ગુજરાત હાઈકોર્ટ સામે રોષ ઠાલવતાં સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે કોઈપણ કોર્ટ દ્વારા સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ આદેશ પસાર કરવો એ બંધારણની વિચારધારા વિરુદ્ધ છે. સુપ્રીમકોર્ટે એક દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની માગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે આ કડક ટિપ્પણી કરી હતી. દુષ્કર્મ પીડિતાએ તેના ગર્ભને દૂર કરવાની મંજૂરી માગતી અરજી કરી હતી. સુપ્રીમકોર્ટે આ મામલે આજે સુનાવણી માટે લિસ્ટેડ કર્યો હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે આ મામલે શનિવારે આદેશ પસાર કરતાં સુપ્રીમકોર્ટ વિફરી હતી.
સુપ્રીમકોર્ટના જસ્ટિસ બી.વી.નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાંની બેન્ચે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટમાં શું ચાલી રહ્યું છે? ભારતમાં એવી કોઈ કોર્ટ નથી જે સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ આદેશ પસાર કરી શકે. આ બંધારણની વિચારધારા વિરુદ્ધ છે.
ગુજરાત સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. તેમણે આ મામલે દલીલ કરી કે હાઈકોર્ટ દ્વારા આદેશ ફક્ત ક્લેરિકલ ભૂલને દૂર કરવા માટે અપાયો હતો. આ મામલે ગેરસમજ પેદા થઈ છે. તેમણે કહ્યું કે અમે સરકાર વતી જજને અપીલ કરીશું કે તેઓ તેમનો આદેશ પાછો ખેંચે. સુપ્રીમકોર્ટે પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે બાળક જીવિત રહે તો દત્તક લેવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે. ઉલ્લેખનીય છેકે દુષ્કર્મ પીડિતાને ૨૭ અઠવાડિયાથી વધુ સમયનું ગર્ભ હતું. તેણે ગર્ભપાતની મંજૂરી માગી હતી.
જસ્ટિસ બી.વી.નાગરત્ના અને જસ્ટિસ ભુઈયાંની બેન્ચે શનિવારે પણ એક વિશેષ સુનાવણીમાં કહ્યું હતું કે આવા મામલે ગુજરાત હાઇકોર્ટે તાત્કાલિક સુનાવણી હાથ ધરવાની ભાવના અપનાવવી જાેઈતી હતી. તેમણે તેને સામાન્ય મામલો ગણ્યો. આવું ઢીલાશભર્યું વલણ અયોગ્ય છે. બેન્ચે આ મામલે મહિલાની અરજી પર ગુજરાત સરકાર તથા અન્યોને નોટિસ જારી કરી તેની પાસે જવાબ પણ માગ્યો હતો.