હવે ટીનેજર્સ માટે AI વાપરવું બનશે સુરક્ષિત, સ્ટડી મોડ અને વાલીઓ માટે પેરન્ટલ એલર્ટ્સ ઉપલબ્ધ
આજના આધુનિક સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માત્ર વયસ્કો સુધી મર્યાદિત નથી રહ્યું. શાળા-કોલેજના બાળકો અને ટીનેજર્સ પણ પોતાના અભ્યાસ, હોમવર્ક અને રોજિંદી માહિતી મેળવવા માટે એઆઈ ચેટબોટ્સનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે. બાળકોમાં એઆઈના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને OpenAI દ્વારા ટીનેજર્સ માટે ખાસ ‘ChatGPT for Teens’ નામનું નવું વર્ઝન પેશ કરવામાં આવ્યું છે. સામાન્ય ChatGPT ની સરખામણીએ આ વર્ઝનમાં ટીન યુઝર્સ માટે વધુ કડક સુરક્ષા ઉપાયો, ફિલ્ટર્સ અને વાલીઓ માટે મોનિટરિંગની વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે. AI ચેટબોટ્સના ઉપયોગથી બાળકોની માનસિક સુરક્ષા પર ઊભા થતા સવાલો અને કાનૂની દબાણ બાદ કંપની દ્વારા આ મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે.

13 થી 17 વર્ષના યુઝર્સ માટે આપમેળે લાગુ થશે સુરક્ષા નિયમો
‘ChatGPT for Teens’ ના બદલાયેલા સેફ્ટી પેરામીટર્સ એવા તમામ એકાઉન્ટ્સ પર આપમેળે (Auto-apply) લાગુ થઈ જશે, જે યુઝર્સ સાઇન-અપ કરતી વખતે પોતાની ઉંમર 13 થી 17 વર્ષ દર્શાવશે. આ ઉપરાંત, જો OpenAI ની સિસ્ટમ યુઝરના ઉપયોગની પેટર્ન અથવા એકાઉન્ટ ડિટેલ્સના આધારે તેને સગીર (Minor) તરીકે ઓળખશે, તો પણ આ સુવિધાઓ સક્રિય થઈ જશે. માઇનોર એકાઉન્ટ્સ માટે પહેલાથી ઉપલબ્ધ સુરક્ષા કવચને વધુ મજબૂત કરવામાં આવ્યું છે, જેમાં સ્વ-નુકસાન (Self-harm), હિંસા, ઈટીંગ ડિસઓર્ડર અને અશ્લીલ કે ગ્રાફિક સામગ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ટીન વર્ઝનની ખાસિયતો અને ‘Study Mode’
OpenAI એ ટીનેજર્સના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કેટલીક નવી અને ઉપયોગી સુવિધાઓ ઉમેરી છે:
સ્ક્રીન ટાઇમ રિમાઇન્ડર્સ અને ક્વાયટ અવર્સ: ચેટબોટનો વધુ પડતો ઉપયોગ અટકાવવા માટે સમયાંતરે બ્રેક લેવાની યાદ અપાશે, તેમજ ચોક્કસ સમય માટે ‘બ્લેકઆઉટ પિરિયડ’ (Quiet Hours) સેટ કરી શકાશે.
સ્ટડી મોડ (Study Mode): આ ફીચર હેઠળ ચેટબોટ વિદ્યાર્થીઓને હોમવર્ક કે પ્રશ્નનો સીધો તૈયાર જવાબ આપવાને બદલે તેમને માર્ગદર્શન આપતા પ્રશ્નો પૂછશે, જેથી વિદ્યાર્થીઓ પોતે વિષયને ઊંડાણપૂર્વક સમજી શકે.
લાગણીઓ પર નિયંત્રણ: ચેટબોટ યુઝર સાથે એવો વ્યવહાર નહીં કરી શકે કે જેથી તે કોઈ અંગત લાગણીઓ કે પોતાની ચેતના (Consciousness) ધરાવતો હોય તેવો ભ્રમ ઊભો થાય.
- વોઇસ મોડ બંધ: સુરક્ષાના ભાગરૂપે આ વર્ઝનમાં કેટલાક ફીચર્સ જેમ કે ‘Voice Mode’ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

વાલીઓને મળશે મહત્વપૂર્ણ એલર્ટ્સ (Parental Control)
આ નવી સિસ્ટમમાં માતા-પિતા પોતાના એકાઉન્ટને પોતાના બાળકના ChatGPT એકાઉન્ટ સાથે લિંક કરી શકશે. જો કોઈ સંવાદ કે ચેટ દરમિયાન સેલ્ફ-હાર્મ કે ડિપ્રેશન જેવી હાઈ-રિસ્ક સ્થિતિ સામે આવશે, તો વાલીના એકાઉન્ટ પર તાત્કાલિક સેફ્ટી એલર્ટ મોકલવામાં આવશે. આ પેરન્ટલ એલર્ટ્સની સમીક્ષા માનવ મોડરેટર્સ દ્વારા કરવામાં આવશે. જોકે, બાળકોની ગોપનીયતા (Privacy) જળવાઈ રહે તે માટે ચેટ હિસ્ટ્રીમાંથી કેટલીક વ્યક્તિગત વિગતો સુરક્ષિત રાખવામાં આવશે.
