New Aadhaar Rules 2026: બાળકો અને વિદેશી નાગરિકો માટે આધાર નોંધણીના નિયમો બદલાયા; જાણો UIDAI ની નવી ગાઈડલાઈન
ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) એ આધાર કાર્ડના નોંધણી અને અપડેટ કરવાના નિયમોમાં મહત્વના સુધારા કર્યા છે. ‘આધાર સુધારો નિયમો, 2026’ હેઠળ હવે બાળકો, વિદેશી નાગરિકો (OCI) અને સામાન્ય જનતા માટે આધાર બનાવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને આધુનિક બનાવવામાં આવી છે. જો તમે તમારું આધાર અપડેટ કરવા અથવા નવા સભ્યની નોંધણી કરાવવા માંગતા હોવ, તો આ ફેરફારો જાણવા અનિવાર્ય છે.

દસ્તાવેજોની યાદી થઈ મોટી, હવે આ પેપર્સથી પણ બનશે આધાર UIDAI એ ઓળખ (PoI) અને સરનામાના પુરાવા (PoA) માટે સ્વીકાર્ય દસ્તાવેજોનો વ્યાપ વધાર્યો છે. હવે તમે નીચેના દસ્તાવેજોનો ઉપયોગ પણ કરી શકો છો:
ડિજિટલ દસ્તાવેજો: ઈ-વોટર આઈડી અને ઈ-રેશન કાર્ડ.
કૌટુંબિક દસ્તાવેજો: લગ્નનું પ્રમાણપત્ર (Marriage Certificate) અને છૂટાછેડાના કાનૂની કાગળો.
નાણાકીય અને વીમો: પેન્શન પેમેન્ટ ઓર્ડર, વીમા પોલિસી (Insurance Policies), બેંક સ્ટેટમેન્ટ અને પાસબુક.
રહેઠાણના પુરાવા: રજિસ્ટર્ડ રેન્ટ એગ્રીમેન્ટ અને યુટિલિટી બિલો (લાઈટ બિલ, ગેસ બિલ વગેરે).
અન્ય: મનરેગા જોબ કાર્ડ, શૈક્ષણિક માર્કશીટ, જેલના કેદીઓ માટેનું આઈડી અને શેલ્ટર હોમ સર્ટિફિકેટ.
શરત: કોઈ પણ દસ્તાવેજ ત્યારે જ માન્ય ગણાશે જ્યારે તે માન્ય સમયમર્યાદામાં હોય, અરજદારના નામે હોય અને જારી કરનાર સત્તામંડળ દ્વારા તેની ચકાસણી થઈ શકે તેમ હોય.
બાળકો માટેના નવા નિયમો બાળકોની નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તેને બે ભાગમાં વહેંચવામાં આવી છે:
5 વર્ષથી ઓછી ઉંમર: આ બાળકો માટે ‘હેડ ઓફ ફેમિલી’ (HoF) આધારિત નોંધણી મુખ્ય રહેશે. જન્મનું પ્રમાણપત્ર ફરજિયાત છે અને માતા-પિતા અથવા વાલીના દસ્તાવેજો પણ અનિવાર્ય રહેશે.
5 થી 18 વર્ષના બાળકો: આ વય જૂથ માટે પણ HoF (પરિવારના વડા) આધારિત નોંધણીને પ્રાથમિકતા આપવામાં આવી છે. જો તે ઉપલબ્ધ ન હોય, તો બાળકના પોતાના માન્ય દસ્તાવેજોના આધારે પણ નોંધણી કરી શકાશે.

વિદેશી નાગરિકો અને OCI કાર્ડધારકો માટે સમય મર્યાદા UIDAI એ પ્રથમ વખત વિદેશી નાગરિકો માટે આધારની માન્યતા અવધિ (Validity) નક્કી કરી છે. આ નિયમ એવા લોકો પર લાગુ થશે જેઓ છેલ્લા 12 મહિનામાં 182 દિવસથી વધુ ભારતમાં રહ્યા છે:
OCI કાર્ડધારક અને નેપાળ/ભૂતાનના નાગરિકો: તેમનું આધાર 10 વર્ષ માટે માન્ય રહેશે.
LTV (લોંગ ટર્મ વિઝા) ધારકો: વિઝાની માન્યતા હોય ત્યાં સુધી.
અન્ય વિદેશી નાગરિકો: વિઝા અથવા FRRO પરમિટની માન્યતા સુધી જ આધાર માન્ય રહેશે.
ટ્રાન્સજેન્ડર અને વિશેષ જૂથોને મોટી રાહત નવા નિયમોમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે ‘ટ્રાન્સજેન્ડર આઈડી કાર્ડ’ ને ઓળખ અને સરનામાના પુરાવા તરીકે માન્યતા આપવામાં આવી છે. આ ઉપરાંત:
અનાથાશ્રમ કે ચાઈલ્ડ કેર હોમમાં રહેતા બાળકો માટે વિશેષ જોગવાઈઓ કરાઈ છે.
દિવ્યાંગો માટે ‘નેશનલ ટ્રસ્ટ એક્ટ’ હેઠળના દસ્તાવેજો સ્વીકારવામાં આવશે.
કેદીઓ અને HIV/AIDS થી અસરગ્રસ્ત વ્યક્તિઓ (NACO સર્ટિફિકેટ દ્વારા) માટે નોંધણી પ્રક્રિયા અત્યંત સરળ બનાવવામાં આવી છે.
