રધાન આ પ્રવાસ દરમિયાન ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના’ (PMFBY) અને ‘પુનર્ગઠિત હવામાન આધારિત પાક વીમા યોજના’ (RWBCIS) ની શરૂઆત કરશે.
બજેટ: આ યોજનાઓ માટે આશરે ₹12,200 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
લક્ષ્ય: સરકારનું લક્ષ્ય 2026-27 સુધીમાં 30 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને વીમા કવચ હેઠળ લાવવાનું છે, જેનાથી 1.10 કરોડ ખેડૂતોને લાભ મળશે. આ યોજના દ્વારા આશરે ₹28,140 કરોડના મૂલ્યની ખેતીવાડીની ઉપજોને સુરક્ષા પૂરી પાડવામાં આવશે.

ડિજિટલ કૃષિ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન
આધુનિક યુગમાં ખેતીને વધુ ટેકનોલોજી સાથે જોડવા માટે વડાપ્રધાન ‘ડિજિટલ કૃષિ મિશન’ અંતર્ગત એક ખાસ એગ્રી-ટેક પ્લેટફોર્મ લોન્ચ કરશે. આ એક જ પ્લેટફોર્મ પર ખેડૂતોને નીચે મુજબની સુવિધાઓ મળશે:
ખાતર વિતરણ (Fertilizer Distribution)
કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) સેવાઓ
DBT અને MSP પર સરકારી ખરીદીની વિગતો
વધુમાં, ‘રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન’ હેઠળ પશ્ચિમ બંગાળમાં 346 પ્રાકૃતિક ખેતી કેન્દ્રો સ્થાપવામાં આવશે. આ કેન્દ્રો 17,300 હેક્ટર વિસ્તારને આવરી લેશે અને 43,250 ખેડૂતોને જૈવિક ખેતીનું તાલીમ, બજાર સાથે જોડાણ અને જરૂરી સંસાધનો પૂરા પાડવામાં આવશે.
