શું લાર્જકેપ શેરો ખરેખર સુરક્ષિત છે? TCSથી લઈને HDFC Bank સુધીના શેરો કેમ તૂટ્યા
લાર્જકેપ શેરોને ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે સુરક્ષાનું કવચ માનવામાં આવે છે. જ્યારે પણ બજારમાં મોટી વધ-ઘટ કે અસ્થિરતા આવે છે, ત્યારે સામાન્ય રોકાણકારોથી લઈને મોટા ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ સુધીના તમામ લોકો આ દિગ્ગજ કંપનીઓ પર જ સૌથી વધુ ભરોસો મૂકતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયના આંકડા દર્શાવે છે કે માત્ર કંપનીનું કદ કે ભૂતકાળનો ટ્રેક રેકોર્ડ સારા રિટર્નની ગેરંટી નથી આપતો. દેશની ટોચની 6 લાર્જકેપ કંપનીઓએ છેલ્લા 5 વર્ષમાં પોતાના રોકાણકારોને નિરાશ કર્યા છે અને નેગેટિવ રિટર્ન આપ્યું છે.

આઇટી ક્ષેત્રના દિગ્ગજો પર સંકટ: TCS અને Infosys
ભારતીય આઇટી ક્ષેત્રની બે સૌથી મોટી કંપનીઓ – ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને ઇન્ફોસિસ (Infosys) છેલ્લા પાંચ વર્ષમાં ભારે દબાણ હેઠળ રહી છે. TCS આ યાદીમાં સૌથી નબળું પ્રદર્શન કરનાર શેર રહ્યો છે, જ્યારે ઇન્ફોસિસના શેરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.
ગ્લોબલ માર્કેટમાં આર્થિક અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક ક્લાયન્ટ્સે ટેક્નોલોજી પરના પોતાના ખર્ચમાં ભારે કાપ મૂક્યો છે. આ સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઝડપી ઉપયોગે જૂના આઇટી સર્વિસિસ મોડલ અને ભવિષ્યની ગ્રોથ સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. ઇન્ફોસિસ માટે નબળી મહેસૂલ ગ્રોથ અને આઇટી કન્સલ્ટિંગ ક્ષેત્રે ઘટેલી માગને કારણે રોકાણકારોનો ઉત્સાહ મંદ પડ્યો છે.
એફએમસીજી અને પેઇન્ટ્સ સેક્ટર: HUL અને Asian Paints
ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ (FMCG) ક્ષેત્રની લીડર કંપની હિન્દુસ્તાન યુનિલિવર (HUL) અને પેઇન્ટ્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એશિયન પેઇન્ટ્સ પણ આ સુસ્ત ગ્રોથમાંથી બાકાત રહી નથી.
HUL: ગ્રામીણ વિસ્તારોમાં નબળી માગ, સતત વધતી મોંઘવારી અને સ્થાનિક બ્રાન્ડ્સ તરફથી મળેલી કડક સ્પર્ધાને કારણે HULના માર્જિન પર વિપરીત અસર પડી છે. કાચા માલના ભાવ વધવાથી કંપની પોતાની જૂની મજબૂત પ્રોફિટેબિલિટી જાળવી શકી નથી.
Asian Paints: પેઇન્ટ્સ ક્ષેત્રે ‘બિડલા ઓપસ’ જેવા નવા અને મોટા પ્લેયર્સના આગમનથી સ્પર્ધા અત્યંત તીવ્ર બની છે. કાચા માલની મોંઘવારી અને ડેકોરેટિવ પેઇન્ટ્સની ધીમી માગને કારણે એશિયન પેઇન્ટ્સે પોતાનો માર્કેટ શેર બચાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે.

બેન્કિંગ અને ઈન્સ્યોરન્સ: HDFC Bank અને HDFC Life
નાણાકીય ક્ષેત્રના બે મોટા નામો – એચડીએફસી બેન્ક અને એચડીએફસી લાઇફ ઈન્સ્યોરન્સના શેરોમાં પણ ધાર્યા મુજબનો ઉછાળો જોવા મળ્યો નથી.
એચડીએફસી બેન્કના નબળા પ્રદર્શનનું મુખ્ય કારણ HDFC લિમિટેડ સાથેનું તેનું વિશાળ મર્જર છે. મર્જર બાદ બેન્કની બેલેન્સ શીટ ચોક્કસ મોટી થઈ છે, પરંતુ મોંઘા ડિપોઝિટ્સ અને લોન-ટુ-ડિપોઝિટ રેશિયોને કારણે બેન્કના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) પર ભારે દબાણ આવ્યું છે. બીજી તરફ, એચડીએફસી લાઇફમાં ન્યૂ બિઝનેસ માર્જિન (VNB)માં ઘટાડો અને બેન્ક ચેનલ્સ દ્વારા થતા વેચાણમાં સુસ્તીને કારણે પ્રોફિટેબિલિટી અંગે રોકાણકારોની ચિંતા વધી છે.
રોકાણકારો માટે મહત્વનો પાઠ
આ તમામ 6 દિગ્ગજ કંપનીઓમાં એક સમાન બાબત એ રહી છે કે રોકાણકારોએ ભૂતકાળમાં તેમની સ્થિરતા જોઈને અત્યંત ઊંચા વેલ્યુએશન પર આ શેરો ખરીદ્યા હતા. પરંતુ જ્યારે પણ કંપનીઓની ગ્રોથ ધીમી પડે છે, નવી સ્પર્ધા આવે છે કે માર્જિન ઘટે છે, ત્યારે ઊંચા વેલ્યુએશન વાળા શેરોમાં મોટો ઘટાડો આવે છે.
શું લાર્જકેપ શેરો હજુ પણ સુરક્ષિત છે?
આ કંપનીઓના નબળા પ્રદર્શન છતાં, સ્મોલકેપ અને મિડકેપ શેરોની સરખામણીએ લાર્જકેપ શેરોને લાંબા ગાળા માટે સુરક્ષિત ગણવામાં આવે છે. આ કંપનીઓ પાસે મજબૂત કેશ ફ્લો, અનુભવી મેનેજમેન્ટ અને બજારમાં ઊંચી લિક્વિડિટી હોય છે, જે તેમને આર્થિક મંદી સામે લડવાની ક્ષમતા આપે છે. જોકે, માત્ર લાર્જકેપ હોવાના આધારે આંખ બંધ કરીને રોકાણ કરવાને બદલે કંપનીના સુધરતા વેલ્યુએશન અને ભવિષ્યના ગ્રોથ પ્લાન પર નજર રાખવી અત્યંત જરૂરી છે.
